અહો આશ્ર્ચર્યમ્! ભારતીયોની ખાણીપીણીમાંથી અનાજનું પ્રમાણ ઘટી રહ્યું છે
ફોકસ -રાજકુમાર ‘દિનકર’
એમ કહેવાય છે કે જ્યારે બાબર ભારત આવ્યો હતો ત્યારે તેણે અહીંના લોકોને દાળ-રોટલી કે દાળ-ભાત ખાતા જોયા તો વ્યંગમાં તેણે કહ્યું હતું કે અહીંના લોકો તો અનાજ સાથે અનાજ ખાય છે. જોકે, આ વાતમાં પૂર્ણ સત્ય નથી, પરંતુ એય હકીકત છે કે ભારતીયો એક જ ટાણે બે-બે કે ત્રણ-ત્રણ અનાજ પણ સહજતાથી મેળવીને ખાતા હતા અને કેટલીક હદ સુધી આજે પણ ખાઇ રહ્યા છે. જોકે પાછલા દોઢ-બે દાયકામાં ભારતીયોની ખાણીપીણીમાં અનાજની સાથે કે અનાજની જગ્યાએ શાકભાજી, ફળો, માંસ,માછલી કે ઇંડા અને દૂધનો ઉપયોગ કરતા થઇ ગયા છે. એવું નથી કે પહેલાં આપણા દેશમાં ફળ, શાકભાજી, દૂધ કે દહીં નહોતા પણ હવે સભાનપણે આપણા ખોરાકમાં આ ચીજવસ્તુઓની માત્રા વધી છે.
૨૦૨૨-૨૩ના ‘ઘરેલુ ઉપભોગ વ્યય સર્વેક્ષણ’ (એચસીઇએસ) અનુસાર હવે ભારતીયોની ખાણીપીણીમાં ફળ,શાકભાજી, ઇંડા, માંસ, માછલીનું પ્રમાણ ઘણી ઝડપથી વધી રહ્યું છે. નેશનલ સૅમ્પલ સર્વે ઑફિસ (એનએેસએસઓ)દ્વારા આયોજિત એચસીઇએસ સર્વેક્ષણથી માલૂમ પડે છે કે ૨૦ વર્ષ પહેલાં જ્યાં એક ભારતીય સરોરાશ ૧૧.૭૮ કિલો અનાજ ખાતો હતો ત્યાં તેની ખપત ઘટીને ૮.૯૭ કિલો પ્રતિ માસ રહી ગઇ છે. જોકે, યુએનના જણાવ્યા પ્રમાણે આજે પણ ૭૪ ટકા ભારતીયો પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા નથી કરી શકતા, પરંતુ ભારતીયોની ખોરાકમાં પહેલાની સરખામણીએ ફળ, શાકભાજી, ઇંડા, માંસ-માછલીનું પ્રમાણ અનાજની સરખામણીએ વધ્યું છે. જોકે, અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટૅકનોલોજી ઇન્ફોર્મેશન ( એનસીબીઆઇ) અત્યારે પણ ભારતમાં કુલ ૩૨.૫ ટકા લોકો બે કે તેથી વધુ વાર ફળો ખાય છે અને ૨૬.૩ ટકા લોકો જ રોજ ત્રણ કે તેથી વધુ વાર ફળો ખાય છે. આનાથી એક સંકેત એ મળે છે કે ભારતીયોમાં પણ ફળો અને શાકભાજીની ખપત વધી રહી છે.
૨૦૨૧-૨૨માં જ્યાં ભારતમાં ફળોનું ઉત્પાદન ૧૦.૭૫ કરોડ ટન હતું ત્યાં ૨૦૨૨-૨૩માં એ વધીને ૧૦.૭૭ ટન થઇ ગયું છે. આ જ રીતે શાકભાજીઓનું ઉત્પાદન ૨૦૨૧માં ૨૦.૯૧ કરોડ ટન હતું એ ૨૦૨૨-૨૩માં વધીને ૨૧.૨૫ કરોડ ટન થઇ ગયું છે. ચીન પછી ફળ-શાકભાજીના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે આવે છે. આ ઉત્પાદન વધવાનું કારણ એ છે કે ભારતીયોની માગ પણ વધતી ગઇ છે. આ જ રીતે દૂધના વપરાશ અને ઉત્પાદન વિશે પણ કહી શકાય. દૂધના ઉત્પાદનમાં તો ભારત આજે વિશ્ર્વમાં પ્રથમ નંબરે છે. છેલ્લા ત્રીસ વર્ષોમાં ભારતમાં દૂધનો વપરાશ અધધધ… ૧૫૦ ટકા વધ્યો છે. ટૂંકમાં ભારતમાં ખાણીપીણીની આદતોમાં ઝડપી પરિવર્તન આવી રહ્યું છે. એક એવો વખત હતો જ્યારે આપણી ખાણીપીણીમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર ભરપૂર હતાં જ્યારે આજે પ્રોટીનની માત્રા વધી છે.
