વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર્સનો ‘ઓપન બસ રોડ શો’ આવતી કાલે કેટલા વાગ્યે શરૂ થશે જાણી લો…
મુંબઈ: ક્રિકેટક્રેઝી મુંબઈ શહેરમાં આવતી કાલે (ચોથી જુલાઈએ) 2007ની ઐતિહાસિક ક્ષણો જેવો માહોલ જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપ જીતીને વેસ્ટ ઇન્ડિઝથી પાછા આવી રહેલા રોહિત શર્મા અને તેના વર્લ્ડ ચૅમ્પિયન સાથીઓની આવતી કાલે મુંબઈમાં સાંજે એક કિલોમીટરની વિક્ટરી પરેડ યોજાશે. તેમનો ‘ઓપન બસ રોડ શો’ સાંજે 5.00 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમની ચાર્ટર્ડ ફ્લાઇટ આવતી કાલે સવારે 6.20 વાગ્યે બ્રિજટાઉનથી દિલ્હી આવી પહોંચશે. એ વિમાન ‘એઆઇસી24ડબ્લ્યૂસી’ (ઑલ ઇન્ડિયા ચૅમ્પિયન્સ 24 વર્લ્ડ કપ’ બૅનર સાથે દિલ્હી પહોંચશે.
ક્રિકેટર્સનું વિમાન સવારે 6.20 વાગ્યે દિલ્હી આવી પહોંચશે અને ત્યાર પછી સવારે 11.00 વાગ્યે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસસ્થાને જશે. ત્યાર બાદ ભારતીય ટીમ મુંબઈ આવવા રવાના થશે.
બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ પીટીઆઇને જણાવ્યું હતું, ‘આવતી કાલે સાંજે ઓપન બસમાં ભારતીય ટીમનો રોડ શો યોજાશે, ત્યાર બાદ ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલાડીઓનું વાનખેડે ખાતે સન્માન કરાશે અને તેમને 125 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.’
આ પન વાચો : હાર્દિકે રૅન્કિંગમાં પણ બોલાવ્યો સપાટો, ભારત માટે સર્જી દીધો નવો ઇતિહાસ
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ટ્વિટર પર લખ્યું હતું, ‘વર્લ્ડ કપ જીતીને પાછી આવી રહેલી આપણી ટીમ ઇન્ડિયાનું સન્માન કરતી વિક્ટરી પરેડમાં જોડાઓ. આવતી કાલે (ગુરુવારે) સાંજે 5.00 વાગ્યા શરૂ થનારી વિક્ટરી પરેડ મરીન ડ્રાઇવથી વાનખેડે સુધીની હશે. તારીખ અને સમય યાદ રાખી લેજો.’
ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્માએ પણ સોશિયલ મીડિયામાં ચાહકોને વેલકમ કરતા લખ્યું હતું, ‘અમે બધા તમારી સાથે આ વિશિષ્ટ ક્ષણોને તમારી સાથે એન્જૉય કરવા તત્પર છીએ. તો ચાલો, આપણે ચોથી જુલાઈએ સાંજે 5.00 વાગ્યે યોજાનારી મરીન ડ્રાઇવથી વાનખેડે સ્ટેડિયમ સુધીની વિક્ટરી પરેડ સાથે આ વિજયોત્સવ સેલિબ્રેટ કરીએ. અમે ટ્રોફી સાથે પાછા આવી રહ્યા છીએ.’
પરેડ યોજાયા પછી વાનખેડેમાં ચૅમ્પિયન ખેલાડીઓનું બહુમાન પણ કરવામાં આવશે.
17 વર્ષ પહેલાં એમએસ ધોનીના સુકાનમાં ભારતે પહેલો જ ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર બાદ મુંબઈમાં ‘ઓપન બસ રોડ શો’ યોજાયો હતો.