ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સર જ્યૉફ બૉયકૉટને ફરી ગળામાં કૅન્સર થયું
લંડન: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર તથા ભૂતપૂર્વ હેડ-કોચ અંશુમાન ગાયકવાડને બ્લડ કૅન્સર હોવાના બૅડ ન્યૂઝ મંગળવારે મળ્યા ત્યાર બાદ હવે વધુ એક ભૂતપૂર્વ ક્રિકેટરની આ મહારોગની બીમારીના ખરાબ સમાચાર જાણવા મળ્યા છે.
ઇંગ્લૅન્ડના મહાન ખેલાડી સર જેફરી (જ્યૉફ) બૉયકૉટને ફરી ગળામાં કૅન્સર થયું હોવાનું નિદાન થયું છે અને તેમણે સર્જરી કરાવવી પડશે. તેમણે આ ઑપરેશન બે અઠવાડિયાની અંદર કરાવવું જ પડશે.
બૉયકૉટ 83 વર્ષના છે. ખુદ તેમને બ્રિટનના એક જાણીતા દૈનિકમાં કહેતા ટાંકવામાં આવ્યા છે કે ‘છેલ્લા થોડા અઠવાડિયા દરમ્યાન મેં એમઆરઆઇ સ્કૅન, સીટી સ્કૅન, પીઇટી સ્કૅન તેમ જ બે બાયોપ્સી કરાવ્યા છે. મને ફરી ગળામાં કૅન્સર છે એ વાત હવે નક્કી છે. મારે ઑપરેશન કરાવવું જ પડશે એવું ડૉક્ટરે મને કહ્યું છે.’
બૉયકૉટે એવું પણ કહ્યું હતું કે ‘અગાઉ થયેલા કૅન્સર પરથી અને એમાંથી હું જે રીતે સાજો થયો એના પરથી કહી શકું છું કે મારે બહુ જ સારી અને સમયસરની સારવાર કરાવવી જ પડશે. જોકે થોડો નસીબનો સાથ પણ મળવો જોઈશે. કૅન્સરના દરેક દર્દીએ એ સંભાવના સાથે જીવવું પડતું હોય છે કે સફળ સર્જરી પછી પણ ફરી આ રોગ શકે છે.’
બૉયકૉટને સૌથી પહેલાં 2002માં તેઓ 62 વર્ષના હતા ત્યારે તેમના ગળાના કૅન્સરનું નિદાન થયું હતું. જોકે તેઓ ત્યારે કેમોથેરપીના 35 સેશનમાંથી પસાર થયા હતા. ત્યારે કૅન્સરને માત આપવામાં તેમને તેમની પત્ની અને પુત્રીનો સતતપણે સાથ મળ્યો હતો તેમ જ તેમણે બૉયકૉટને અવિરતપણે હિંમત પણ આપી હતી. બૉયકૉટ 1982માં રિટાયર થયા એ પહેલાં ઇંગ્લૅન્ડ વતી 108 ટેસ્ટમાં 8,114 રન બનાવ્યા હતા. તેઓ 2020ની સાલ સુધી બીબીસી માટેના ક્રિકેટ-કૉમેન્ટેટર હતા.