હૈં… ચોરીનો માલ ઘેરપરત?!
હકીકતે ઘરમાં આવેલ ચોરને તકલીફ ન પડે તે માટે સિઝનને અનુરૂપ લાઇટ બ્રેકફાસ્ટને પરંપરા શરૂ કરવાનો સમય આવી ગયો છે. ચોરને ચોરી કરવા માટે કામની કરતાં નકામી ચીજો ફેંદવી પડે છે. ઘરેણા શોધવા લોટ, અનાજ, કઠોળના ડબ્બા, બરણી, પીપ ફેંદવા પડે છે.
વ્યંગ – ભરત વૈષ્ણવ
ચોરને ચોરટો કહીને સમાજ ઉતારી પાડે છે. આ સમાજ ચોરની ઇજજત કરતો નથી. બિચારા ચોરને કેટલું લાગી આવતું હશે કોઇ જ્યોતિષીએ શનિની ઢૈયા કે સાડાસાતીની પનોતીની નકારાત્મક અસર હળવી કરવા દસ ગુરુવાર પાંચ નિર્ધન ચોરોને સો ગ્રામ સોનું આપવાની સલાહ આપી છે ખરી? હા, એ ખરું કે ચોર આપણા માટે મહેમાન નથી. મહેમાનની આવવાની તારીખ અને સમય ફિકસ હોય છે. ચોર એ અ- તિથિ છે. આપણા ઘરે કંઇ તિથિ/ તારીખે ચોરી કરશે તે નક્કી હોતું નથી. પોતે કયારે ચોરી કરવા આવશે એવી કોઈ આગોતરી જાણ કરતો નથી.. હકીકતે ઘરમાં આવેલ ચોરને તકલીફ ન પડે તે માટે સિઝનને અનુરૂપ લાઇટ બ્રેકફાસ્ટને પરંપરા શરૂ કરવાનો સમય આવી ગયો છે. ચોરને ચોરી કરવા માટે કામની કરતાં નકામી ચીજો ફેંદવી પડે છે. ઘરેણા શોધવા લોટ, અનાજ, કઠોળના ડબ્બા, બરણી, પીપ ફેંદવા પડે છે.
તિજોરીની ડુપ્લિકેટ ચાવી કામ કરતી નથી. ઉપરથી ફ્રીઝમાં ઠંડા પાણીની બોટલ પણ હોય નહીં. પછી બોલો, ચોરના મગજનો બાટલો ફાટે કે નહીં?
ચોરને ચોરી કરવા માટે અનુકૂળ માહોલ ન આપો તો ચોર ક્યાંથી ચોરી કરી શકે? બાય ધ વે, ચોર પણ ઓર્ડિનરી, રોયલ અને ડિલકસ કેટેગરીના હોય છે. જે ચોર પગપાળા ચાલીને ઘર, દુકાન, મંદિરમાં ચોરી કરવાને અંજામ આપે તે ચોર જનરલ કે ઓર્ડિનરી કેટેગરીમાં આવે છે. ડિલકસ પ્રકારના ચોર ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનમાં આવીને ફટાફટ ચોરીની ઘટનાને પાર પાડે છે.
કેટલાક ચોર યુનિક હોય છે. જો કે ચોર કેટેગરીમાં આધાર કે યુનિક નંબર ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ નથી. આ ચોરોને સેવન સ્ટાર કે ફાઇવ સ્ટાર ચોર હોય છે.
આ કેટેગરીના ચોર ચોરી કરવા માટે ફલાઇટમાં આવનજાવન કરે છે. ચોર લોકો વાહનના શોખીન હોય છે. કોઇની કાર કે બાઇક ચોરે, ચોરેલું વાહન ફેરવે, પેટ્રોલ-ડિઝલ- ગેસ ખલાસ થાય એટલે વાહન છોડી દે. માત્ર સાયલેન્સરની ચોરી કરનારા ચોર હોય છે..કેટલાક ચોર સોલો ચોર હોય છે. કેટલાક ચડીબનિયાન ધારી કે એવી ગેંગનો હિસ્સો હોય છે!
કેટલાક ખાઉધરા ચોર ચોરી કરવાની સાથે ફ્રીઝમાં મુકેલ વાનગીઓ સફાચટ કરી નાખે છે. જેને ઘા ભેગો ઘસરકો કહેવામાં આવે છે. ચાર્લ્સ શોભરાજ, બન્ટી બબલી, મિસ્ટર નટવરલાલ, ચીન કા શાહુકાર એમ વિવિધ નામોથી ચોર ઓળખાય છે!
એક ચોર હમણા એક ઘરમાં ચોરી કરવા પેઠેલો. ચોરના ગ્રહો સારા હશે. ચોરને રૂપિયા પૈસાનો દલ્લો સારો મળ્યો. એ ચોરી કરીને ઘરબહાર નીકળવાનો જ હતો. ચોરને ભૂખ લાગી. ફ્રીઝમાં ખાવાનું પડેલ. ચોરે તે આરોગ્યું . પછી એસી ચાલુ કરી બેડરૂમમાં લંબાવ્યું. ચોર સવારે જાગ્યો ત્યારે પોલીસ લોકઅપમાં હતો.
