એક ફિલ્મ… અનેક ગીતકાર!
હિન્દી ફિલ્મના ઈતિહાસમાં સંગીતકાર - ગીતકારનાં ઉજ્જવળ ઉદાહરણો છે, પણ એક ફિલ્મમાં અનેક ગીતકારોએ કલમ ચલાવી હોય એવુંય જોવા મળ્યું છે.
હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મોનો ઈતિહાસ અદભુત છે. એમાં એવી એવી વાતો ધરબાઈ પડી છે કે આનંદ સાથે અચરજ અને આશ્ર્ચર્ય સુધ્ધાં થાય. એમાંય ફિલ્મ સંગીતનો પટારો ખોલીને બેસીએ ત્યારે એવાં અનેક ઉદાહરણો જોવા મળે છે, જેમાં ફિલ્મ કે એના દિગ્દર્શક – કલાકારના નામ વિસરાઈ ગયા હોય, પણ એના ગીત – સંગીત અનેક વર્ષો પછી પણ હોઠ પર રમતા હોય.
‘સંત જ્ઞાનેશ્ર્વર’ ફિલ્મ વિશે કદાચ કશી જ ખબર નહીં હોય, પણ ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો’ ગીત અને એની ધૂન સ્મરણપટ પર અંકિત હશે. ‘રાની રૂપમતી’ ફિલ્મ સ્મરણમાં આંહીં હોય પણ જો ‘આ લૌટ કે આજા
મેરે ગીત’ વાગે તો સાથે સાથે આખું ગીત જરૂર ગણગણી શકો.
આવાં અનેક ઉદાહરણ આપી શકાય. હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણકાળમાં નૌશાદ – શકીલ બદાયૂંની, મદન મોહન – રાજા મેહદી અલી ખાં, એસ. ડી. બર્મન – સાહિર લુધિયાનવી, શંકર જયકિશન – શૈલેન્દ્ર અને હસરત જયપુરી, વગેરે વગેરે અનેક જોડી મશહૂર થઈ. દરેક સંગીતકારના પ્રિય ગીતકાર રહ્યા છે. ઘણી ફિલ્મોમાં એમની જુગલબંધી નજરે પડી છે.
અલબત્ત, હેરત પમાડનારી વાત એ છે કે હિન્દી ફિલ્મના ગીત – સંગીતમાં એવા પણ દાખલા છે જ્યારે એક જ ફિલ્મમાં ત્રણ કે તેથી વધુ ગીતકારની રચના એક સંગીતકારે સ્વરબદ્ધ કરી હોય.
આવો, આ અચરજ પમાડતી ને આશ્ર્ચર્ય જગાવતી ‘હેં! હોય નહીં!’ દુનિયામાં ડોકિયું કરીએ
અનારકલી (૧૯૫૩): સંગીતકાર – સી. રામચંદ્ર, ગીતકાર – પાંચ
દિગ્દર્શક નંદલાલ જશવંતલાલની અવિસ્મરણીય મ્યુઝિકલ હિટ. સૌંદર્યવતી બીના રાય અને ભૂલમાં મિસ્ટેક થઈ જાય એવા હીરો પ્રદીપ કુમારના આ ચિત્રપટમાં એક ડઝન ગીત હતાં. ૧૧ ગીત સી. રામચંદ્રએ સ્વરબદ્ધ કર્યા હતા, જ્યારે બારમું ગીત ‘આ જાને વફા’ બસંત પ્રકાશની સ્વર રચના હતી. ડઝન ગીત પાંચ ગીતકારોએ મળીને લખ્યાં હતાં: શૈલેન્દ્ર, હસરત જયપુરી, રાજેન્દ્ર કૃષ્ણ, જાં નિસાર અખ્તર અને સરદાર જાફરી. આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મનાં ટાઈટલમાં માત્ર ચાર ગીતકારના નામ આવે છે. જાં નિસાર અખ્તરનું નામ ગાયબ છે, જયારે ફિલ્મના ગીતોના લિસ્ટમાં અલી સરદાર જાફરીનું નામ ગાયબ છે. શૈલેન્દ્રના નામે બે, હસરત જયપુરીના બે, રાજેન્દ્ર કૃષ્ણના સાત અને જાં નિસાર અખ્તરનું એક ગીત છે. ફિલ્મનું સૌથી યાદગાર ગીત ‘યે જિંદગી ઉસી કી હૈ’ રાજેન્દ્ર કૃષ્ણનું છે. અલી સરદાર જાફરીએ કયું ગીત લખ્યું હતું એનો કોઈ ઉલ્લેખ નથી મળતો.
આબ – એ – હયાત (૧૯૫૫): સંગીતકાર – સરદાર મલિક, ગીતકાર – ચાર
‘સર્કસ ગર્લ’, ‘ભાગતા ભૂત’, ‘જાદુઈ પુતલી’ જેવી ફિલ્મ બનાવનારા ગુજરાતી નિર્માતા – દિગ્દર્શક રમણલાલ દેસાઈ (ગામડાંની દુર્દશા પર સર્ચલાઈટ મારતી ‘ગ્રામલક્ષ્મી’ના સર્જક રમણલાલ વ. દેસાઈ નહીં)એ સાત દાયકા પહેલા બનાવેલી ફિલ્મ વિશે જૂજ લોકો જાણતા હશે.
