પુણેમાં પુલ પરથી પસાર થનારો રહેવાસી પાણીમાં તણાયો
પુણે: ભુશી ડેમ નજીક પાણીમાં તણાઈ જવાથી પરિવારના પાંચ જણનાં મૃત્યુ થયાની ઘટના તાજી છે ત્યાં કાર્લા-મળવલી રસ્તા ખાતેના પુલ પરથી પસાર થનારો પ્રૌઢ પાણીમાં તણાઈ ગયો હોવાની ઘટના બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ કાર્લા ખાતે રહેતો ભીમા સખારામ પવાર (55) શુક્રવારની સવારે તણાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પવારની શોધ ચલાવી રહ્યા છે.
છેલ્લા અનેક દિવસોથી કાર્લા-મળવલી પુલનું કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. પરિણામે રાહદારીઓને માટે વૈકલ્પિક માર્ગની સુવિધા કરવામાં આવી હતી. આ માર્ગ ખાતેના પુલ પરથી ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી પસાર થઈ રહ્યું હતું.
શુક્રવારે સવારે પવાર આ પુલ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પગ લપસી જતાં તે પાણીના પ્રવાહ સાથે તણાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. પુલનું કામ ચોમાસા પૂર્વે સમયસર પૂરું થઈ ગયું હોત તો આ ઘટના ન બની હોત, એવું રહેવાસીઓનું કહેવું છે.