કેન્યાના ભારતીય મૂળના કાગડાઓનું… આ અબ લોટ ચલે !
પાકિસ્તાની કાગડાના શરીરમાં લોહી નહીં, પરંતુ આતંકવાદ વહે છે. પાકિસ્તાની કાગડાએ કેન્યાના લોકો પર ફિદાયીન હુમલા કરેલ છે ‘જસ્ટ લાઇક પ્રોકસીવોર.’
વ્યંગ-ભરત વૈષ્ણવ
‘ભાગો ભાગો…’
એક સફેદ કાગડાએ ભાગવાનું આહ્વાન કર્યું.:
‘તમને બધાને ભાગવા બોલાવ્યા છે. આપણા અસ્તિત્વ પર સંકટના ગીધ મંડરાઇ રહ્યા છે. આપણા કાકાકાને કમજોરી ગણવામાં આવે છે.આપણે સિંહની જેમ દહાડવું, કૂતરાંની જેમ પૂંછડી દબાવવી કે શાહમૃગની માફક રેતીનાં માથું ખોંસવું તે નક્કી કરવું પડશે . રાજપૂતી યોદ્ધાઓ યુદ્ધમાં આરપાર કરવા કેસરિયા કરતા હતા તેમ આપણે કાગરિયા કરવા કે કેમ તે પણ નક્કી કરવું પડશે’ એક બુઝુર્ગ કાગડાએ અનુભવવાણી વહેતી કરી.
‘ટૂંકમાં આપણે આ અબ લોટ ચલે કરવાનું છે, ખરું ને?’ કિશોર કાગડાએ પાંખ ફફડાવી ચરકતા પૂછયું.
‘હા ભાઇ, હા. આ શ્ર્વેત સાચું કહે છે.’ એક શ્યામ કાગડાએ કહ્યું.
‘હવે આ દેશમાંથી આપણા અન્નજળ, મિટ, માંસ માછલી ચિકન ખૂટ્યા છે.’ એક વયસ્ક કાગડાએ ‘મિલે સૂર મેરા તુમ્હારા’ ગીતમાં સંમતિનો સૂર પુરાવો.
‘અરે, કેટલાય વરસોથી રહીએ છીએ, પરંતુ આપણી દશા મુહાજિર જેવી છે. ન માળાનાં ન ઘાટના.’ બીજા કાગડીએ વીજળીના તાર પર ચાંચ ઘસતા કહ્યું.
‘આપણને આપણા દેશમાં પણ જાનમાં કોઇ જાણતું નથી અને હું વરની ફોઇ જેવી પરિસ્થિતિ છે.
દેશમાં આપણને કોઇ નોન રેસિડેન્ટ ક્રો એટલે કે ‘એનઆરસી’ ગણતું નથી. અહીં આપણને વર્ક પરમિટ કે પીઆર મળતા નથી.’ એક બેરોજગાર કાગડાએ નિસાસો નાંખ્યો.
‘કાગડાને હસવાનું થાય અને દેડકાનો જીવ જાય એવી કહેવત હતી. આ દેશના લોકોએ કહેવત ઊલટાવી નાંખી. કાગડાને મરવાનું થાય અને કેન્યિનનોને મજાક થાય!’ એક ચતુર કાગડાએ વિગતો સન્માનીય ગૃહ સમક્ષ મુકી.
આમાં કાંઇ સેટિંગ થાય અને આપણા જીવ બચે એવું થઇ શકે નથી? કોયલની સાથોસાથ ઘુવડી આપણા માળામાં તેના ઈંડા મુકી જાય એવું ન થાય. આપણે છેતરાયેલને વધુ છેતરાવાથી શું ફરક પડે? મડા પરથી મોવાળા ખેંચો તો મડાનો ભાર ઓછો ન થાય?’ આપતિમાંથી ઉગરવા માટે કાગડાએ કૌભાંડ કરવાનું સૂચન કર્યું.
‘ભાઇ, વાઘ સિંહ, ગેંડા, હાથીની ગીધની પ્રજાતિ લુપ્ત થતી અટકાવવા અને દુર્લભ વન્યજીવોના સંરક્ષણ, સંગોપન અર્થે તેમના અભયારણ્યો જાહેર કરવામાં આવે છે. આપણા માટે ક્રો સેન્કચ્યુરી જાહેર ન કરવી જોઇએ?’ એક પર્યાવરણવિદ કાગડાએ વિચાર વહેતો મુકયો.
‘જુઓ, આપણે શાંત અહિંસક કાગડા છીએ. આપણે સાપની જેમ દંશ મારતા નથી અને ફૂંફાડો પણ મારતા નથી. આપણે માણસોના પિતૃઓના શ્રાદ્ધ ભોજનને ઝોમેટો કે સ્વગી કંપનીની જેમ પિતૃઓને નિશુલ્ક પહોંચાડીએ છીએ. આપણે મરતાને મર કહેતા નથી અને જીવતાને જીવ એમ પણ કહેતા નથી.’ એક તરુણ કાગડાએ કાગડાતા (માનવની માનવતા હોય. તો કાગડાની કાગડતા કેમ ન હોય?! ) વર્ણવી.
