૨૦૨૪ના પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા: રિકેન યામામોટો
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
સ્થાપત્યનું પ્રખ્યાત ૨૦૨૪નું પ્રિત્ઝકર પુરસ્કાર જાપાનના સ્થપતિ રિકેન યામામોટોને આપવામાં આવ્યું છે. તેમની રચના કંઈક અંશે ન્યૂનતમવાદ સાથે સરખાવી શકાય તેવી હોય છે. રચનામાં સ્પષ્ટતા, ઘનાકારની ભૌમિતિક નિયમો મુજબની ગોઠવણી, આધુનિકતા અનુસારનું વિગતીકરણ, કોન્ક્રીટ અને કાચ વચ્ચે સ્થપાતો અનેરો સંવાદ, સામાજિક માગ પ્રત્યેની જવાબદારી, સ્થાપત્યકીય શિસ્ત, સામાન્ય માનવીના વ્યક્તિગત અભિપ્રાય માટે યોગ્ય સ્થાન, જનસમૂહની આવશ્યકતા પ્રત્યે નિષ્ઠા જેવી બાબતો તેમની રચનાની ખાસ વિશેષતા છે. લગભગ પાંચ દાયકા સુધી ફેલાયેલી તેમની કારકિર્દી દ્વારા સમકાલીન જાપાનના સ્થાપત્ય ક્ષેત્રમાં તેમણે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે.
પુરસ્કારની જ્યુરીના દસ્તાવેજમાં જણાવાયું છે તેમ યામામોટો પોતાની રચના જે તે વ્યક્તિ-સમૂહ હકારાત્મક વલણ ધરાવી શકે તે મુજબનું સકારાત્મક વલણ ધરાવે છે. ઘણીવાર એમ થતું હોય છે કે સ્થાપત્યની સમક્ષ માનવી એક પ્રકારની વામનતા અનુભવે. યામામોટોની રચનામાં આમ નથી થતું. અહીં એમ જાણતું હોય છે કે તેઓ પ્રત્યેક ઉપયોગકર્તાને એક પ્રકારનો વિશ્ર્વાસ અપાવે છે, માનવીના રોજિંદા જીવનમાં ગૌરવની અનુભૂતિ કરાવે છે. જ્યુરીના અભિપ્રાય પ્રમાણે યામામોટો પોતાની રચના દ્વારા સમુદાયને શાંતિ તેમજ સાદગીપૂર્ણ વૈભવ તરફ દોરી જાય છે.
સામાજિક ક્રિયા-પ્રતિક્રિયા માટે તેમની પ્રતિબદ્ધતા, કુદરતી પ્રકાશના ઉપયોગ માટે તેમની કટિબદ્ધતા, માનવીય ક્રિયાઓ માટે તેમની સંવેદનશીલતા, સ્થાપત્યના પ્રાથમિક સિદ્ધાંતોના અનુસરણ માટેના તેમના પ્રયાસો, ગૌરવપૂર્ણ રચનાત્મકતા માટે તેમના સ્વીકૃત બનતા પ્રયત્નો, ભૌમિતિક સાદગી અને સરળતા માટેની તેમની પ્રાથમિક પસંદગી, અને માનવીના જીવનને વધુ મૂલ્યવાન બનાવવાની તેમની ઈચ્છા તેમનાં મકાનોને ખાસ બનાવે છે. આમ પણ યામામોટો સ્થાપત્યના ક્ષેત્રમાં “જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનું સગપણ સ્થાપિત કરવા અને “રોજિંદા જીવનની પૃષ્ઠભૂમિ અને અગ્રભૂમિ તરીકે સ્થાપત્ય બનાવવા માટે જાણીતા છે.
પ્રતિષ્ઠિત પ્રિત્ઝકર પુરસ્કાર મેળવનાર જાપાનના આ નવમા સ્થપતિ છે. એક અભિપ્રાય પ્રમાણે તેમના સ્થાપત્યમાં ભવિષ્યના કેટલાંક મૂળભૂત અને શહેરી વિકાસને લગતા અગત્યના પડકારોનો જવાબ મળી રહે છે. તેમની રચનાના કેન્દ્રમાં માનવી હોય છે, ટેક્નોલોજી દ્વારા વિકસાવાયેલ સામગ્રી નહીં. તેમની રચનામાં માનવીની આકાંક્ષાને પ્રતિભાવ મળે છે અને તેમાં ક્યાંય દંભનું આવરણ નથી હોતું. આધુનિક સ્થાપત્યમાં જે પ્રકારની ચમક દમક જોવા મળે છે તેને અહીં સ્થાન નથી. યામામોટોનું સ્થાપત્ય સ્વસ્થતા પૂર્ણ વૈભવ તરફ દોરી જાય છે.
