મેટિની

પૂર્વાર્ધ સાવ ફ્લોપ… ઉત્તરાર્ધ આશાસ્પદ છે

મોટા બજેટની ફિલ્મો ધૂમ મચાવનારી અને પડકારરૂપ બની રહેશે

ફોકસ -નિધિ ભટ્ટ

બોલીવૂડમાં હાલ થોડી પનોતી બેઠી છે. ૨૦૨૪નું વર્ષ ફિલ્મી સિતારાઓ અને પ્રોડ્યુસરો માટે થોડું નબળું રહ્યું હતું. જોકે આમાં વાંક અભિનેતાઓ કે ફિલ્મની રિલીઝ કરનારા પ્રોડ્યુસરોનો નહીં, પણ દર વર્ષે ફેબ્રુઆરીમાં નિયમિત રીતે થતી પરીક્ષાઓ તો હતી જ, પણ સાથે સાથે લોકસભાની ચૂંટણીનો ગણી શકાય. ફેબુ્રઆરી અને માર્ચ મહિનો પરીક્ષાઓમાં વીત્યો તો બાકીના બે મહિના લોકસભાની ચૂંટણીની વ્યસ્તતામાં ગયો. ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પૂર્વાર્ધ ફ્લોપ રહ્યો હોય, પણ આગામી એટલે કે જુલાઈ મહિનાથી છ મહિના તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જ રહેવાના છે. કારણ કે આ છ મહિના દરમિયાન દિગ્ગજ અભિનેતાઓની મોટા બજેટની ફિલ્મો રિલીઝ થવાની છે.

૨૦૨૪ના પસાર થયેલા છ મહિના ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કમનસીબીભર્યા રહ્યા હતા. આ જ કારણથી તમામ પ્રોડ્યુસરોએ મુશ્કેલીભર્યા દિવસોથી બચવા માટે પોતાની ફિલ્મની રિલીઝ ડેટને પાછળ ઠેલી દીધી હતી. થોડા મહિના પહેલાં તો બોક્સ ઓફિસ પર મોટી ફિલ્મોનો દુકાળ પડી ગયો હતો, પણ હવે જ્યારે પ્રભાસની ફિલ્મ કલ્કિ ૨૮૯૮ એડીથી બોક્સ ઓફિસ પર ફરી એક વાર ઈન્ડસ્ટ્રી લાઈમલાઈટમાં આવી ગઇ છે ત્યારે દરેક પ્રોડ્યુસરો પોતાની રિલીઝ ડેટની તૈયારીમાં જોતરાઈ ગયા છે. એ વાત જુદી છે કે રિલીઝ ડેટનાં ચક્કરમાં તેઓને અન્ય ફિલ્મોનો પડકાર ઝીલવો પડી રહ્યો છે. તેમ છતાં એમાંનો એક પણ પ્રોડ્યુસર પીછેહઠ કરવાનું વિચારતો નથી.

