મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીઓ, બેઠકોની વહેંચણી, રણનિતી ઘડવી વગેરે કામો શરૂ થઇ ગયા છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના નેતાઓ પોત પોતાના પદાધિકારીઓની સાથે બેઠકો પણ યોજવા લાગ્યા છે. જોકે, એ સાથે જ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો પણ શરૂ થઇ ગયો છે. જેમાં અજિત પવાર જૂથની એનસીપીના નેતા દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ વિરોધી ગઠબંધન દ્વારા મુખ્યમંત્રીની ચા પાર્ટીનો બહિષ્કાર
અજિત પવાર જૂથના નેતા અનિલ પાટીલે મહાવિકાસ આઘાડીના મુખ્ય પક્ષ કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન પદના ચહેરાને લઇને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન બનવા માટે દસ નેતાઓ ઇચ્છુક હોવાનું નિવેદન પાટીલે આપ્યું છે. પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન બનવા માટે દસ દાવેદાર છે અને તેથી કોંગ્રેસ પાસે વિધાનસભાની ચૂંટણીમાં બધી જ 288 બેઠકો પરથી ચૂંટણી લડવા સિવાય કોઇ અન્ય વિકલ્પ નથી.
આ પણ વાંચો: લોકસભા પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારી: ચૂંટણી પંચના પગલાં
આ સિવાય પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસ ફક્ત ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો એક ચહેરો આગળ કરી રહી છે ત્યારે કોંગ્રેસમાં મોટાપાયે ચકચાર જાગેલી છે. કોંગ્રેસમાં હિલચાલ વધી રહી છે. એક વાત તો નક્કી છે. કોંગ્રેસ રાજ્યમાં જે રીતની હિલચાલ કરી રહી છે તેનાથી લાગે છે કે ઠાકરે જૂથ કે પવાર જૂથ બંને તેમને દગો આપી શકે છે. તેમનો પક્ષ એકલો પડી જાય તેવી શક્યતા છે. આવી ચર્ચા કોંગ્રેસમાં પણ થઇ રહી છે. એટલે કોંગ્રેસે બધી બેઠકો પરથી લડવાની તૈયારી કરી છે, તેમ પાટીલે જણાવ્યું હતું.