સ્પોર્ટસ

ઝિમ્બાબ્વેએ નવો બોલિંગ-કોચ નીમ્યો, ભારતીય બૅટર્સ ચેતી જાય…

હરારે: ભારતની મુખ્ય ટી-20 ટીમના વર્લ્ડ ચૅમ્પિયનપદનો ઉન્માદ હજી ઘણા દિવસ સુધી ઓસરશે નહીં, પરંતુ ભારતની ‘બી’ કહી શકાય એવી ટીમ પણ ભારતીય ક્રિકેટના આ સુવર્ણકાળમાં શનિવાર, છઠ્ઠુ જુલાઈથી ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં ધમાકેદાર પર્ફોર્મ કરવા આતુર છે. હરારેમાં શનિવારે તેમની પ્રથમ ટી-20 (સાંજે 4.30 વાગ્યાથી લાઇવ) રમાવાની છે અને એમાં શુભમન ગિલના સુકાનમાં યુવા ભારતીયોની ટીમ પોતાની કાબેલિયત અને ક્ષમતાનું પ્રદર્શન કરશે. જોકે ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડે સિરીઝ પહેલાં જ ભારતીય ટીમને હળવો આંચકો આપ્યો છે એમ કહી શકાય. તેમણે મોટા નિર્ણયમાં સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચાર્લ લૅન્ગવેલ્ટને ઝિમ્બાબ્વેની ટીમનો બોલિંગ-કોચ બનાવ્યો છે.
જસ્ટિન સૅમન્સ ઝિમ્બાબ્વેની ટીમનો હેડ-કોચ અને ડિયૉન ઇબ્રાહિમ બૅટિંગ-કોચ છે. હવે 87 ઇન્ટરનૅશનલ મૅચના અનુભવી ફાસ્ટ બોલર લૅન્ગવેલ્ટની નિયુક્તિ થઈ છે.

49 વર્ષના લૅન્ગવેલ્ટે 2001થી 2010 દરમ્યાન કુલ 133 વિકેટ લીધી હતી.
લૅન્ગવેલ્ટને કોચિંગનો સારો અનુભવ છે જે હવે ઝિમ્બાબ્વેની ટીમને કામ લાગશે. તે નવેમ્બરમાં ભારતમાં પૂરા થયેલા વન-ડેન વર્લ્ડ કપ સુધી અફઘાનિસ્તાનનો કોચ હતો. એ પહેલાં તે સાઉથ આફ્રિકા તેમ જ બંગલાદેશની ટીમના કોચિંગ-સ્ટાફમાં પણ હતો.

ઝિમ્બાબ્વેની ટીમ આ વખતના ટી-20 વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી એટલે ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડે પાંચ મેમ્બરની કમિટી નીમી હતી જેણે લૅન્ગવેલ્ટને નીમ્યો છે.

ભારતની ઝિમ્બાબ્વે સામેની પહેલી બે ટી-20 માટેની ટીમમાં કૅપ્ટન ગિલ ઉપરાંત બીજા બૅટર્સમાં ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, સાંઇ સુદર્શન, જિતેશ શર્મા તથા ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button