મધ્ય પ્રદેશમા એક ચોર ડેપ્યુટી કલેક્ટર જેવો તગડો હોદો ધરાવતા અધિકારીના સરકારી મકાનમાં મોટો દલ્લો મારવાની આશા સાથે ઘૂસ્યો. એને ઘરમાંથી માત્ર ત્રણ હજાર જેવી મામૂલી રકમ મળી. ચોરને તો ઇડી સીબીઆઇ કે ઇન્કમટેકસની જેમ ગાદલા, કબાટ, દીવાલ, બાથરૂમની છત વગેરેમાથી કરોડો રૂપિયાનાં બંડલો મળવાની ઉમ્મીદ હતી.
ઉમ્મીદ સામે મળેલી રકમ ઉમ્મીદથી કમ હતી. સાલી મહેનત માથે પડી તેણે ડેપ્યુટી કલેક્ટર સાહેબની કંજૂસી પર લ્યાનત વરસાવી. મુફલિસ ડેપ્યુટી કલેક્ટર સાહેબને હોદાને છાજે એટલી રકમ ઘરમાં રાખવા હિદાયત દીધી જેથી ભવિષ્યમાં એની મહેનત જેટલું મહેનતાણું
મળી રહે !
હમણા ચીનમાં એક ચોરે મોરલ પોલીસ જેવું કામ કર્યું. સાંગ નામના ચોરે શાંઘાઈની એક દુકાન લૂંટી . દુકાનમાંથી ઘડિયાળ અને એપલ મેકબુકની ચોરી કરી. દુકાન માલિકનું સાવ ઉઠમણું ન થઈ જાય એ માટે બધા ફોન અને લેપટોપ ન ચોર્યા . આને ખાનદાની કહેવાય.
આ સંતોષી જીવે દુકાન માલિકને મની એન્ટી-થેફ્ટ સિસ્ટમને અપગ્રેડ કરવાની વિનંતી કરતો સંદેશ છોડી દીધો.સાંગે લખ્યું કે પ્રિય બોસ, મેં એક કાંડા ઘડિયાળ અને એક લેપટોપ લીધું છે. તમારે તમારી એન્ટી-થેફ્ટ સિસ્ટમ સુધારવી જોઈએ.સાંગે પોતાનો ફોન નંબર પણ શેર કર્યો. ઉમેરવાની જરુર નથી કે.
જાહેર સર્વેલન્સ કેમેરાનો ઉપયોગ કરીને પોલીસ સાંગને શાંઘાઈથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુદ્દામાલ સાથે ઝબ્બે કર્યો. આ છેલ્લો બનાવ તો ચોરની પ્રામાણિક્તા અને વચન પરસ્તીનું બેમિસાલ ઉદાહરણ છે. ચીનમાં ચોંગકિંગની દક્ષિણ-પશ્ર્ચિમ ચાઇનીઝ મ્યુનિસિપાલિટી આવેલી છે, જયાંની એક કંપનીમાંથી એક લેપટોપ, ચાર મોબાઇલ ફોન અને મોંઘી સિગારેટના બે કાર્ટન ચોરી થઇ.ચોરી કરનાર પવિત્ર ચોરે માલિકના નામે ચિઠ્ઠી મુકી. જો કે, માલિકે ચિઠ્ઠી આઇ હૈ આઇ હૈ ચિઠ્ઠી આઇ હૈ તેવું ગીત ન ગાયું ! ચોરની કેફિયત મુજબ ચોર ચોરી કરી રહ્યો નથી પરંતુ, ચોરેલ માલ જાંગડ માલ તરીકે ઉછીના લઈ રહ્યો છે. જે માલ સામાન ૧,૦૦૦-યુઆન સાથે ત્રણ દિવસમાં પરત કરશે તેવું જેન્ટલમેન નહીં પણ બેડમેન પ્રોમિસ આપ્યું હતું.
ચોર પર એતબાર કરવા અને પોલીસ ન બોલાવવાની સલાહ પણ આપી. જો કે, કંપનીએ વિશ્ર્વાસઘાત કરી પોલીસ બોલાવી અલબત, ત્રણ દિવસ પછી ચોરે વચન નિભાવ્યું કેમ કે એ ચોર હતો -કોઈ વચનભંગ કરે એવો નેતા નહીં ! નેતા નહી.
હકીકતમાં એણે ૧,૦૦૦-યુઆન ચુકવણી સાથે વસ્તુ પરત કરી.એણે જુગારની લોન લેવા માટે ડિપોઝિટ તરીકે વસ્તુઓ ગીરો મૂકી હતી અને એ જુગારમાં જીતી પણ ગયો હતો. કંપનીના માલિકે ચોરને માફ કરી દીધો અને પોલીસે એને પેરોલની હળવી સજા પણ આપી.
જો કે, થોડા મહિના પછી, આ જ વ્યક્તિએ તે જ વિસ્તારમાં ફરીથી ઘણી ચોરી કરી પછી ચોરેલો માલ પરત પણ ન કર્યા, કેમ કે ચોર હૈ કી સુધરતા નહીં!