પ્રથમ મહિલા વકીલ કોર્નેલિયા સોરાબજી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
પુણેની ડેક્કન કોલેજની પ્રથમ વિદ્યાર્થિની, મુંબઈ વિશ્ર્વવિદ્યાલયની પ્રથમ સ્નાતક, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ મહિલા, કોઈ પણ બ્રિટિશ વિશ્ર્વવિદ્યાલયમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ સ્ત્રી અને પ્રથમ ભારતીય, ભારત અને બ્રિટનમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ મહિલા તથા ભારતની પ્રથમ
મહિલા વકીલ….
એનું નામ કોર્નેલિયા સોરાબજી… ૧૫ નવેમ્બર ૧૮૬૬ના મુંબઈ પ્રેસિડેન્સીના નાસિકમાં જન્મ. રેવરેન્ડ સોરાબજી કારસેદજી અને ફ્રાન્સીના ફોર્ડનાં દસ સંતાનોમાંની એક. કોર્નેલિયાના નામકરણ સાથે કારણ જોડાયેલું. સ્ત્રીશિક્ષણની પ્રખર હિમાયતી લેડી કોર્નેલિયા મારિયા ડાર્લિંગ ફોર્ડના નામે એનું નામ કોર્નેલિયા રખાયેલું. પારસીમાંથી ખ્રિસ્તી મિશનરી થયેલા સોરાબજી કારસેદજી દ્રઢપણે માનતા કે લેડી કોર્નેલિયાની સમજાવટને પગલે જ મુંબઈ યુનિવર્સિટીએ સ્ત્રીઓને ડિગ્રીના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવાનું શરૂ કરેલું. કોર્નેલિયા દંપતીએ પુણેમાં કેટલીક ક્ધયાશાળાઓ સ્થાપવામાં આગળ પડતો ભાગ ભજવેલો. લેડી કોર્નેલિયાએ ફ્રાન્સીનાને એની બાર વર્ષની ઉંમરે દત્તક લીધેલી. આ ફ્રાન્સીના એ કોર્નેલિયા સોરાબજીની માતા. ફ્રાન્સીના દત્તક માતાને પગલે ચાલી. સ્ત્રીશિક્ષણ માટે જયારે બારણાં બંધ હતાં, એવા સમયમાં નાનકડી બારી ખોલવાનો પ્રયાસ કર્યો.
કોર્નેલિયા સોરાબજીએ બાળપણથી માતાની પ્રવૃત્તિઓ નિહાળી. આરંભે નાનપણ બેલગામમાં અને પછી પુણેમાં પસાર થયું. કોર્નેલિયાનું શિક્ષણ ઘરમાં પણ થયું અને મિશનરી શાળામાં પણ. પુણેની ડેક્કન કોલેજમાં પ્રથમ વિદ્યાર્થિની તરીકે પ્રવેશ મેળવ્યો. કોલેજના અંતિમ વર્ષમાં સૌથી વધુ માર્કસ સાથે ઉત્તીર્ણ થઈ. આમ તો સૌથી વધુ માર્કસ મેળવનાર ડિગ્રીધારક તરીકે સરકારી સ્કોલરશિપ સાથે ઇંગ્લેન્ડમાં ભણવા માટેની લાયકાત કોર્નેલિયાએ પ્રાપ્ત કરેલી. પણ સોરાબજીના કહેવા પ્રમાણે એને સ્કોલરશિપ આપવાની મનાઈ કરવામાં આવી. અને પુરુષો માટેની શૈક્ષણિક સંસ્થા, ગુજરાત કોલેજમાં અંગ્રેજીના હંગામી અધ્યાપક તરીકે નોકરી આપી.
દરમિયાન કોર્નેલિયા સાહિત્યના વિષયમાં ફર્સ્ટક્લાસની ડિગ્રી સાથે મુંબઈ યુનિવર્સિટીની પ્રથમ મહિલા સ્નાતક થઈ. ૧૮૮૮માં કોર્નેલિયાએ નેશનલ ઇન્ડિયન એસોશિયેશનને પત્ર લખીને ભણતર પૂરું કરવામાં મદદ માગી. પત્રના અનુસંધાને મેરી હોબહાઉસ અને એડીલેડ મેનિંગે નાણાકીય સહાય કરી. ૧૮૮૯માં કોર્નેલિયા ઇંગ્લેન્ડ પહોંચી. મેરી હોબહાઉસ અને એડીલેડ મેનિંગ સાથે રહી. બન્નેના સહકારથી ૧૮૯૨માં કોર્નેલિયાને ઓક્સફર્ડ યુનિવર્સિટી સંલગ્ન સોમરવિલે કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કરવાની તક મળી. જોકે અંતિમ પરીક્ષામાં પુરુષોની વચ્ચે બેસીને પરીક્ષા આપવાની મંજૂરી ન મળી. કોર્નેલિયાએ એની સામે લડત આપી. એની જીત થઈ. અંતે યુનિવર્સિટીએ પોતાનો નિયમ બદલ્યો. કોર્નેલિયાને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી. આમ કોર્નેલિયા ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ મહિલા બની.
