એકસ્ટ્રા અફેર

રાહુલે હિંસા સાથે હિંદુઓને જોડવાની શું જરૂર?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓને દેશના વિકાસમાં નહીં પણ ધર્મને નામે ચરી ખાવામાં અને રાજકીય રોટલો શેકવામાં જ રસ છે એ આપણે જોઈએ છીએ. એ લોકો કોઈ ને કોઈ રીતે ધર્મનો મુદ્દો લઈ જ આવે છે ને પછી બાખડ્યા કરે છે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પોતાના પહેલા ભાષણમાં કહેવાતા હિંદુઓ અંગે કરેલા નિવેદનના કારણે મચેલી બબાલ તેનો તાજો પુરાવો છે.
રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપના નેતાઓ તરફ હાથ કરીને હિંદુઓ હિંસક હોવાનું કહ્યું તેની સામે ભાજપના નેતા તૂટી પડ્યા છે અને સામે કૉંગ્રેસના નેતા રાહુલના બચાવમાં મચી પડ્યા છે તેમાં બબાલ થઈ ગઈ છે.

ભાજપનું કહેવું છે કે, રાહુલે હિંદુઓને હિંસક કહીને હિંદુઓનું અપમાન કર્યું હોવાથી માફી માગવી જ પડશે. નરેન્દ્ર મોદીએ હિંદુઓની તો રાહુલની વાત સામે લોકસભામાં જ ઊભા થઈને વાંધો ઉઠાવેલો. મોદીએ જાહેર કરેલું કે, રાહુલ ગાંધીની વાતથી ભાવનાઓને ઠેસ પહોંચી છે કેમ કે સમગ્ર હિંદુ સમુદાયને હિંસક કહેવો ખૂબ જ ગંભીર બાબત છે. મોદીની વાત સાંભળીને ભાજપના બાકી રહી ગયેલા બીજા નેતા પણ મચી પડ્યા. રાહુલે પણ આક્રમક બનીને જવાબ આપ્યો કે, આખા હિંદુ સમાજને નહીં પણ તમને ભાજપવાળાને હિંસક કહ્યા છે કેમ કે નરેન્દ્ર મોદી આખો હિંદુ સમાજ નથી, ભાજપ આખો હિંદુ સમાજ નથી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આખો હિંદુ સમાજ નથી.

રાહુલની વાતના કારણે લોકસભામાં તો બબાલ થઈ જ ગઈ પણ સંસદની બહાર પણ તેના પડઘા પડ્યા. ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર રાહુલે હિંદુઓને ગાળ દીધી હોવાનું કોરસ શરૂ કરી દીધું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓના મોંમાં પણ અચાનક જીભ આવી ગઈ છે. સંઘે ડહાપણ ડહોળ્યું છે કે, હિંદુત્વને હિંસા સાથે જોડવું દુર્ભાગ્યપૂર્ણ છે. વિવેકાનંદનું હિંદુત્વ હોય કે ગાંધીજીનું, હિંદુત્વ તો સૌહાર્દ અને બંધુત્વનો જ સંદેશ આપે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી ત્યારે મતિમૂઢ થઈ ગયેલી ભાજપની આઈટી બ્રિગેડને પણ મોકો મળી ગયો છે એટલે એ લોકો પણ કૂદી પડ્યા છે તેમાં હિંદુત્વનો મુદ્દો ગાજી રહ્યો છે.

બીજી તરફ કૉંગ્રેસનું કહેવું છે કે, રાહુલે બધા હિંદુઓને નહીં પણ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને જ હિંસક ગણાવ્યા છે કેમ કે ભાજપ અને સંઘ હિંસા અને નફરત ફેલાવે છે. ભાજપના નેતાઓ રાહુલના નિવેદનને તોડીમરોડીને રજૂ કરીને આખા હિંદુ સમુદાયને હિંસક કહ્યો હોવાનું જાહેર કરીને ખોટો દેકારો મચાવી રહ્યા છે એવો પણ કૉંગ્રેસનો આક્ષેપ છે.

રાહુલે શું કહ્યું એ આખી દુનિયાએ જોયું છે ને રાહુલ ગાંધી જે કંઈ બોલ્યા એ આખી દુનિયા સામે બોલ્યા છે. સંસદ ટીવી પર તેનું જીવંત પ્રસારણ થયેલું ને હજારો લોકોએ જોયેલું. જેમણે ના જોયું હોય તેમના માટે યુ ટ્યુબ પર પણ રાહુલ ગાંધીનો વીડિયો છે જ. આ વીડિયોનું દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અર્થઘટન કરી રહ્યું છે. કૉંગ્રેસ એવું કહે છે કે, પોતાના ભાષણમાં ક્યાંય રાહુલ ગાંધી સમગ્ર હિંદુ સમાજની વાત જ નથી કરતા. રાહુલ ઈશારો કરીને ભાજપના નેતાઓને જ કહે છે.

રાહુલ સમગ્ર હિંદુ સમાજ નથી બોલ્યા ને ભાજપના નેતા તરફ ઈશારો કરે છે એ વાત સાચી છે પણ મૂળ મુદ્દો તો એ જ છે કે, રાહુલે હિંદુઓને હિંસા સાથે જોડવાની જરૂર શું છે ? રાહુલની પિન વરસોથી ભાજપ અને સંઘ પર ચોંટેલી છે તેથી એ ગમે તે બહાને સંઘ પર પ્રહાર કરવા ઉભા થઈ જાય છે. આપણને તેની સામે વાંધો નથી કેમ કે ભારત લોકશાહી દેશ છે ને આ દેશમાં દરેકને પોતાને ગમે એ બોલવાનો હક છે. રાહુલ પણ એ હકનો ઉપયોગ કરીને સ્પષ્ટ રીતે ભાજપ કે સંઘ હિંસા ફેલાવે છે, નફરત ફેલાવે છે એવું કહી જ શક્યા હોત. તેના બદલે હિંદુ શબ્દ ઘૂસેડવાની શું જરૂર હતી ?
ભાજપ કે સંઘના લોકો આખા હિંદુ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતા એ વાત સાચી પણ સામે હિંસાની વાત નિકળે ત્યારે હિંદુ શબ્દનો પ્રયોગ ના કરાય એ વાત પણ સાચી છે. કોઈ પણ હિંદુને હિંસા સાથે જોડવાની જરૂર નથી કેમ કે ધર્મને હિંસા સાથે લેવાદેવા નથી. હિંસાની વાત આવે ત્યારે કોઈ પણ ધર્મને તેની સાથે જોડવો ના જોઈએ. રાહુલ આ વાત મુસ્લિમોના કોઈ પક્ષ કે સંગઠન વિશે કરી શકે ? મુસ્લિમોનો કોઈ ચોક્કસ વર્ગ કે પક્ષ કે સંગઠન હિંસા અને નફરત ફેલાવે છે એવું બોલવાની રાહુલમાં હિંમત છે ? બિલકુલ નથી.

રાહુલની વાતો મર્યાદાના ભંગ સમાન છે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમણે દેશના બંધારણને આઈડિયા ઓફ ઈન્ડિયા ગણાવીને કહેલું કે, ભાજપે આઈડિયા ઓફ ઇન્ડિયા પર હુમલો કર્યો છે અને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. રાહુલની આ બધી વાતો બરાબર છે કેમ કે આ બધું મુદ્દા આધારિત છે પણ ધર્મને હિંસા સાથે જોડવો મુદ્દા આધારિત નથી.

ભાજપના નેતા પણ આ મુદ્દે હાસ્યાસ્પદ હરકતો કરી રહ્યા છે. રાહુલે સમગ્ર હિંદુ સમાજની વાત નથી કરી પણ એ લોકો આખા હિંદુ સમાજને હિંસક કહ્યો હોવાનો મુદ્દો ઊભો કરીને દેકારો કરી રહ્યા છે. રાહુલે ભાજપ અને સંઘના લોકોને હિંસક કહ્યા એ પણ વાંધાજનક છે ને ભાજપે તેની સામે વાંધો લેવો જોઈએ કેમ કે સંઘ અને ભાજપ હિંસા ફેલાવે છે એવા પુરાવા પણ ક્યાં છે ? ભાજપને પોતાનો બચાવ કરવાનો પૂરો અધિકાર છે પણ એ માટે થઈને હિંદુ સમુદાયના નામે ચરી ખાવાની જરૂર નથી. તમે તમારા નામે જ તમારો બચાવ કરો, આખા હિંદુ સમુદાયને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે ?

ભાજપ વરસોથી કૉંગ્રેસને હિંદુ વિરોધી ચિતરીને હિંદુઓના મતો પોતાની તરફ વાળવાની રમત રમે છે. રાહુલના નિવેદન સામેનો દેકારો ભાજપની જૂની રમતનો જ ભાગ છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

  1. what you new said in this article? overall your negative approach high lighted on BJP and RSS.

Back to top button