કેનેડાના સાંસદની ચેતવણી: હિંદુઓની સુરક્ષા જોખમાઇ, વધી શકે છે ધાર્મિક તણાવ
ભારત-કેનેડા વચ્ચે વણસેલા સંબંધોને પગલે કેનેડાના એક ભારતીય મૂળના સાંસદે કેનેડામાં હિંદુઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સાંસદ ચંદ્ર આર્યએ એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાની સમૂહોના વધી રહેલા વર્ચસ્વને કારણે હિંદુઓ ભયભીત છે. હિંદુ લોકોની સુરક્ષા જોખમાઇ છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યામાં ભારત સરકારની ભૂમિકા હોવાનો દાવો કરતા જ કેનેડામાં હિંદુ લોકોને ધમકીઓ મળી રહી છે તેવું જણાવતા સાંસદે કેનેડા સ્થિત ટિપ્પણીકાર એન્ડ્રયુ કોઇનની કટારનો હવાલો આપી ‘કેનેડામાં સાંપ્રદાયિક હિંસાનું જોખમ’ હોવાનું જણાવ્યું હતું.
ખાલિસ્તાની ચળવળના વધતા જોખમ વિશે લિબરલ સાંસદની આ ચેતવણી શીખ ફોર જસ્ટિસ (SFJ)ના નેતા ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા હિંદુ સમુદાયને આપેલી ધમકીઓને અનુલક્ષીને આવી છે. ‘શીખ ફોર જસ્ટિસ’ના ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડા સ્થિત હિન્દુઓને ધમકી આપી અને તેમને દેશ છોડી દેવા માટે કહ્યું છે. આ ઉપરાંત આ નેતાએ કેનેડામાં શીખોને વાનકુવરમાં 29 ઓક્ટોબરે યોજાનાર તથાકથિત જનમત સંગ્રહમાં મતદાન કરવાની અપીલ પણ કરી હતી. પન્નુનો એક વિડિયો વાયરલ થયા બાદ કેનેડાની સરકારે તેના પ્રત્યે અસંમતિ વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી.
કેનેડામાં સતત વધતા જતા તણાવને પગલે ભારતે એક એડવાઇઝરી જાહેર કરી પોતાના નાગરિકો તેમજ કેનેડાની યાત્રાની યોજના બનાવી રહેલા લોકોને ભારત વિરોધી પ્રવૃત્તિઓ, ઘૃણા અપરાધો અને હિંસાને કારણે સાવચેતી રાખવા અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સમુદાયના એ વર્ગો જે ભારત વિરોધી પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે તેને ખાલિસ્તાન સમર્થકો નિશાન બનાવી રહ્યા છે.