વીક એન્ડ

પંખીઓના માળાની અજાયબ દુનિયા

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

મારી પ્રથમ ટૂંકી વાર્તા લગભગ ૧૯૮૯માં ગુજરાતી સાહિત્યિક સામયિક નવચેતનમાં છપાયેલી. લઘુકથાના જનક ગણાતા શ્રી મોહનલાલ પટેલે પત્ર લખીને મારી વાર્તાના ખૂબ વખાણ કરેલા, પરંતુ પત્રના અંતે તેમણે વાર્તામાં રહી ગયેલાં એક હકીકત દોષ તરફ ધ્યાન દોરેલું. વાત જાણે એમ હતી કે મારી વાર્તામાં કબૂતર યુગલ અને તેનો માળો અને ઈંડાં મૂકવાની પ્રક્રિયાનું વર્ણન હતું. આ વર્ણનમાં મે લખેલું કે ‘કબૂતરના અધૂરા માળાનાં તણખલાં, દોરા ફગાવી દીધાં બારીની બહાર.’ મોહનભાઈએ સમગ્ર વાર્તામાંથી આ હકીકત દોષ શોધી કાઢેલો અને લખેલું કે નાની હકીકતો ઉપર પણ લક્ષ આપવું જરૂરી ખરું. જેમ કે (૧) કબૂતરના માળા તણખલાથી નથી બનતા. એ તો સળીઓ (લીમડાની અથવા એના જેવી અન્ય) ઝાડની અત્યંત ઝીણા સ્વરૂપની ડાળખીઓ, દાતણની ચીરીઓ વગેરે રુક્ષ ચીજોથી જ માળા બને છે. મોટે ભાગે કબૂતર એવી ચીજો ઉઠાવી આવે છે. સુઘરી, ચકલી વગેરેના માળા તણખલાંના બનેલા હોય છે. વાર્તા લખતી વખતે લેખકે આવી સૂક્ષ્મ વાતોમાં હકીકત દોષ રહી ન જાય તેનું ધ્યાન રાખવું કેટલું મહત્ત્વનું છે એ મને ત્યારે સમજાયું. કુદરતના આ બંદાઓને જ્યારે તમે તમારા સર્જનમાં વણી લેતા હો ત્યારે તેમની પ્રાકૃતિક સમજ, આદતો અને વિશેષતાઓને પણ તમારે ધ્યાને લેવી પડે.

તો દોસ્તો . . . આ ઘટના બન્યા બાદ મેં વિવિધ પક્ષીઓના માળા બાબતે ધ્યાન આપવાનું ચાલુ કરેલું. મૂળભૂત રીતે પંખીઓ ઈંડાં મૂકી તેને સેવવા માટે જે વ્યવસ્થા ઊભી કરે તેને આપણે માળો કહી છીએ, પરંતુ વિશ્ર્વના થોડા અજીબોગરીબ માળાઓ વિશે વાત કરતાં પહેલાં મને બાળપણની એક ઘટના યાદ આવી ગઈ. નાના એવા ગામના રેલવે સ્ટેશનના અમારા ક્વાર્ટરની પાછળ ઘાસવાળા ઢાળમાં એક કાકીડી નાનો એવો ખાડો બનાવીને તેમાં ઈંડાં મૂકી રહી હતી. આ પ્રક્રિયાને ધ્યાનપૂર્વક જોઈ રહેલા મારા નાના ભાઈએ મને જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું કે ‘આ કાકીડો શું કરે છે?’ મે કીધું માળો બનાવીને ઈંડાં મૂકે છે.
કાકીડીએ ખાડામાં ઈંડાં મૂક્યા અને પોતાના પગથી તેના ઉપર માટી વાળી દીધી. હું સાંજે શાળાથી ઘેર આવ્યો તો નાનો ભાઈ મારી પાસે આવ્યો અને હસતાં હસતાં ગર્વથી બોલ્યો ભાઈ, ઓલા ઈંડાં મેં ફોડી નાખ્યાં’ મને ફાળ પડી અને જોયું તો ખરેખર નાનાએ એ માળો ખોદીને કાકીડાના બધા ઈંડાં ફોડી નાખેલા . . . પછી તો શું . . . નાનાને માર પડ્યો અને નાનાને માર મારવા બદલ મને પણ માર પડેલો !

આજે આપણે વિશ્ર્વના થોડાં પંખીઓ અને એક સાપના માળા વિશે જાણીશું.
સામાન્ય રીતે આપણે બધા કબૂતર, ચકલી, કોયલ વગેરેના માળાઓથી પરિચિત છીએ.
માળા મૂળભૂત રીતે તો પક્ષીઓનાં બચ્ચાઓને સાચવવા, ઉછેરવા અને બચાવવા માટે બનાવામાં આવતા હોય છે, પરંતુ ભારતમાં અને વિશ્ર્વભરમાં થોડાં પક્ષીઓ એવા છે જેઓ તદ્દન નોખી-અનોખી રીતે પોતાના માળા બનાવે છે.

પંખીઓ માળામાં વિવિધ અને વિચિત્ર સામગ્રીનો ઉપયોગ કરે છે જેમાં કરોળિયાના જાળા, પોતાની લાળ અને પ્લાસ્ટિકના નાના ટુકડા જેવા વૈવિધ્યસભર પદાર્થોનો પણ ઉપયોગ થયો હોય છે. આજે આપણે ભારતના અને વિશ્ર્વના થોડાં પંખીઓના અને એક સાપના સાવ અનોખા માળા વિશે જાણીશું.