બે વર્ષ પછી, ૧૮૯૪માં કોર્નેલિયા કાયદાની ડિગ્રી સાથે ભારત પાછી ફરી. પ્રતિબંધને પગલે બહારની પુરુષોની દુનિયા સાથે સંવાદ ન કરી શકતી પરદાનશીનોના સામાજિક અને કાયદાકીય સલાહકાર તરીકે કોર્નેલિયાએ કામગીરી શરૂ કરી. ઘણા કિસ્સાઓમાં આ પરદાનશીનો સારી એવી સંપત્તિ ધરાવતી, પરંતુ યોગ્ય કાયદાકીય નિષ્ણાતને અભાવે પોતાના અધિકારોનું જતન ન કરી શકતી. કોર્નેલિયાએ આવા કિસ્સાઓ હાથમાં લીધા. કોર્નેલિયાને પરદાનશીનો વતી અદાલતી કાર્યવાહી કરવાની વિશેષ અનુમતિ આપવામાં આવી. એમ છતાં કોર્નેલિયા પરદાનશીનોનો બચાવ ન કરી શકી. કારણ કે એની પાસે ઓક્સફર્ડની ડિગ્રી હતી. એથી ભારતીય કાયદાકીય વ્યવસ્થામાં એનો કોઈ વ્યાવસાયિક અધિકાર નહોતો. સમસ્યાના નિવારણ માટે કોર્નેલિયાએ ૧૮૯૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલબીની પરીક્ષા ઉત્તીર્ણ કરી. ૧૮૯૯માં અલાહાબાદ હાઈકોર્ટની પ્લીડરની પરીક્ષા પાસ કરી. આમ કોર્નેલિયા ભારતની પ્રથમ મહિલા વકીલ બની. જોકે મહિલાઓની કાયદાકીય પ્રેક્ટિસ પ્રતિબંધિત કરતો કાનૂન ૧૯૨૩માં બદલાયો નહીં ત્યાં સુધી કોર્નેલિયા બેરિસ્ટર ન બની શકી.
કોર્નેલિયાએ ૧૯૦૨થી ઇન્ડિયા ઓફિસમાં પ્રાંતીય અદાલતોમાં સ્ત્રીઓ અને સગીરો માટે મહિલા કાયદાકીય સલાહકારની જોગવાઈ કરવા સંદર્ભે પિટિશનો કરવાનું શરૂ કર્યું. ૧૯૦૪માં બંગાળ કોર્ટ ઓફ વોર્ડસની મહિલા સહાયક તરીકે કોર્નેલિયાની નિયુક્તિ થઈ. આ પ્રકારના પ્રતિનિધિત્વની જરૂરિયાત જણાતાં ૧૯૦૭માં કોર્નેલિયા બંગાળ સહિત બિહાર, આસામ અને ઓરિસ્સામાં કાર્યરત થઈ. એક અંદાજ મુજબ વીસ વર્ષની સેવામાં કોર્નેલિયાએ છસ્સો જેટલી સ્ત્રીઓ અને સગીરોને કાનૂની લડાઈ લડવામાં સહાય કરેલી. ક્યારેક તો વિનામૂલ્યે !
લોકોને મદદ કરતી હોવા છતાં કાયદો કોર્નેલિયાને અદાલતમાં દલીલો કરતાં રોકતો. પણ પછી એ આડખીલી પણ દૂર થઈ ગઈ. ૧૯૨૪માં ભારતની સ્ત્રીઓ માટે કાનૂની વ્યવસાય ખુલ્લો
મુકાયો. કોર્નેલિયાએ કોલકાતામાં કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી. જોકે પુરુષોના પૂર્વગ્રહ અને પક્ષપાતી વલણને કારણે કોર્નેલિયા અદાલતમાં દલીલો કરવાને બદલે માત્ર કેસને આધારે અભિપ્રાય તૈયાર કરવા સુધી સીમિત થઈ ગઈ.
