મહિલા ટી-20માં ભારતને રવિવારે સાઉથ આફ્રિકા સાથે હિસાબ બરાબર કરવાનો મોકો
ચેન્નઈ: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને વન-ડે સિરીઝમાં 3-0થી અને એકમાત્ર ટેસ્ટમાં 10 વિકેટે હરાવી દીધી, પણ ટી-20 સિરીઝમાં ભારતની ટીમે ખરાબ શરૂઆત કરી હતી. જોકે શુક્રવારે પહેલી ટી-20 મૅચ હારી ગયા બાદ વિમેન ઇન બ્લ્યૂને રવિવારની ‘ડુ ઑર ડાય’ મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) જીતીને 1-1ની બરાબરી કરી લેવાની સુવર્ણ તક છે.
શુક્રવારે ભારતીય ફીલ્ડર્સે જો કેટલાક કૅચ ન છોડ્યા હોત અને બૅટિંગ પણ સારી કરી હોત તો સાઉથ આફ્રિકાને બદલે ભારત 1-0થી આગળ હોત અને રવિવારે ભારતીય ટીમને સતત બીજો વિજય મેળવીને આ શ્રેણી પણ જીતી લેવાની તક મળી હોત. જોકે સ્થિતિ એવી છે કે સાઉથ આફ્રિકા રવિવારે પણ જીતી જશે તો હરમનપ્રીતની ટીમે ટી-20 સિરીઝની ટ્રોફીથી હાથ ધોઈ નાખવા પડશે.
શુક્રવારની પ્રથમ ટી-20માં સાઉથ આફ્રિકાના 189/4 સામે ભારતનો સ્કોર 177/4 હતો. એ દિવસે સાઉથ આફ્રિકન મહિલા ટીમ ભારતની આ ટૂરમાં પહેલી જ વાર જીતી હતી.
શુક્રવારની મૅચમાં ભારતની વિકેટકીપર રિચા ઘોષ અને સાઉથ આફ્રિકાની બ્રિટ્સ ઈજાને કારણે મૅચમાં અધવચ્ચેથી નીકળી ગઈ હતી. રિચાને માથામાં બૉલ વાગ્યો હતો, જ્યારે બ્રિટ્સના સ્નાયુઓ ખેંચાઈ હતા.
બીસીસીઆઇએ એક યાદીમાં જણાવ્યું હતું, ‘રિચાને ગરદનમાં દુખાવો છે અને ઘટના વખતે તેને ચક્કર આવી ગયા હતા.’ તે કૅચ પકડવા ગઈ ત્યારે બૉલ તેને મોં પર વાગ્યો હતો અને તેનું માથુ નીચે પટકાયું હતું.
બ્રિટ્સના જમણા પગના નીચેના ભાગના સ્નાયુઓ અચાનક ખેંચાઈ જતાં તેને સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવી પડી હતી.
એક તરફ ભારતની મેન્સ ટીમ સાઉથ આફ્રિકા સામે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ચૅમ્પિયનપદ મેળવી લીધું ત્યાં બીજી તરફ ભારતની વિમેન્સ ટીમે સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં નામોશીથી બચવું પડે એવી હાલત છે.