વિશ્ર્વમાં વિચિત્ર જાનવરો અંગે જાણીતા ઑસ્ટ્રેલિયાનું એક પંખી છે જેનું નામ છે માલીફાઉલ. આ માલીફાઉલ આપણા મરઘાના કાંદનું અને આપણા તેતર-બટેરની માફક જમીન પર વસતું પંખી છે. હવે વાત માળાની આવે એટલે આપણને એક દૃશ્ય દેખાય કે ઘટાટોપ એક વૃક્ષની ડાળી અથવા બખોલમાં જમીનના શિકારીઓની પહોંચથી દૂર ઊંચે બનેલો માળો, પરંતુ ઑસ્ટ્રેલિયાનું આ માલીફાઉલ પોતે જમીન પર રહેતું હોવાથી તેણે જમીન પર સાવ અનોખો માળો બનાવતા શીખી લીધું છે.

માલીફાઉલ્સ જમીન પર મોટો દૈતની સાઇઝનો માળો બનાવે છે. સાલું આ મરઘાં જેટલું પંખીડું એવો તો કેવો દૈત જેટલો માળો બનાવતું હશે? આ પંખીડાનો રેકોર્ડ સાઈઝનો માળો દોઢસો ફૂટથી વધુ ફેલાયેલો અને બે ફૂટ ઊંચો નોંધાયેલો છે.

નર માલીફાઉલ પહેલાં તો એક મોટો ખાડો ખોદે છે આ ખાડાને સળેખડી, પાંદડા અને અન્ય પદાર્થોથી ભરે છે; ત્યાર બાદ માદા પોતાનાં ઈંડાં મૂકે છે. પછી, વૂડ-બી-મધર-ફાધર માળાની અંદર તાપમાન જળવાઈ રહે તે માટે આ કચરાના ઢગલા પર રેતીનું પાતળું પડ ચડાવે છે. આ માળામાં રેતીમાટીની નીચે નીચે ઘાસ, સળખડી જેવા પદાર્થો સડતા જાય છે અને તેની ગરમી ઇંડાને સેવવા માટે જરૂરી ઉષ્ણતામાન પૂરું પાડે છે.

એક માત્ર તકલીફ જો કોઈને હોય તો તે બચ્ચાંને પડે છે. ઈંડા તોડીને બહાર નીકળ્યા બાદ આ વિશાળ ટેકરામાંથી બહાર નીકળવાનો રસ્તો બચ્ચાઓએ જાતે ખોદીને બનાવવો પડે છે. વિજ્ઞાનિકોના અભ્યાસ મુજબ આ માળામાંથી નીકળવા માટે બચ્ચાઓને ૧૫ કલાક જેટલો સમય લાગી જાય છે!

હવે ઝડપથી જોઈએ થોડા એવાં પંખીઓ જેના માળા ધ્યાનાકર્ષક છે. યસ મને ખબર છે તમને સૌને સૌથી પહેલાં તો સુઘરીનો માળો જ યાદ આવશે. ખેતરમાં કૂવા પર ઝળૂંબી રહેલાં વૃક્ષોની ડાળીઓ પર લટકતા માળા દેખાય. ભગવાન જાણે ક્યાંથી એકઠા કરેલા ઘાસના એકસરખા તણખલાઓની બારીક ગૂંથણીમાં પાછો પહેલો કક્ષ ડ્રોઈંગ રૂમ હોય, ત્યાંથી અંદર પાછો બીજો છુપો કક્ષ હોય જેમાં સુઘરીબેન ઈંડાં મુકીને ઉછેરે. અમુક સુઘરીઓ પાછી પોતાના માળાની બાજુમાં સાપને ઉલ્લુ બનાવવા માટે ફેક માળા બનાવે જેમાં જઈને સાપ સમય બગાડે અને સુઘરીબેન પોતાને, ઈંડાને અને બચ્ચાંને બચાવવાની યુક્તિઓ કરે. ઉત્તરીય અમેરિકા અને કેનેડામાં જોવા મળતું એક પક્ષી છે ઓવન બર્ડ. સાલું આ તે કેવું નામ . . . ઓવન એટલે ભઠ્ઠી અને આ ઓવનબર્ડ દંપતી ભીની માટી શોધી લાવીને લગભગ પંદર દિવસ મહેનત કરીને માળો બનાવે છે. આ માળો આકારમાં જૂના જમાનાના ભોજન બનાવવાના પાત્ર જેવો હોવાથી તે પક્ષીનું નામ ઓવનબાર્ડ પડ્યું છે.
અંતે એક સાવ અનોખા પંખીના માળા વિષે જાણીએ. તેનું નામ છે બાવર બર્ડ. વળી પાછું આ પંખીડું પણ ઑસ્ટ્રેલિયાનું છે બોલો. માળાના મૂળભૂત બે હેતુઓ હોય છે, પ્રથમ તો માદાને રિઝવવાનો અને બીજો હેતુ ઈંડાં સેવીને બચ્ચા ઉછેરવાનો હોય છે. આપણા બાવરબર્ડભાઈ અમેરિકાના ટ્વિન ટાવર જેવો મસ્ત માળો બનાવે અને તેમાં રંગબેરંગી બસ્તુઓ, પથરાય, ચમકતી વસ્તુઓ શોધી શોધીને માળો સજાવે છે. માળો સંતોષજનક રીતે સજાવી લીધા બાદ નર માદાની રાહ જુએ છે. માદા આવીને માળાના બંધારણ અને સજાવટની ચકાસણી કરે અને જો હસી તો ફીર… કુડી ફસી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button