મહિન્દ્રા બાદ હવે આ ભારતીય કંપનીએ આપ્યો ઝટકો
ભારત સાથે પંગો લેવો કેનેડાને પડશે મોંઘો
ઈન્ડિયા કેનેડા વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેની અસર બિઝનેસ જગત પર પણ પડી રહી છે. જોકે, ભારત સાથે ગડબડ કરવી કેનેડા માટે ખૂબ મોંઘી પડશે. ભારતીય કંપનીઓ કેનેડામાં પોતાનો ધંધો બંધ કરી રહી છે જેના કારણે કેનેડાને મોટો ફટકો પડ્યો છે. આનંદ મહિન્દ્રાની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડિયન ફર્મ રેસન એરોસ્પેસ કોર્પોરેશન સાથેની ભાગીદારી સમાપ્ત કરી દીધી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બાદ વધુ એક ભારતીય કંપનીએ કેનેડામાં પોતાનો બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
JSW સ્ટીલ કેનેડાના ટેક રિસોર્સિસના સ્ટીલમેકિંગ કોલસા યુનિટમાં હિસ્સો ખરીદવાની પ્રક્રિયાને ધીમી કરી રહી છે. આધારભૂત એહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભારતની સૌથી મોટી સ્ટીલ કંપની જેએસડબ્લ્યુ સ્ટીલ અને ટેક રિસોર્સિસ વચ્ચે હિસ્સાના વેચાણની પ્રક્રિયા પર ચર્ચા ધીમી પડી છે પરંતુ કાગળની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને કંપનીઓ ઈન્ડિયા કેનેડા વિવાદ શાંત પડે તેની રાહ જોઇ રહી છે. વિવાદ શાંત થયા બાદ બંને કંપની વચ્ચેની ડીલ ગતિ પકડી શકે છે. જોકે, બંને કંપનીઓએ તેમની ડીલ સંપૂર્ણપણે અટકાવી દેવાનો નિર્ણય ના લેતા વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવાનું નક્કી કર્યું છે, એમ જાણવા મળ્યું છે.
કેનેડામાં શીખ અલગતાવાદી નેતા નિજ્જરની હત્યા બાદ ભીરત-કેનેડાના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય એજન્ટો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યા બાદ વિવાદ વકર્યો હતો. ભારતે કેનેડાના આરોપને વાહિયાત ગણાવ્યો છે અને તેને ફગાવી દીધો છે. જો કે, આ પછી કેનેડાએ એક ભારતીય અધિકારીને હાંકી કાઢ્યો હતો. આ પછી, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સુરક્ષાને ટાંકીને કેનેડિયન નાગરિકોના વિઝા સસ્પેન્ડ કર્યા છે.