વિજ્ઞાન અને ટેકનોલોજી

કામના બોજથી રોબોટ પણ થાક્યો, કરી આત્મહત્યા…

દુનિયાભરમાં આત્મહત્યાઓ થાય છે. દરેક વ્યક્તિની ઇમોશન્સ હોય છે, જેને તેણે કંટ્રોલ કરવાની હોય છે. ઇમોશન્સ જ્યારે મનુષ્ય પર હાવી થઇ જાય ત્યારે ના બનવાનું બની જતું હોય છે. ટેક્નોલોજીના આ યુગમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દરેક દેશો આ સમસ્યા સામે લડી રહ્યા છે અને લોકોને આત્મહત્યા નહીં કરવાની સલાહ પણ આપે છે અને આવી વ્યક્તિને દવાઓ દ્વારા સારવાર પણ આપવામાં આવે છે, પરંતુ હવે આત્મહત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ પ્રકારનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવે છે. આ મામલો દક્ષિણ કોરિયાથી સામે આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે એક રોબોટે આત્મહત્યા કરી લીધી છે.

મધ્ય દક્ષિણ કોરિયામાં એક નગરપાલિકાએ જાહેરાત કરી છે કે તે એવા કેસની તપાસ કરી રહી છે, જેમાં એક રોબોટે પોતાને સીડી પરથી નીચે ફેંકી દીધો હતો. આ રોબોટ મહાનગર પાલિકાને તેના કામમાં મદદ કરી રહ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ3 રોબોટ લગભગ એક વર્ષથી ગુમી શહેરના રહેવાસીઓને વહીવટી કામમાં મદદ કરી રહ્યો હતો. ગયા અઠવાડિયે તે ગ્રાઉન્ડ ફ્લોર પર બેભાન હાલતમાં મળી આવ્યો હતો, મતલબ કે તે સક્રિય ન હતો. અધિકારીએ કહ્યું કે આ ઘટના નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે તેમણે રોબોટને પડતાં પહેલાં ફરતો જોયો હતો, પણ કંઈક અજુગતું લાગતું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોબોટ કામના કારણે તણાવમાં હતો.

આ અંગે દક્ષિણ કોરિયાની મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે આ રોબોટ શહેરની મ્યુનિસિપાલિટીનો હિસ્સો હતો અને અમારામાંનો જ એક હતો, જે અમારી જેમ જ કામ કરતો હતો. તે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી કામ કરતો હતો અને તેનું પોતાનું પબ્લિક સર્વિસ કાર્ડ પણ હતું. તે એલિવેટર પર ઉપર-નીચે પણ જઇ શકતો હતો. હાલમાં તો રોબોટના સ્પેરપાર્ટ્સ ભેગા કરવામાં આવ્યા છે. આ રોબોટને અમેરિકાના કેલિફોર્નિયામાં બેર રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. હવે કંપની આ બધા ભાગોનું વિશ્લેષણ કરશે.

નોંધનીય છે કે દક્ષિણ કોરિયા રોબોટ્સ પ્રત્યેના આકર્ષણ માટે જાણીતું છે. અહીં દર દસ કામદારે એક રોબોટ છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રોબોટિક્સ અનુસાર દ. કોરિયા વિશ્વમાં સૌથી વધુ રોબોટ્સ ધરાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button