બોક્સ ઓફિસ પર ફિલ્મોનું ક્લેશ થવાનું જુલાઈ મહિનાથી જ શરૂ થઇ જવાનું છે. સૌથી પહેલી ફિલ્મની ટક્કર ૧૨મી જુલાઈએ અક્ષય કુમારની સાજીસ અને કમલ હાસનની સુપરહિટ મુવી ઈન્ડિયનની સિક્વલ ઈન્ડિયન-ટુથી થવાની છે. તો ૧૫મી ઓગસ્ટથી એક પછી એક ફિલ્મો એકમેકને પડકાર આપવાની તૈયારીમાં છે. ખરેખર તો આ રિલીઝ ડેટ પર પહેલાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-ટુ રિલીઝ થવાની હતી, પણ હવે તેની રિલીઝ થવાની ડેટ આગળ ઠેલવી દેવામાં આવતાં ચાર ફિલ્મો રાજકુમાર રાવની સ્ત્રી-ટુ, અક્ષય કુમારની ખેલ ખેલ મેં, જોન અબ્રાહમની વેદા અને સંજય દત્તની ડબલ સ્માર્ટે સ્વતંત્રતા દિનના વીકેન્ડ માટે બુકિંગ કરાવી લીધું છે. બીજી બાજુ ગાંધી જયંતીના દિને અક્ષય કુમાર પોતાની એરફોર્સ પર આધારિત ફિલ્મ સ્કાય ફોર્સને સોલો રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો હતો, પણ તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરે પોતાની ફિલ્મ દેવરાની રિલીઝને પ્રિપોન કરીને એક અઠવાડિયા પહેલાં જ રિલીઝ કરવાની તૈયારી કરી લીધી છે. ફિલ્મરસિકોને દશેરામાં પણ ફિલ્મોની ભરમાર જોવા મળશે. ચાર ફિલ્મોની રિલીઝ ડેટની વાતો ચાલી રહી છે, જેમાં રાજકુમાર રાવની વિકી વિદ્યા કા વો વાલા વીડિયો, શાહીદ કપૂરની દેવા, સૂર્યાની કંગુવા અને આલિયાની જીગરાનો સમાવેશ થાય છે.

ફિલ્મોની વચ્ચે ક્લેશ થવાનો સિલસિલો તો ડિસેમ્બર મહિનામાં પણ જોવા મળવાનો છે. અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેઈનને અલ્લુ અર્જુનની પુષ્પા-ટુની સાથે ક્લેશ ન થાય એ માટે પ્રોડ્યુસરે ડિસેમ્બર મહિનામાં રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું, પણ હવે પુષ્પા-ટુની ડેટ જ પાછળ ઠેલાઈ ગઇ છે. જોકે હવે સિંઘમનો સામનો દિવાળીમાં કાર્તિક આર્યનની ભુલ ભુલૈયા-૩
સાથે થવાનો છે. બીજી બાજુ અજય દેવગનની વધુ એક ફિલ્મ રેડ-ટુની રિલીઝ ડેટ નવેમ્બર મહિનામાં હોવાનું જણાય છે, જ્યારે એની સામે ડિરેક્ટર સુજિત સરકારની અભિષેક બચ્ચન અભિનિત ફિલ્મ
રિલીઝ થવાની છે. પુષ્પા-ટુની રિલીઝ ડેટ ડિસેમ્બર મહિનામાં પહોંચી ગઇ છે ત્યારે આ ફિલ્મનો સામનો વિકી કૌશલની છાવા સાથે થવાનો હોવાની ચર્ચા છે.

ક્રિસમસમાં રજૂ થનારી ફિલ્મોની વાત કરીએ તો આમિર ખાનની સિતારે જમીન પર અને અક્ષય કુમારની વેલકમ ટુ જંગલનો સામનો થવાનો હતો, પણ હવે વેલકમ થ્રી પોસ્ટપોન થઇ ગઇ હોવાથી વરુણ ધવન પોતાની ફિલ્મ બેબી જાન ફિલ્મથી આમિર ખાનને પડકાર ફેંકવાનો છે. આ પહેલાં વીકેન્ડ પર હોલીવૂડ લાયન કિંગની આગામી ફિલ્મ મુફાસા : ધ લાયન કિંગ પણ રિલીઝ થવાની છે.
આમ હિન્દી સિનેમાના પૂર્વાર્ધ ભલે નબળા અને અનેક કારણોસર પારોઠનાં રહ્યાં હોય, પણ જુલાઈ મહિનાથી છ મહિના સુધીનો ઉત્તરાર્ધ તો ઊજળો જ રહેવાનો છે. એ વાત અલગ છે કે અનેક ફિલ્મો એકબીજાથી ટકરાવાની શક્યતા છે, પણ ફિલ્મરસિકોને તો મજ્જા જ પડી જવાની છે હોં.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત