આમચી મુંબઈ

ડ્રેસ કોડનું પાલન નહીં કરતા વિદ્યાર્થીઓને કૉલેજમાં આવતા અટકાવાયા

મુંબઈ: ચેમ્બુરમાં એનજી આચાર્ય અને ડીકે મરાઠે કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓ ડ્રેસ કોડનો ભંગ કરતા જોવા મળ્યા હતા, તેઓને મંગળવારે પણ કૉલેજ પ્રવેશથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આ કૉલેજ ગયા વર્ષે ક્લાસરૂમમાં હિજાબ અને બુરખાને મંજૂરી ના આપવા બદલ પણ વિવાદમાં આવી હતી. કૉલેજે આ વર્ષે વિદ્યાર્થીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો હતો, જેમાં તેમને ફોર્મલ ડ્રેસ, શર્ટ, ટ્રાઉઝર, ઇન્ડો વેસ્ટર્ન અને ભારતીય પોષાક પહેરીને આવવા જણાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ટી શર્ટ, જીન્સ, જર્સી, ફાટેલા જીન્સ પહેરીને આવવા મનાઇ ફરમાવવામાં આવી હતી.

ગયા મહિને, આ જ કૉલેજના વિદ્યાર્થીઓએ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં કૉલેજ દ્વારા ડ્રેસ કોડ લાદવામાં આવેલા આદેશને પડકાર્યો હતો. કૉલેજ દ્વારા લાદવામાં આવેલા ડ્રેસ કોડને માન્ય રાખતા મુંબઇ હાઇ કોર્ટે 26 જૂને જણાવ્યું હતું કે ડ્રેસ કોડનો અર્થ શિસ્ત જાળવવા માટે છે જે “શૈક્ષણિક સંસ્થાની સ્થાપના અને સંચાલન” કરવાના કોલેજના મૂળભૂત અધિકારનો એક ભાગ છે.

કૉલેજના પ્રિન્સિપાલ શ્રીમતી લેલેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે જ નવા ડ્રેસ કોડ વિશે જાણ કરવામાં આવી હતી. ડ્રેસ કોડ કોઇ પણ ધર્મની વિરુદ્ધ નથી અને કૉલેજના વિદ્યાર્થીઓને કોર્પોરેટ કલ્ચર માટે તૈયાર કરવા માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. કૉલેજ છોડીને જ્યારે તેઓ નોકરી ધંધે લાગશે ત્યારે તેમણે શિસ્ત અપનાવવી જ પડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને મોડેથી આવવા બદલ પણ ગેટ પર રોકવામાં આવ્યા હતા.

આ પન વાચો : કોટાના માર્ગે સીકર? NEETની તૈયારી કરવા આવેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

જોકે, આ મુદ્દે હવે શિવસેના (UBT)ની પ્રતિક્રિયા આવી છે. શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે બુધવારે આ કોલેજ સામે વિદ્યાર્થીઓને “જીન્સ અને ટી-શર્ટ” પહેરવા પર પ્રતિબંધ મુકવા બદલ કાર્યવાહીની માંગ કરી હતી. એસેમ્બલીમાં બોલતા સરનાઈકે કહ્યું હતું કે કોલેજ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ “તાલિબાની ફતવો” છે. 70-80 ટકાથી વધુ વિદ્યાર્થીઓ જીન્સ અને જેકેટ પહેરે છે. “શું તમે સ્વિમિંગ સ્પર્ધા માટે સ્વિમિંગ સૂટ અને ટી-શર્ટ્સ, સ્પોર્ટ્સ સ્પર્ધાઓ માટે શોર્ટ્સ પર પ્રતિબંધ મૂકશો?” એવો સવાલ તેમણે કર્યો હતો અને ઉમેર્યું હતું કે શિક્ષણ પ્રધાને તાલિબાની ફતવા માટે કોલેજ સત્તાવાળાઓ સામે પગલાં લેવા જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button