સ્પોર્ટસ

હૈદરાબાદમાં મોહમ્મદ સિરાજનો ‘ઓપન કાર રોડ-શો’: હજારો ચાહકોએ કર્યું સ્વાગત

હૈદરાબાદ: પેસ બોલર મોહમ્મદ સિરાજને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના ટી-20 વર્લ્ડ કપમાં પહેલી ત્રણ મૅચ જ રમવા મળી હતી, પણ તેનું નામ પણ ટી-20ના નવા વર્લ્ડ ચૅમ્પિયનોમાં લખાઈ ગયું છે. તે ભારત ઉપરાંત હૈદરાબાદનું પણ ગૌરવ છે અને એટલે જ ગુરુવારે મુંબઈમાં વર્લ્ડ ચૅમ્પિયન ટીમનું લાખો ચાહકો વચ્ચે અભૂતપૂર્વ સેલિબ્રેશન થયું ત્યાર બાદ બીજા દિવસે હોમટાઉન હૈદરાબાદમાં સિરાજને પણ શાનદાર વેલકમ મળ્યું હતું.

ગુરુવારે મરીન ડ્રાઇવ પર લાખો લોકોની હાજરીમાં અને પછી વાનખેડે સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકો તેમ જ અસંખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ટીમ ઇન્ડિયાની વિજયી-પરેડ યોજાઈ ત્યાર પછી ચૅમ્પિયન ખેલાડીઓ હોટેલમાં પહોંચ્યા બાદ પોતાના ઘરે જવા રવાના થયા હતા.

શુક્રવારે સિરાજ હૈદરાબાદ પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વર્લ્ડ ચૅમ્પિયન બોલરની હૈદરાબાદમાં હુમાયું નગરથી લૅન્સર લેન સુધી વિક્ટરી-પરેડ યોજવામાં આવી હતી. હજારો લોકો ડીજેના તાલ પર નાચ્યા હતા.

https://twitter.com/RCBTweets/status/1809262081948225580


સિરાજની પોતાની ઓપન-કારમાંથી સાંજે 7.00 વાગ્યે આ વિક્ટરી પરેડ રાખવામાં આવી હતી. ક્રિકેટપ્રેમીઓ સાંજે 4.00 વાગ્યાથી જ મેહદીપટનમ ખાતે જમા થવા લાગ્યા હતા. સાંજે 6.00 સુધીમાં સિરાજના ફૅન્સની સંખ્યા અનેકગણી થઈ ગઈ હતી.

સિરાજ તેની ઓપન કારમાં આવ્યો હતો. તેણે જૅકેટ પહેર્યું હતું અને તિરંગો ઓઢી રાખ્યો હતો. તેના ગળાની ફરતે ટી-20 વર્લ્ડ કપ મેડલ પણ હતું. તેણે સનગ્લાસ પહેર્યા હતા જેમાં તેનો લુક દક્ષિણ ભારતના ફિલ્મી હીરો જેવો હતો.

સિરાજની કાર જેમ આગળ વધતી હતી એમ કારની આસપાસ લોકોની સંખ્યા વધતી ગઈ હતી જેને કારણે ક્યારેક ખુદ સિરાજે કારની આગળનો થોડો રસ્તો ખાલી રાખવાની વિનંતી કરી હતી. ક્રાઉડમાં એક ઍમ્બ્યુલન્સ ફસાઈ જતાં ખુદ સિરાજે લોકોને એના માટે રસ્તો કરી આપવાની વિનંતી કરી હતી અને લોકોએ તરત જ રસ્તો કરી આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button