Hathras Stampede: SITએ સીએમ યોગીને તપાસ રિપોર્ટ સોંપ્યો
લખનઊઃ યુપીના હાથરસમાં મંગળવારે થયેલી નાસભાગમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ યુપીના મુખ્ય પ્રધઆન યોગી આદિત્યનાથ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે ડીજીપી પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ મુખ્ય પ્રધાનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે હાથરસ સત્સંગ ઘટના અંગે પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.
હાથરસ કેસનો 15 પેજનો વિગતવાર રિપોર્ટ આપવામાં આવ્યો છે. SITનો આ રિપોર્ટ ADG આગ્રા અને અલીગઢ કમિશનરના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવ્યો છે. 15 પાનાના આ વિગતવાર અહેવાલમાં ડીએમ અને એસપી સહિત લગભગ 100 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.
સીએમ યોગી બુધવારે હાથરસ પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી. આ પછી તેઓ હાથરસ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ખબર પૂછી અને તમામ ઘાયલોની યોગ્ય સારવાર માટે ડૉક્ટરોને સૂચના આપી હતી.
હાથરસની ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 123 થઈ ગયો છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આજે અલીગઢ અને હાથરસ પહોંચ્યા હતા અને પીડિતોને મળ્યા હતા અને તેમણે સરકાર પાસે પીડિતોને વળતર આપવાની માગણી કરી હતી.
દરમિયાનમાં SITના આ રિપોર્ટમાં શું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ રિપોર્ટ બાદ હવે જોવાનું એ રહે છે કે કયા અધિકારીને જવાબદાર ઠેરવવામાં આવશે અને કયા આરોપીની ધરપકડ થશે. આ પહેલા યુપી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી. પરંતુ બાબાને આમાં આરોપી બનાવવામાં આવ્યો ન હતો.