હવે ખાટલે મોટી ખોડ એ છે કે પ્રોટીનની સાથે પ્રોસેસ્ડ ફૂડની માત્રા પણ વધવા લાગી છે જે આરોગ્ય માટે નુકસાનકારક છે. બીજી એક વાત જાણવા જેવી છે કે આજકાલ શહેરીજનોની સરખામણીએ ગ્રામજનોમાં પણ ઇંડા,માંસ, માછલીના વપરાશમાં ૧૦ ટકાનો વધારો થયો છે. આટલું જ નહીં ગ્રામીણો આ ચીજવસ્તુઓ પાછળ શહેરવાસીઓ કરતાં પૈસા પણ વધુ ખર્ચી રહ્યા છે. એક વેબસાઇટ અનુસાર ભારતમાં શુદ્ધ રૂપે શાકાહારી લોકો કુલ વસતિના માત્ર ૨૦થી ૩૯ ટકા જ છે. જ્યારે માંસાહારી લોકોની વસતિ વધું છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર ભારતમાં ૫૭.૩ ટકા પુરુષ અને ૪૫.૧ ટકા મહિલાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર નોન વેજ જરૂર ખાય છે.
હેરાન કરી દેનારી બાબત એ છે કે પંજાબ કે જ્યાંની ઘણી જગ્યાઓનો ‘મરઘાં ઍન્ડ દારૂ લેન્ડ’ના રૂપમાં ઉલ્લેખ થાય છે ત્યાં સૌથી વધુ લોકો શાકાહારી છે.
જોકે, ભારતમાં તેની વસતિનો પાંચમો ભાગ જ શાકાહારી છે તોયે દુનિયાના વધુ શાકાહારી ભારતમાં જ છે. દેશમાં સૌથી વધુ માંસાહારી તેલંગણામાં છે. અહીં ૯૮.૬ ટકા પુરુષ અને ૯૮.૬ ટકા મહિલાઓ પણ નોન વેજ ખાય છે. બીજો નંબર પ.બંગાળનો ૯૮.૭ પુરુષો અને ૯૮.૪ ટકા મહિલાઓ સાથે આવે છે. આનાથી એ જ સાબિત થાય છે કે દેશમાં ઝડપથી ખાણીપીણીની સંસ્કૃતિ બદલાઇ રહી છે. ગલોબલ ક્રાંતિ અને ઇન્ટરનેટના વ્યાપને કારણે પણ આપણી રહેણીકરણી અને ખાણીપીણી પર અન્ય દેશોનો પ્રભાવ પડવા માંડ્યો છે. આને કારણે દેશના ખેડૂતોએ પારંપરિક અર્થવ્યવસ્થામાં પણ પરિવર્તન આણવું પડશે. ખેડૂતોએ પોતાની આવક બમણી કરવી હોય તો અનાજની સાથે હવે દૂધ, ફળ અને શાકભાજીનું ઉત્પાદન વધારવામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એ અકારણ નથી કે દેશમાં જ્યાં ઉત્તર પ્રદેશ પારંપરિક ખેતી કરીને સૌથી વધુ અનાજ પેદા કરી રહ્યું છે ત્યાં તેનાથી એક તૃતિયાંશ ઓછી જમીન ધરાવતું પશ્ર્ચિમ બંગાળ સૌથી વધુ શાકભાજી અને ફળો ઉગાડી રહ્યું છે. જેનાથી અહીંના ખેડૂતોને આવકમાં ફાયદો પણ થઇ રહ્યો છે.