એકનાથ શિંદેએ રોહિત શર્મા ભારતીય ટીમના અન્ય 3 સભ્યોનું સન્માન કર્યું
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે દક્ષિણ મુંબઈમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર ભારતની ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોનું સન્માન કર્યું હતું.
વર્ષા બંગલોમાં આયોજિત એક કાર્યક્રમમાં શિંદેએ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિશ્ર્વકપ વિજેતા ટીમના મહારાષ્ટ્રના સભ્યો યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને સૂર્યકુમાર યાદવનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત ટીમના સપોર્ટ સ્ટાફના મહારાષ્ટ્રના સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
મુખ્ય પ્રધાને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં યાદવ દ્વારા પકડવામાં આવેલા અવિશ્ર્વસનીય મેચ-વિજેતા કેચ માટે પ્રશંસા કરી હતી. વિજયી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટીમના મુંબઈના ચાર ખેલાડીઓનું મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન ભવન સંકુલમાં સન્માન કરવામાં આવ્યું હતું.
સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે મેં ગઈકાલે ટીમ ઈન્ડિયાનું સ્વાગત કર્યું હતું. આજે રોહિત શર્મા અહીં આવ્યા એના માટે તેમનો આભાર વ્યક્ત કરું છું. તમે વિશ્વ વિજેતા ખેલાડી છો એની સાથે મુંબઈના રહેવાસી હોવાની વાતનું ગૌરવ છે. શિંદેએ કહ્યું હતું કે વર્લ્ડ કપ જીતવા અને આટલા મોટા ખેલાડી હોવા છતાં તે ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે.
હું તમામ ખેલાડીઓનું સ્વાગત કરું છું. એની સાથે શિંદેએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાને આવકારવા માટે ગઈકાલે માનવમહેરામણ ઊભરાયું એ અમે જોયું હતું. આપણા યુવાનોને એક મંચની જરુરિયાત છે અને રોહિત શર્મા તેને ઉપલબ્ધ પણ કરાવશે. સરકાર પણ તેમની શક્ય એટલી મદદ પણ કરશે, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ કર્યો હતો. ટીમને 11 કરોડ રુપિયાના ઈનામની જાહેરાત કરી હતી.
(પીટીઆઈ)