‘આમાં આંધળે બહેરું કુટાયું છે. મને પાકા પાયે વહેમ છે કે કેટલાક પાકિસ્તાની કાગડા પણ ડંકી કરીને કે કાગડાબાજી ( માણસોને ગેરકાયદેસર વિદેશ મોકલવાનો ‘કબૂતરબાજી’ કહે છે. કાગડા કોઇ દેશમાં ગેરકાયદે ઘૂસે તો કાગડાબાજી કહેવું-બાય ઓર્ડરથી!)કેન્યામાં ઘુસ્યા છે. પાકિસ્તાની કાગડાના શરીરમાં લોહી નહીં , પરંતુ, આતંકવાદ વહે છે. પાકિસ્તાની કાગડાએ કેન્યાના લોકો પર ફિદાયીન હુમલા કરેલ છે. ‘જસ્ટ લાઇક પ્રોકસીવોર’
એક રાજકીય વિશ્ર્લેષક કાગડાએ નૂકતેચીની કરી.
‘આપણે તો દૂધી કાપતા ડરીએ છીએ. પાકિસ્તાની કાગડાઓ કેન્યાના લોકોને નિશાન બનાવી અરાજકતા ઊભા કરવા લોકોના હાથે, પગે, ગળે,માથા પર હુમલા કરી હાહાકાર મચાવ્યા છે. લશ્કરે -એ- કૌઆ’ એ આતંક ફેલાવ્યો છે. પાકિસ્તાની કાગડાનો કલર લીલો હોવો જોઇએ , પરંતું એવું નથી. તેમનો કલર પણ કાળો છે. વિદેશમાં પાકિસ્તાની અને ભારતીયને એક માને છે. એટલે આપણને -ભારતીય મૂળના યાયાવર એટલે કે બિનવિવાસી ભારતીય કાગડાને તોફાની માને છે!’
એક કરમચદ જાસૂસ ટાઇપના કાગડાએ પોતાની બુદ્ધિ અને કુનેહ મારફત કેન્યાના નાગરિકો પર કાગડા દ્વારા થતા જઘન્ય હુમલાની ઘટનાના તાર તાર છૂટા કરી તેનું બૃહદ પૃથક્કરણ કર્યું .
‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો કહેવત જેવું આપણી સાથે થઇ રહ્યું છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. અહીં પાકિસ્તાની કાગડાના લીધે માંદા નહીં મરવાનો ઘાટ થયો છે. બિનનિવાસી કાગડાને વીણી વીણીને મારી નાંખવાનો તખ્તો ઘડાયો છે..’ મોતના ડરથી કાગડાએ પાંખો ફફડાવી.
‘હવે તો કરો યા મરો ની સ્ફોટક સ્થિતિ છે!’ એક કાગડો નાસીપાસ થઇ ગયો.
‘ભાઈઓ , એમ હિંમત હારવાથી કામ નહીં ચાલે . એવરી કલાઉડ હેઝ સિલ્વર લાઇન. લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે!’ મોટિવેશનલ એકેડમી ચલાવતા કાગડીએ નિરાશ કાગસમૂહને પોઝિટિવિટીનો પંપ મારી હવા ભરી.
‘એ બધું તો ઠીક છે. આપણે કરવાનું શું? યુનોમાં રજૂઆત કરવાની? ઇન્ટરનેશનલ કોર્ટમાં અપીલ કરવાની? હાઇફન કે પુતિન સમક્ષ ઘૂંટણિયા ટેકવી નાકલીટી તાણવાની?’ એક કર્મશીલ કાગડાએ પૂછયું.
જગતમાં એક જ એવો માણસ છે, જે આપણને બચાવી શકે તેમ છે. તે સ્વયં વિષ્ણુનો અવતાર છે. દેવો પણ એના ફોલોવર્સ થવા આંધળી દોટ મૂકે છે. જેણે આંખ લાલ કરતાં ચીન જેવા ડ્રેગને ડાયમન્ડ મર્ચન્ટસને છોડી મૂકેલા. જેમણે પોતાના દેશના વિદ્યાર્થીઓને બચાવવા રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી દીધેલું. જે બાયોલોજિકલ નથી. તેમને આપણને બચાવવા અરજ ગુજારીએ.’ અખિલ કેન્યિન કાગ મંડળના પ્રમુખે આ ઠરાવ મંજૂરી અર્થે રજૂ કર્યો. ઉપસ્થિત તમામ કાગબંધુઓએ ગગનભેદી કાકાકાકા કરી સમર્થન આપ્યું!
કહે છે કે આ ઠરાવ પસાર કર્યા પછી કેન્યિન કાગડાઓનું અશિષ્ટ પ્રશિષ્ટ મંડલ ઉડતા ઉડતા ભારત આવી મુલાકાત કરી મદદ માંગનાર છે!
લેટસ અસ વેઇટ એન્ડ વોચ !