રઘુનાથ ભાટી અને રણછોડદાસ જોધાની શહાદતે દુર્ગાદાસને આગળ ધપાવ્યા
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
દુર્ગાદાસ રાઠોડના સાથીઓમાં અનન્ય વીરતા થકી મોગલ સેનાને ઘર આંગણે જ ધોળે દિવસે તારા દેખાડનારાઓમાં લવેરાના રઘુનાથ ભાટી મોખરે ગણાય. એમની મર્દાનગીને પ્રતાપે વીર દુર્ગાદાસ રાઠોડને સાથ અને બાળકુંવર અજીતસિંહને નવજીવન મળ્યું એમ ચોક્કસપણે કહી શકાય.
મહારાજા જસવંતસિંહના નિધન બાદ રાઠોડો દિલ્હી પહોંચ્યા, ત્યારે રઘુનાથ ભાટી જોધપુરમાં જ રહ્યા હતા. દિલ્હીમાં બાળ અજીતસિંહનો જીવ બચાવવા માટે મારવાડ પહોંચાડવાની ક્વાયત શરૂ થઈ. મોગલ સેનાએ રાજકુમાર અને રાણીઓના આવાસને ઘેરી લીધું હતું.
મુકુંદદાસ ખીંચીને મદારીના વેશમાં મહેલથી રવાના કરાયા. બાકીના રાજપૂતો મોગલોનો સામનો કરવા રોકાયા. થોડા સમયમાં દુર્ગાદાસને પણ મારવાડ મોકલવાનું નક્કી થયું. એ સમયે રઘુનાથ ભાટીએ માત્ર ૭૦ સૈનિક સાથે મોગલ સૈનિકોને રોકવાનું બીડું ઝડપ્યું: હકીકતમાં આ હારાકીરી કરવા જેવો નિર્ણય હતો.
પરંતુ મોગલોએ હવેલી પર આક્રમણ કર્યું ત્યારે રઘુનાથે સાથીઓ સાથે જબરી ટક્કર આપી. રઘુનાથજીની મુદ્રા અને જોશ જોઈને મોગલોની આંખ ફાટીને ફાટી રહી ગઈ.
રઘુનાથ ભાટીએ દોઢ કલાક સુધી પોતાના અશ્ર્વ સવાર સૈનિકો સાથે
દિલ્હીના ઈરજાગંજ વિસ્તારની ગલીઓને મોગલોના લોહીથી રંગી નાખી. આ જોરદાર લડાઈમાં મોગલ સૈનિકોને વ્યસ્ત રાખીને દુર્ગાદાસ સહિતના
આગેવાનો અને મહારાણીઓને પુરુષ વેશમાં દિલ્હીથી નીકળી જવાની તક અપાવી હતી.
અલબત્ત, એક પ્રખર યોદ્ધાની જેમ લડતા લડતા ઈ.સ. ૧૬૭૯ની ૧૬મી જુલાઈએ રઘુનાથ ભાટી માભોમ અને વફાદારી ખાતર વીરગતિ પામ્યા. આ શહીદે બહુ મોટો ફાળો આપ્યો પોતાના વતનના જતન અને રાજકુમારનો જીવ બચાવવા માટે વંદન.
દુર્ગાદાસ રાઠોડના અન્ય એક હિમ્મતવાન એટલે ઠાકુર રણછોડદાસ જોધા. તેઓ પણ મહારાજા જસવંતસિંહના રાજમાં સેવારત. દિલ્હીમાંથી બાળ રાજકુમાર અજીતસિંહ અને મહારાણીઓને મેવાડ મોકલવાના મિશનમાં દિલ્હીમા રઘુનાથ ભાટી શહીદ થયા પછીનો મોરચો આ ઠાકુર રણછોડદાસ સંભાળ્યો હતો.
મોગલ સેનાએ મારવાડ ભણી જતી રાઠોડ સેનાનો પીછો પકડયો, ત્યારે આફત વધી રહી હતી. આ સમયે રણછોડદાસે દુર્ગાદાસને વિનંતી કરી કે આપ રાજકુમાર અને મહારાણીઓને લઈને મેવાડ તરફ આગળ વધતા રહો, હું અહીં મોગલ સેનાને સંભાળી લઈશ.
આ બીજુ કંઈ નહીં પણ સીધેસીધું મોતને આમંત્રણ હતું. અને ખરેખર મોગલોનો પાંખા શસ્ત્રો-સૈનિકોને સથવારે ગજબનાક સામનો કરાયો. ધારણા મુજબ રણછોડદાસ અને ઘણાં વીરો યુદ્ધમાં ખપી ગયા, પરંતુ રાજકુમાર અને મેવાડની રક્ષામાં પોતાના ફાળો હસતેમુખે નોંધાવ્યાના, સંતોષ સાથે આ બધા વીરો ગયા.
આવા અનન્ય વીરોની હિમ્મત અને બલિદાન થકી જ દુર્ગાદાસ પેતાના ધ્યેયમાં સફળ થઈ શકયા. (ક્રમશ :)