મા સાથે મસ્તીઃ કૂનોના ચીત્તાઓની મા સાથેની મસ્તીની મોજ તમે પણ માણો

ભોપાલઃ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના Kuno national parkનો એક વીડિયો વાયરલ થયો છે. વરસાદમાં જેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે તેમ વન્ય જીવો પણ મોજમાં આવી જાય છે. વનવગડામાં માતા સાથે મસ્તી કરતા ચીત્તાનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે.
ગામિની નામની માદા ચિત્તા તેના પાંચ બચ્ચા સાથે મસ્તી કરતી જોવા મળી હતી. કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભુપેન્દ્ર
યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગામિની નામની માદા ચિત્તા તેના 5 બચ્ચા સાથે કૂદતી જોવા મળે છે.
આ વીડિયો શેર કરતા ભૂપેન્દ્ર યાદવે લખ્યું, ચિતા ગામિની તેના પાંચ બચ્ચા સાથે કુનો નેશનલ પાર્કમાં વરસાદની મજા માણી રહી છે. કુદરત અને ખુશનુમા વાતાવરણ વચ્ચે ગામિની તેના બાળકોને પ્રેમ કરી રહી છે. ગામિની જાણે કૌટુંબિક સંવાદિતાની વાર્તા વણી રહી છે.
આ વર્ષે માર્ચ મહિનામાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન માદા ચિત્તા ગામિનીએ છ બચ્ચાંને જન્મ આપ્યો હતો. ત્યારપછી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા લખ્યું, ગામિની વિરાસત આગળ વધી રહી છે. સુખનો કોઈ અંત નથી. તે પાંચ નહીં, છ બચ્ચા છે. મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચિતા ગામિનીના છ બચ્ચાંની તસવીરો પણ શેર કરી હતી.
માર્ચમાં 6 બચ્ચાંના જન્મ સાથે, કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે, જેમાં 14 બચ્ચાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે માર્ચમાં માદા ચિત્તા જ્વાલાએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો પરંતુ તેમાંથી માત્ર એક જ બચ્યું હતું. જ્વાલાએ આ વર્ષે જાન્યુઆરીમાં તેના બીજા ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. આ પછી ચિતા આશાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે.