મોર્રો જાબલેમાં દરિયાનો ઓવરડોઝ…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
હાલમાં મિત્રો સાથે માનહાઈમમાં રાઈન નદીના કિનારે એક સુંદર રેસ્ટોરાંમાં જવાનું થયું. અહીં જ્યાં પણ કિનારો હોય તેને બીચ જ કહીને બોલાવવામાં બધાંને જાણે શું મજા આવે છે ખબર નહિ. આ રેસ્ટોરાં પણ એક એવા જ કહેવાતા બીચ પર હતું. મારી મિત્ર માઈકે અહીં નજીકમાં રાઈન નદીમાં જ ફિશિંગ કરવા આવતી. તેના માટે અહીં જવાનો અટપટો રસ્તો પણ સાવ સરળ હતો. આસપાસમાં જંગલ વચ્ચે હજી નવાસવા ઉનાળામાં જીવાતનો મારો હતો. તે અમારા માટે ઘરેથી જ જીવાત માટેનું સ્પ્રે લઈને આવેલી. પાર્કિંગથી રેસ્ટોરાં અને નદી તરફ ચાલીને જવામાં ત્યાં લોકો માત્ર પાણીમાં છબછબિયાં કરતાં દેખાયાં. મને પ્રશ્ર્ન થયો, આટલા સારા વેધરમાં લોકો અહીં તરવા માટે કેમ નથી પડ્યાં. તે મને કહે, આ પેઈડ બીચ છે, એટલે પાણીમાં જવા માટે ટિકિટ લેવી પડે. અહીં ઘણા બીચ પેઈડ હોય છે. એમાં પણ કંઈ નવું નથી, પણ મજાની વાત એ હતી કે ત્યાં છબછબિયાં કરતાં લોકો ટિકિટ લઈને જ ગયેલાં. અહીંનો નિયમ છે કે માણસ માત્ર પોતાનું ૨૦% શરીર જ પાણીમાં નાંખી શકે. આ વાત તે પછી મેં જે પણ ત્યાંનું સ્થાનિક ન હતું તે બધાને કહીને મજા લીધી. કઈ રીતે માપવું કે મારું એક્ઝેક્ટલી વીસ ટકા શરીર જ નદીમાં છે, જરા પણ વધતું કે ઓછું નહીં. કેનેરી આયલેન્ડમાં જર્મન નહીં સ્પેનના નિયમો ચાલતા હતા. તેમાં મોર્રો જાબલે બીચ પર કોઈ ટિકિટ તો ન હતી.
સાથે લોકો સો ટકા દરિયાના પાણીમાં આડાં પડેલાં હતાં. અમે પણ દિવસનો પહેલો ભાગ પહાડ ચઢવા અને પછી- ઊતરવામાં વિતાવેલો. માંડ ત્રણેક કલાક થયેલા, પણ એટલો ઢાળ ચઢવા અને ઊતરવામાં આખા અઠવાડિયાની કસરત થઈ ગઈ હોય તેવું લાગતું હતું. મોર્રો જાબલેમાં જઈને પહેલાં તો અમે આઈસક્રીમની દુકાન શોધી. બપોરે ગરમી પણ વધી ચૂકી હતી. શનિવાર હતો. રજાના દિવસે, દરિયાકિનારે, આઈસક્રીમની દુકાનની બહાર લાઈન હોય તે તો સ્વાભાવિક છે. અમે ધીરજથી લાઈનમાં ઊભાં રહી ડબલ સ્કૂપ જીલાટોને તૃપ્તિથી માણ્યો. હવે પાણીમાં પડવાનું હતું. બીચ પર સખત ભીડ હતી. અહીં ટૂરિસ્ટ તો હતાં જ, વીકએન્ડના કારણે મોટી સંખ્યામાં સ્થાનિક પરિવારો પણ આવી પહોંચેલાં. જ્યાં પણ ટોવેલ- પાથરીને બેસી શકાય તે જગ્યા લેવાઈ ચૂકી હતી. અમે માંડ માંડ અમારો ખૂણો શોધ્યો. બ્લૂ ફલેગ બીચ હોય એટલે ત્યાં કપડાં બદલવાની, શાવર લેવાની વ્યવસ્થા તો હોવાની જ. બધે જ લાઈન હતી. અમે હવે પાણીમાં પડવા એટલાં આતુર હતાં કે જેવો મોકો મળ્યો પાછાં વળીને જોયું નહીં.
મોર્રો જાબલેને ફુઅર્ટેવેન્ટુરાનું સૌથી લોકપ્રિય ટાઉન કહેવામાં પણ વાંધો નહીં. અહીં મોટી સંખ્યામાં રિસોર્ટ તો છે જ, સાથે સ્થાનિકોની વસાહત પણ મોટી છે. અમે દરિયા નજીક પાર્કિંગ શોધવા માટે ઘણાં સ્થાનિક એપાર્ટમેન્ટ અને ઘરોની હારમાળા વચ્ચેથી પસાર થયાં હતાં. ત્યાં એક સ્થાનિક ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો હતો. વળી મોટાભાગનું બાંધકામ અને રસ્તાઓ જરા ઊંચાણ પર હતાં. ઉપરથી નીચે દરિયાના રંગો જોવામાં પણ કલાકો વિતાવી શકાય તેવું છે. પાર્કિંગથી નીચે આવવામાં પણ ઘણા વ્યુ પોઈન્ટ્સ આવ્યા. ક્યાંક શિલ્પો અને ક્યાંક પામ વૃક્ષો વચ્ચે ઘણો સમય ફોટા પાડવમાં વીત્યો તે પણ સમજી શકાય. અહીં તડકા અને વાદળ વચ્ચે દરિયાના રંગો બદલાયા કરતા હતા. ઘેરો વાદળી કે આછો ટરકોઈઝ દરેક રંગની ઝલકમાં પાણી વધુ ને વધુ આકર્ષક લાગતું હતું. અંદર ડૂબકી લગાવ્યા પછી જાણે અમે પણ પાણીના રંગે રંગાઈને આવ્યાં હોય તેવું લાગતું હતું.
પાણીમાં સો ટકા મન ભરાય એટલો સમય વિતાવીને પાછાં અમારાં ટોવેલ પાસે આવ્યાં. અહીં ક્યાંય નજીકમાં-બીચ લાઉન્જની કોઈ વ્યવસ્થા દેખાઈ નહીં. આ બરાબર સ્થાનિક લોકોનો ભાગ જ લાગતો હતો. આસપાસમાં ક્યાંય સ્પેનિશ સિવાય કોઈ ભાષા સંભળાતી ન હતી. મોટા ભાગનાં લોકો ઘરેથી ફોલ્ડેબલ ખુરશીઓ, પિકનિક મેટ અને અઢળક -ખાણીપીણીનો સામાન લઈને આવેલાં. અમે ફરી એક રાઉન્ડ આઈસક્રીમનો લગાવ્યો. આજે એને જ લંચ સમજી લઈશું.
સાંજે આમ પણ મજાથી લાંબું ડીનર કરવા બેસવાનું હતું. સનસેટ સુધી અમે ત્યાં જ રહીશું તે નક્કી હતું. આમ કોઈ ટાપુના- છેડે, જાણે ધરતીનો છેડો પણ આવી ગયો હોય તેમ અમે અહીંના બીચનું દરેક પાસું માણી જોયું. એક વાર ડ્રાય થઈ ગયાં પછી અમે સામાન પાછો બેકપેકમાં ભરી બીચ વોક માટે નીકળી પડ્યાં.
લાંબા બીચ પર અડધે પહોંચતાં અચાનક જ સ્પેનિશને બદલે અંગ્રેજી આવી ગયેલું. સાથે લાઉન્જર અને છત્રીઓ પણ દેખાવા લાગી. બીચના સાવ વિપરીત છેડે એક અત્યંત સુંદર લાઈટ હાઉસ પણ હતું. તેને અડીને અમે એકદમ મજાથી બીચને સંપૂર્ણ રીતે જોયા હોવાનો સંતોષ લઈ શક્યાં. અને પછી યાદ આવ્યું કે અમારી ગાડી તો છેક બીચના બીજા- છેડે છે.
કાર સુધી ચાલવાની ક્ષમતા જરા ભેગી કરવી પડી. અહીં કોઈ ટેક્સી કે રિક્ષા મળવાનો પણ ચાન્સ ન હતો. એવામાં અમે પહેલાં એક બારમાં બેઠાં અને સાંગ્રિયા સાથે સનસેટની રાહ જોઈ. પછી વધુ થોડું આગળ જરા ઊંચાઈ પરથી એક બેન્ચ પરથી વ્યુની ભરપૂર મજા લીધી. એક સમયે તો એવું લાગ્યું કે ફરી ફુઅર્ટેવેન્ટુરા આવીશું તો મોર્રો જાબલે તરફ જ રહીશું. હજી જ્યાં સુધી છીએ ત્યાં સુધી અહીં ડ્રાઈવ કરીને આવવાનું પણ થઈ શકે. ખાસ તો એટલા માટે કે અહીં પ્રોમોનાડ પર સુવિનિયર શોપિંગ, ત્યાંનું ઓપન એર મ્યુઝિયમ, ત્યાંનાં સ્થાનિક કાફે, ત્યાં વ્હેલ વોચિંગ બોટ રાઈડ અને બીજું ઘણું બધું કરવાનું તો હજી બાકી જ રહી ગયું હતું. તે દિવસે તો અમે માત્ર દરિયાનો જ જાણે ઓવરડોઝ કરી લીધો હતો. હજી માન્યામાં નહોતું આવતું કે આ ટાપુ પર હજી અમારો પહેલો આખો દિવસ પૂરો થવા આવ્યો હતો અને અમે એક પહાડ અને દરિયા કિનારો તો સર કરી ચૂક્યાં હતાં. બીજા દિવસે બીજા પહાડનો વારો હતો.