કોર્નેલિયાને કાયદાના વ્યવસાયની સાથે સમાજસેવા કરવામાં પણ ઊંડો રસ હતો. સ્ત્રીશિક્ષણની આવશ્યકતા પર ખૂબ ભાર મૂકતી. ઝડપી સુધારાઓનો એ વિરોધ કરતી. એ એવું માનતી કે જ્યાં સુધી તમામ સ્ત્રીઓ શિક્ષિત નહીં થાય ત્યાં સુધી રાજકીય સુધારાઓથી અર્થ સરશે નહીં. કોર્નેલિયાને ભારતીય સ્ત્રીઓની ચળવળ પર પશ્ર્ચિમી દ્રષ્ટિકોણ થોપાય એની સામે પણ વિરોધ હતો.
કોર્નેલિયાએ સ્ત્રીઓ અને ક્ધયાઓના અધિકાર માટે હંમેશાં લડત આપેલી. છઠ્ઠી ઈન્દ્રિયને પ્રતાપે ક્યાંક
કંઈક ખોટું થતું હોય કે ગરબડ થતી હોય તો એને તરત જ ખબર પડી જતી. એક વાર એવું જ થયું. કોર્નેલિયા એક મહિલાને કાનૂની મદદ કરી રહેલી. એ મહિલાને એનાં સાસરિયાંએ ભરણપોષણની રકમ આપવાનો ઇનકાર
કરી દીધેલો. કોર્નેલિયા એને પડખે ઊભી. કોર્નેલિયાના પ્રયાસોથી સાસરિયાં એ મહિલાને મળવા તૈયાર થયાં. હૃદય પરિવર્તન થયું હોય એમ એમણે એ મહિલા માટે એક પોશાક પણ તૈયાર કરાવ્યો અને એને પહેરવા આપ્યો, પરંતુ કોર્નેલિયાને આ બધું વધુ પડતું જણાયું. દાળમાં કાળું હોય એવું લાગ્યું. એણે પેલા પોશાકની તપાસ કરાવી. કોર્નેલિયાનો શક સાચો પડ્યો. એ પોશાકમાં માથાથી પગ લગી ઝેર ચોપડવામાં આવેલું. જો પેલી મહિલાએ એ પોશાક પહેર્યો હોત તો એનું મૃત્યુ નિશ્ર્ચિત હતું. પણ એનો જીવ સહીસલામત રહ્યો એ માટેના યશની હકદાર કોર્નેલિયા જ હતી.
ભારતીય સ્ત્રીઓ જાગૃત થાય એ કોર્નેલિયાનું લક્ષ હતું. કારકિર્દીના આરંભે કોર્નેલિયાએ સ્વશાસન અને સ્ત્રીઓને એમના અધિકાર મળે એ હેતુથી ભારતની સ્વતંત્રતા માટેના આંદોલનને સમર્થન આપેલું. ભારતની પરંપરા અને સંસ્કૃતિની ટેકેદાર કોર્નેલિયા સતીપ્રથા અને બાળલગ્ન જેવા રિવાજોમાં સુધારા થાય એ માટે ઉત્સુક હતી. એ નેશનલ કાઉન્સિલ ફોર વિમેન ઇન ઇન્ડિયાની બંગાળ શાખા, ફેડરેશન ઓફ યુનિવર્સિટી વિમેન અને બેંગાલ લીગ ઓફ સોશિયલ સર્વિસ ફોર વિમેન સાથે સંકળાયેલી હતી. કોર્નેલિયાના મહત્ત્વના પ્રદાન બદલ ૧૯૦૯માં એને કૈસર-એ- હિન્દ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયેલી. એ પોતે પણ બ્રિટિશતરફી હોવાનું કહેવાય છે. જોકે બ્રિટિશ રાજની પ્રશંસક હોવા છતાં કોર્નેલિયા ભારતીય સમાજ પર બ્રિટિશ કાનૂની વ્યવસ્થા સંપૂર્ણપણે ઠોકી બેસાડવામાં આવે એના પક્ષમાં નહોતી. લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને યોગ્ય ન્યાય મળે એ જ એનો ઉદ્દેશ હતો.
કાયદા મારફત લોકસેવા કરતા કરતા કોર્નેલિયા ૧૯૨૯માં નિવૃત્ત થઈ. લંડનમાં સ્થાયી થઈ. શિયાળામાં ભારત પ્રવાસે આવતીજતી રહેતી. લંડન સ્થિત મનોર હાઉસ ખાતે ગ્રીન લેન્સના નોરથમ્બરલેન્ડ હાઉસમાં પોતાના ઘરમાં ૬ જુલાઈ ૧૯૫૪ના ૮૭ વર્ષની ઉંમરે કોર્નેલિયા સોરાબજીએ અંતિમ શ્ર્વાસ લીધા… કોર્નેલિયાએ ચિરવિદાય લીધી, પરંતુ ભારતની પ્રથમ મહિલા વકીલ તરીકે ચિરસ્મરણીય બની ગઈ છે !