ઉત્સાહમાં મોબાઇલ-પાસપોર્ટ ભૂલી ગયો આ ક્રિકેટર, ઝિમ્બાબ્વેમાં કરવાનો છે ઇન્ટરનૅશનલ ડેબ્યૂ
નવી દિલ્હી: શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમ પાંચ મૅચની ટી-20 સિરીઝ રમવા ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે. તેમની પ્રથમ મૅચ શનિવાર, છઠ્ઠી જુલાઈએ હરારેમાં રમાશે. આ ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જેઓ પહેલી વાર ઇન્ડિયન જર્સીમાં જોવા મળશે અને એમાં પંજાબના બૅટર અભિષેક શર્મા ઉપરાંત આસામનો ઑલરાઉન્ડર રિયાન પરાગ પણ છે. તાજેતરની આઇપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કરવા બદલ જ પરાગને બીસીસીઆઇએ ઝિમ્બાબ્વેના પ્રવાસ માટેની ટીમમાં સામેલ કર્યો છે. રિયાન આ ટૂર માટે એટલો બધો ઉત્સાહિત હતો કે તે પોતાનો મોબાઈલ અને પાસપોર્ટ ભૂલી ગયો હતો. જોકે હવે એ બન્ને તેની પાસે જ છે.
બીસીસીઆઇએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે જેમાં રિયાન અને અભિષેકે પોતાના અનુભવ શૅર કર્યા છે. વીડિયોમાં રિયાને કહ્યું, ‘મેં નાનપણમાં આવી ક્રિકેટ-ટૂરના સપનાં જોયા હતા. ક્રિકેટ તો બધા રમતા જ હોય છે, પણ ભારતીય ટીમ સાથે સફર કરવી અને ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને જવું એવી બધી બાબતો ક્રિકેટરના જીવનમાં અમૂલ્ય અને અસાધારણ હોય છે. આ બધી વાતો વિચારીને હું એટલો બધો ઉત્સાહિત થઈ ગયો હતો કે હું મોબાઇલ અને પાસપોર્ટ લેવાનું જ ભૂલી ગયો હતો. હકીકતમાં, ભૂલ્યો નહોતો…ક્યાંક રાખી દીધા હતા એટલે મળતા નહોતા. જોકે હવે એ બન્ને મારી પાસે જ છે.’
રિયાન આઇપીએલ-2024માં રાજસ્થાન રૉયલ્સ વતી રમ્યો હતો. 14 ઇનિંગ્સમાં તેણે ચાર હાફ સેન્ચુરી સહિત કુલ 573 રન બનાવ્યા હતા જેમાં 33 સિક્સર અને 40 ફોર સામેલ હતી. તેના 573 રન વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડ પછી ત્રીજા સ્થાને હતા.
આ પન વાચો : વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર્સનો ‘ઓપન બસ રોડ શો’ આવતી કાલે કેટલા વાગ્યે શરૂ થશે જાણી લો…
હરારેમાં ભારત-ઝિમ્બાબ્વેની પ્રથમ ટી-20 શનિવાર, છઠ્ઠી જુલાઈએ રમાશે. રિયાને વીડિયોમાં વધુમાં કહ્યું છે, ‘મારું સપનું ભારતીય ટીમમાં આસામનું પ્રતિનિધિત્વ કરવાનું હતું જે સફળ થઈ રહ્યું છે. હું બેહદ ખુશ છું. હવે હું જ્યારે પહેલી મૅચ રમીશ ત્યારે ઝિમ્બાબ્વે સાથે મારો વિશેષ સંબંધ શરૂ થશે. આ મેદાન અને એ પળ મારા માટે સ્પેશિયલ બનશે. હું એ બન્નેને ખૂબ પવિત્ર માનીશ. અમે 20 કલાકના લાંબા પ્રવાસ બાદ હરારે પહોંચ્યા છીએ. હવે અમે સિરીઝ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.’