એકસ્ટ્રા અફેર

‘મિની કોન્સ્ટિટયૂશન’ દેશના ઈતિહાસનું કલંકિત પ્રકરણ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં અચાનક જ બંધારણનું મહત્ત્વ વધી ગયું છે. કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં દેશના બંધારણની રક્ષાને મહત્ત્વનો મુદ્દો બનાવ્યો હતો તો ભાજપના કેટલાક નેતાઓએ ભાજપને લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી મળશે તો બંધારણ બદલી દેવાશે એવા દાવા પણ કરેલા. અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ સામે ભૂંડી રીતે હારી ગયેલા ત્રણ વખતના સાંસદ લાલુસિંહે પણ એવો લવારો કરેલો કે, ભાજપ ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી દેવાશે. ભાજપને તો સ્પષ્ટ બહુમતી ના મળી તેથી ભાજપ તો બંધારણ નહી બદલી શકે પણ ફૈઝાબાદ-અયોધ્યા લોકસભા બેઠકના પોતાના સાંસદને ચોક્કસ બદલી નાંખ્યા ને લાલુસિંહને ઘરભેગા કરી દીધા.

ભાજપના નેતાઓએ એ વખતે બંધારણ બદલવાની કોઈ વાત નથી એવું કહેલું પણ કૉંગ્રેસ એકદમ ઉગ્રતાથી ભાજપ બંધારણ બદલી દેવા માગે છે એવો પ્રચાર કરતી હતી તેની સામે ભાજપ આક્રમક નહોતો. તેના કારણે મતદારોના માનસમાં શંકા જાગેલી ને લોકોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરીને ભાજપને હરાવી દીધો એવું હવે ભાજપના નેતા માને છે. ભાજપને સૌથી વધારે ફટકો ઉત્તર પ્રદેશમાં પડ્યો કે જ્યાં ભાજપ ૬૩ બેઠક પરથી સીધો ૩૩ બેઠકો પર આવી ગયો. ભાજપે યુપીમાં તેની હારનાં કારણોની સમીક્ષા કરી તેમાં પણ એક કારણ બંધારણ બદલવાના ભાજપના નેતાઓનાં નિવેદનોને જવાબદાર ગણાવાયું છે.

આ તારણ પછી ભાજપ સતર્ક થઈ ગયો છે ને પોતે બંધારણ બદલવા નથી માગતો એ વાત પર ભાર મૂકી રહ્યો છે. બલકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો દેશનાં લોકોએ ભાજપને દેશના બંધારણની રક્ષા કરવા માટે લાયક અને સક્ષમ માન્યો હોવાથી ફરી સત્તા આપી હોવાની વાતો પણ કરવા માંડી છે.

મોદીએ ગુરુવારે રાજ્યસભામાં એ જ વાતો દોહરાવી. રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપતાં મોદીએ બંધારણનો ઉલ્લેખ કરીને ફરી એકવાર કટોકટી લાદવા બદલ કૉંગ્રેસની ઝાટકણી કાઢી. મોદીએ એમ પણ કહ્યું કે, આ વખતે બંધારણની રક્ષા માટે ચૂંટણી થઈ હોય તો તો દેશવાસીઓએ આપણને એટલે કે ભાજપને બંધારણની રક્ષા માટે યોગ્ય સમજ્યા છે. દેશવાસીઓને બંધારણની રક્ષા માટે આપણામાં વિશ્ર્વાસ છે અને દેશવાસીઓએ આપણને બંધારણની રક્ષાનો જનાદેશ આપ્યો છે.

મોદીએ કટોકટી એટલે કે ઇમરજન્સીના સમયગાળાનો ઉલ્લેખ કર્યો ને સાથે સાથે કટોકટી પછીની ચૂંટણીઓને પણ યાદ કરીને કહ્યું કે આપણે ૧૯૭૭ની ચૂંટણીઓને યાદ કરવી જોઇએ કે જ્યારે લોકશાહી અને બંધારણ બચાવવા મતદાન કર્યું હતું. મતદારોએ ભારતના બંધારણની રક્ષા કરવા અને લોકશાહીની પુન:સ્થાપના માટે મતદાન કરીને કૉંગ્રેસને હરાવી હતી. આજે બંધારણને બચાવવાની આ લડાઈમાં પણ ભારતની જનતાની પહેલી પસંદ વર્તમાન સરકાર છે.

મોદીની આ વાતોમાં નવું કશું નથી કેમ કે લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી એ આ વાત લોકસભામાં પણ કરી ચૂક્યા છે પણ આ દરમિયાન તેમણે ‘મિની કોન્સ્ટિટ્યૂશન’નો ઉલ્લેખ કર્યો ને તેના કારણે ‘મિની કોન્સ્ટિટ્યૂશન’ ફરી એક વાર ચર્ચામાં છે. દેશમાં મોટા ભાગનાં લોકોને કોન્સ્ટિટ્યૂશન’ એટલે કે બંધારણ શું છે એ તો ખબર છે પણ ‘મિની કોન્સ્ટિટ્યૂશન’ શું છે એ વિશે મોટા ભાગના લોકો જાણતા નથી ત્યારે ‘મિની કોન્સ્ટિટ્યૂશન’ વિશે પણ જાણી લઈએ કેમ કે આઝાદ ભારતના ઈતિહાસમાં ‘મિની કોન્સ્ટિટ્યૂશન’ પણ એક કલંકિત પ્રકરણ છે.

ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી પછી બંધારણમાં ઉપરાછાપરી સુધારા કરીને બંધારણનું ગૌરવ છિનવી લીધું હતું. ઈન્દિરાએ બંધારણમાં સૌથી પહેલાં ૩૮મો સુધારો કર્યો હતો. તેનો અમલ ૨૨ જુલાઈ, ૧૯૭૫ના રોજ કરવામાં આવ્યો હતો. આ સુધારો ન્યાયતંત્ર પાસેથી કટોકટીની ન્યાયિક સમીક્ષાનો અધિકાર છિનવી લેવા માટે લાવવામાં આવ્યો હતો.

અલ્હાબાદ હાઈ કોર્ટે રાજ નારાયણ વિરુદ્ધ ઈન્દિરા ગાંધી કેસમાં ૧૨ જૂન, ૧૯૭૫ના રોજ બહુ મોટો ચુકાદો આપીને ચૂંટણીમાં ગેરરીતિ અને સરકારી તંત્રના દુરુપયોગના પુરાવાને ધ્યાનમાં રાખીને રાયબરેલી લોકસભા બેઠક પરથી ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદબાતલ જાહેર કરી હતી. આ ચુકાદાને કારણે ઈન્દિરા છ વર્ષ સુધી ચૂંટણી લડી ના શકે. ઈન્દિરા ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પણ તેનો ચુકાદો આવે ત્યાં સુધી ઈન્દિરા સત્તામાં ના રહી શકે તેથી ૧૦ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ સંસદમાં ૩૯મો સુધારો પસાર કરવામાં આવ્યો હતો.

આ સુધારા દ્વારા એવી જોગવાઈ દાખલ કરાઈ કે, વડા પ્રધાન અને લોકસભાના સ્પીકરની ચૂંટણી સંબંધિત વિવાદનો નિર્ણય સંસદ દ્વારા રચાયેલી સમિતિ જ લઈ શકશે. સંસદ દ્વારા રચાયેલી સમિતિમાં સત્તાધારી પક્ષના સાંસદોની જ બહુમતી હોય એ જોતાં ‘ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં ને નાળિયેર ફેંકાય ઘર ભણી’ એવો ઘાટ કરી દેવાયેલો.

ઈન્દિરાએ એ પછી બંધારણમાં ૪૨મા સુધારા દ્વારા મૂળ બંધારણમાં એટલા બધા ફેરફાર કરી નાખ્યા કે, તેને ‘મિનિ કોન્સ્ટિટ્યૂશન’ કહેવામાં આવે છે. આ સુધારા દ્વારા બંધારણને નહીં પણ સંસદને સર્વોપરિ બનાવી દેવાઈ હતી. ઈન્દિરાએ સર્વસત્તાધીશ બનવા માટે કરેલો ૪૨મો બંધારણીય સુધારો સૌથી વિવાદાસ્પદ સુધારો ગણાય છે. આ સુધારા હેઠળ સુપ્રીમ કોર્ટ તથા હાઈ કોર્ટની બંધારણીય જોગવાઈઓના અર્થઘટનની સત્તા પર કાપ મૂકી દેવાયો હતો.

સંસદ કોઈ પણ કાયદાને સુધારી શકે કે બંધારણના કોઈ પણ કાયદાને સુધારી શકે ને ન્યાયતંત્ર તેની સમીક્ષા ના કરી શકે તેવી જોગવાઈ કરાઈ હતી. દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો પર કાપ મૂકી દેવાયો હતો. દેશના નાગરિકો પર કેટલીક મૂળભૂત ફરજો લાદવામાં આવી હતી. પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓધ) સર્વસત્તાધીશ તરીકે વર્તી શકે તેવી સત્તા અપાઈ હતી. સંસદના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહીં અને સાંસદો અને ધારાસભ્યોના સભ્યપદને કોર્ટમાં પડકારી શકાય નહીં.

આ સુધારા હેઠળ તેમણે બંધારણના પ્રીએમ્બલમાં સુધારો કરીને સેક્યુલર સોશિયાલિસ્ટ શબ્દો ઉમેરી દીધા હતા ને ભારતની ઓળખ પણ બદલી નાખી. મૂળ બંધારણમાં ભારત માટે સોવરેઈન ડેમોક્રેટિક રિપબ્લિક એટલે કે સાર્વભૌમ લોકશાહી જનતંત્ર શબ્દો હતા. ઈન્દિરાએ તેમાં સોશિયાલિસ્ટ સેક્યુલર એટલે કે સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરી દીધા. ૪૨મા બંધારણીય સુધારા દ્વારા કુલ ૫૯ જોગવાઈઓ સુધારાઈ તેના કારણે આ સુધારાને મિની બંધારણ પણ કહેવાય છે.

કટોકટી પછીની ચૂંટણીમાં ઈન્દિરાની હાર પછી મોરારજી દેસાઈ સરકારે ૪૩મો સુધારો કરીને મોટા ભાગની બંધારણની મૂળ જોગવાઈઓને ફરી સ્થાપિત કરી હતી પણ ઈન્દિરાએ પોતાની સત્તાલાલસા સંતોષવા માટે બંધારણીય સુધારાનો માર્ગ અપનાવીને લોકશાહીના ઈતિહાસમાં એક કલંક કથા લખી દીધી હતી એ ઈતિહાસને બદલી શકાય તેમ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button