આ સ્થપતિનું વ્યવસાયિક કાર્ય જાપાન ઉપરાંત ચીન, દક્ષિણ કોરિયા તથા સ્વિટઝરલેન્ડ જેવા દેશોમાં પણ પ્રસરેલું છે. વ્યક્તિગત આવાસ ઉપરાંત તેમણે આવાસ સમૂહ, શૈક્ષણિક સંકુલ, સામાજિક સંસ્થા, જાહેર જગ્યાઓ અને નગર આયોજન જેવા ક્ષેત્રમાં સેવાઓ આપી છે. તેમના વ્યવસાયિક કાર્યનો વ્યાપ ઘણો વિસ્તૃત છે અને તેમાં ભિન્ન ભિન્ન પ્રકારના પડકારોને બહુ સંવેદનશીલતા અને રચનાત્મકતાથી પ્રતિભાવિત કરાયા છે.
યામામોટોનો જન્મ આમ તો ૧૯૪૫માં ચીનમાં થયો હતો પરંતુ બીજા વિશ્ર્વયુદ્ધના અંતે તેઓ જાપાનમાં સ્થળાંતર થયા હતા. આથી તેમની રચનામાં ચીન અને જાપાન, બન્ને દેશની પરંપરાગત શૈલીની અસર જોવા મળે છે. આ શૈલી મુજબ બહારના સ્થાન અને આંતરિક સ્થાન વચ્ચેનું સમીકરણ લોકભોગ્ય અને સ્થાનિક આબોહવાને અનુરૂપ હોય છે. આ બે સ્થાન વચ્ચે ઊભું થતું અંતરાલ એકદમ જીવંત જણાતું હોય છે. યામામોટોની રચનામાં પણ આ જીવંતતા ક્યાંક પ્રતિબિંબિત થતી જણાય છે. સ્થાપત્યના ક્ષેત્રમાં જગ્યાની ઓળખ સાથે સમુદાયની ઓળખ પણ મહત્ત્વની છે તેમ તેઓ જણાવતા હોય છે. વ્યક્તિની સ્વતંત્રતાને સન્માન આપવા હાલના સ્થાપત્યમાં ગોપનીયતા પર વધુ ભાર મૂકવામાં આવે છે, તેની અપેક્ષાએ યામામોટોની રચનામાં ગોપનીયતા સાથે સામાજિક સંબંધોની આવશ્યકતા પર પણ ભાર મુકાય છે. આ વિચારધારા અનુસાર જ જાહેર સમુદાય માટેના તેમનાં મકાનોમાં જાહેર અને ખાનગી જગ્યાઓ વચ્ચે સર્જાતો થ્રેશહોલ્ડ હકારાત્મક ભૂમિકા ભજવે છે અને તે બંને જગ્યાઓની સીમાને એકબીજા સાથે સાંકળી દે છે. તેમની દ્રષ્ટિએ સ્થાપત્ય દ્વારા સંસ્કૃતિ અને જીવન વચ્ચે સંવાદ સ્થપાવો જોઈએ. તેમનાં મકાનોમાં સર્જાતી પારદર્શિતા પણ રસપ્રદ હોય છે. કાચના રચનાત્મક ઉપયોગથી અહીં જરૂરી માનવીય દ્રશ્ય સંપર્ક સ્થાપવામાં આવે છે અને અન્ય પ્રકારની ખલેલને રોકવા પર પણ ભાર મુકાય છે.
યામામોટોની આવાસની રચનામાં કુટુંબ કેન્દ્રમાં રહે છે. કુટુંબની જરૂરિયાતો, તેમની જીવનશૈલી, તેમની પસંદગી, તેમનો અગ્રતાક્રમ, તેમના પરંપરાગત તેમજ સાંસ્કૃતિક મૂલ્યો, તેમની સંપન્નતા, તેમની અપેક્ષા અને આકાંક્ષા, અને તેમનાં મૂલ્યો એમના દ્વારા નિર્ધારિત કરાયેલ આવાસ રચનામાં પ્રતિબિંબિત થતા રહે છે. આ મકાનોમાં પણ તેઓ ભૌમિતિક સ્પષ્ટતાને વધુ મહત્ત્વ આપતા હોય તેમ જણાય છે.
સાંપ્રત સમયમાં જરૂરિયાતની મજબૂતાઈવાળી માળખાગત રચના ઊભી કરી તેની ચારે બાજુ પતરા જડી દેવાની જે વિચિત્ર શૈલી પ્રચલિત થઈ રહી છે તેની સામે યામોમોટોની રચના સ્થાપત્યના ક્ષેત્રમાં એક નવી આશા ઊભી કરે છે. પરંપરાગત મૂલ્યનિષ્ઠ સ્થાપત્યની પરંપરાની આ સ્વીકૃતિ છે.