ફિલ્મના ગીત – સંગીતને એના સમયમાં આવકાર મળ્યો હશે, પણ એક સુધ્ધાં યાદગાર રચના નથી. ફિલ્મના કુલ ૧૦ ગીતના ચાર ગીતકાર છે- હસરત જયપુરી, રાજા મેંહદી અલી ખાં, કમર જલાલાબાદી અને કૈફ ઈરફાની. સૌથી વધુ ગીત હસરત જયપુરીના (૬) છે. કમર જલાલાબાદીના બે અને રાજા મેંહદી અલી ખાં તેમજ કૈફ ઈરફાનીનું એક એક ગીત છે. ‘મલ્હાર’ (૧૯૫૧)નું અવિસ્મરણીય ગીત ‘દિલ તુજે દિયા થા રખને કો, તુને દિલ કો જલા કે રખ દિયા’ (મુકેશ) કૈફસાબની કમાલ છે.
અનહોની (૧૯૫૨): સંગીતકાર – રોશન, ગીતકાર – પાંચ
‘શોલે’ના ડાયલોગની સ્ટાઈલમાં કહેવું હોય તો ગીત સાત ઔર ગીતકાર પાંચ, બહુત ઈન્સાફી કે બે ઈન્સાફી એ જાતે નક્કી કરી લો. સંજીવ કુમારની મજેદાર ફિલ્મ ‘અનહોની’ યાદ આવી ગઈ હોય તો તમારો વાંક નથી. આપણા હરિભાઈની એ કમાલ છે. ખેર. મૂળ વાત પર આવીએ. રાજ કપૂર – નરગિસની આ ઓછી જાણીતી ફિલ્મનું એક ગીત ઓલટાઈમ ગ્રેટ સોન્ગ્સના લિસ્ટમાં વટ કે સાથ હાજર છે. ગીત છે ‘મૈં દિલ હું એક અરમાન ભરા, તુ આકે મુજે પેહચાન જરા’ (તલત મેહમૂદ) અને આજે અનેક લોકોના હૈયામાં સચવાઈને પડ્યું હશે. જોકે, એના ગીતકાર તરીકે સત્યેન્દ્રનું નામ છે જેની કોઈ ઓળખ કે માહિતી ઉપલબ્ધ નથી. ફિલ્મના અન્ય ચાર ગીતકાર છે: શૈલેન્દ્ર, પી. એલ. સંતોષી, અલી સરદાર જાફરી અને નક્શબ જારચાવી. ફિલ્મમાં સત્યેન્દ્રના ત્રણ ગીત છે અને બાકીના ચારેય ગીતકારનું એક એક ગીત છે. નક્શબ જારચાવી નામ સાવ અજાણ્યું લાગશે પણ ‘મહલ’નું ‘આયેગા, આયેગા આનેવાલા આયેગા’ તેમની કમાલ છે.
હમ હિન્દુસ્તાની (૧૯૬૧): સંગીતકાર – ઉષા ખન્ના, ગીતકાર – પાંચ
સુનીલ દત્ત, આશા પારેખ, જોય મુખરજીની આ ફિલ્મનું ‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે મિલકર નયી કહાની’ ગઈકાલે પણ હિટ હતું, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનું. ફિલ્મના પાંચ ગીતકાર છે રાજેન્દ્ર કૃષ્ણ, સાહિર લુધિયાનવી, પ્રેમ ધવન, ભરત વ્યાસ અને કે. મનોહર. નવાઈની વાત એ છે કે ફિલ્મના ક્રેડિટ ટાઈટલમાં ભરત વ્યાસનું નામ ગાયબ છિે. સૌથી યાદગાર ગીત પ્રેમ ધવને લખ્યું છે. ચોંકી જવાય એવી વાત એ છે કે ફિલ્મના ૯ ગીતમાં સાહિરનું એક જ ગીત (હમ જબ ચલે તો યે જહાં ઝૂમે) છે.
એમ તો રાજેન્દ્ર કૃષ્ણનું પણ એક જ ગીત છે જ્યારે ભરત વ્યાસનાં બે ગીત છે. જરાય નહીં જાણીતા કે. મનોહરના ચાર ગીત છે.
મોડર્ન ગર્લ (૧૯૬૧): સંગીતકાર – રવિ, ગીતકાર – ચાર
હિન્દી ફિલ્મના કેટલાક હીરો લોકો એવા નસીબદાર હતા કે અભિનયમાં કોઈ ઠેકાણા ન હોય, પણ બેજોડ ગીત – સંગીતને કારણે એ સમયમાં તેમને આવકાર મળ્યો હોય. પ્રદીપ કુમાર આ પંગતમાં બેસે છે. ફિલ્મમાં સાત ગીત છે અને ચાર ગીતકાર છે: રાજેન્દ્ર કૃષ્ણ, ગુલશન બાવરા, કમર જલાલાબાદી અને એસ. એચ. બિહારી. ચાર ગીત રાજેન્દ્ર કૃષ્ણના છે જ્યારે ત્રણ ગીતકારે એક એક ગીત લખ્યું છે. ફિલ્મનું દિલ બાગ બાગ કરી દેતું રોમેન્ટિક યુગલ ગીત (‘યે મૌસમ રંગીન સમાં, ઠહર જરા ઓ જાને જાં, તેરા મેરા મેરા તેરા પ્યાર હૈ તો ફિર કૈસા શર્માના’ (સુમન કલ્યાણપુર – મુકેશ) ગુલશન બાવરા (મૂળ નામ ગુલશન કુમાર મહેતા)એ લખ્યું હતું. પ્રદીપ કુમાર અને સઇદા ખાન પર ફિલ્માવાયું છે. (ક્રમશ:)