ઈન્ટરવલ

ભેદરેખા

‘મારે તો મારી પસંદગીનો સવાલ જ નથી હોતો. એમની પસંદગી મુજબ બધું લેવાનું હોય છે.’

ટૂંકી વાર્તા – રસિક બારભાયા

આ બિલ્ડિંગમાં અમે નવા રહેવા આવ્યાં હતાં. હું હજી તો બધાથી પરિચિત થઈ ન હતી. પહેલે માળે અમારો ફલેટ છે. દરેક માળે ચાર ફલેટ છે. પાંચ માળનું બિલ્ડિંગ છે. અમારી સામેના ફ્લેટનાં દરવાજે ‘ગુરુ ચરણસિંઘ’ અંગ્રેજી નેઈમપ્લેટ લાગેલી હતી. તો તેની બાજુના ફલેટ ઉપર ‘મિસ રાજમતી ઉપાધ્યાય’ નેઈમપ્લેટ હતી. ‘ગુરુ ચરણસિંઘ’ને મેં હજી જોયા નથી. આ રાજમતી બહેન દાદર ચડતાં-ઊતરતાં મળી જાય છે અને અમે બંને મોં ઉપર ત્યારે સ્મિત લાવીએ છીએ. હજી વાત કરવાનો અવસર મળ્યો નથી.

બિલ્ડિંગ નવું બંધાયેલું છે. સામેની રૉમાં બીજાં ત્રણ બિલ્ડિંગ છે. બધા જ ફ્લેટમાં નિવાસીઓ રહેવા આવી ગયાં છે. ચોથે અને પાંચમમે માળે કોણ રહે છે, ક્યા મુલકનાં, કઈ જ્ઞાતિનાં છે એ જાણવાની મને ઉત્કંઠા હતી. પહેલા, બીજા અને ભોંયતળિયે જે રહે છે, તેમને હું આવતાં જતાં જોઉં છું એટલે પરિચિત થઈ ગઈ છું. બે ગુજરાતી કુટુંબ છે. એક સિંધી છે, એક મારવાડી છે, એક કચ્છી છે. માત્ર દક્ષિણનું કોઈ ફેમિલી નથી. જો આ હોત તો આ ભારતનું સાચું ચિત્ર બનતું. તેમની સાથે વાત કરવાની અને
સાંજે બગીચામાં બેસવાનો પ્રસંગ ઊભો થવાનો છે.

ચોથે દિવસે ચોથે માળે એક નવું કુટુંબ રહેવા આવ્યું. પતિ-પત્ની બે જણનું કુટુંબ. પછી ટૂંકમાં તેમનો સામાન આવ્યો. યુવતી ચોવીસ-પચીસ વર્ષની લાગતી હતી. તેનો ચહેરો ફિક્કો હતો. તેની ચામડીની સફેદી જાણે કરમાઈને ફિક્કી પડી ગયેલી લાગતી હતી. એક વખત આ છોકરી જરૂર સ્વરૂપવાન હશે. તેની આંખોમાં ચમક હતી, ચંચળતા હતી પણ એ ખોવાયેલી શી લાગતી હતી. તેના વાળ કાળા, ચમકતા અને લાંબા હતા. તેનો મિસ્ટર બેઠી દડીનો, ગોળમટોળ શરીર અને જાડા હોઠવાળો હતો. તેના વાળ ટૂંકા અને વાંકડિયા હતા. યુવતી પ્રથમ નજરે જોવી ગમતી હતી, તો આ જોવો ગમે તેવો ન હતો.

હું કંઈ જ કારણ વગર ચોથે અને પાંચમે માળે જઈ આવી હતી. કોઈ ફલેટ ખુલ્લો હોય તો તેમની નજીક જવાની, પરિચિત થવાની તક શોધતી હતી, પણ કોઈ ફ્લેટ ખુલ્લો ન હતો. નવા આવેલા આ દંપતીમાં યુવક બહાર ગયો છે અને યુવતી એકલી છે તે હું જાણતી હતી. જો તેનો ફલેટ ખુલ્લો હોય તો તેની સાથે વાત કરવી હતી. પણ તેનો દરવાજો બંધ હતો. મને કોઈ પરિચય વગર બેલ મારવી યોગ્ય લાગ્યું નહીં. બારણા ઉપર નેઈમપ્લેટ લાગી હતી. ‘રાજન પરીખ (એમ. કોમ).’
સાંજે તે નીચે ઊતરી રહી હતી ત્યારે હું દરવાજામાં ઊભી હતી. તે મારી સામે હસી. આ હાસ્ય બંદીવાનનું હતું એવું મને લાગ્યું.

‘આવોને.’ મેં કહ્યું.

‘અત્યારે નહીં’, તેણે થોભીને કહ્યું, ‘મારકેટ જવું છે. હમણાં તો બધું ગોઠવવામાં સમય જાય છે.’

‘અમારે પણ એવું જ છે.’ મેં કહ્યું. પણ તેણે તો સાંભળ્યું ન સાંભળ્યું કરીને ચાલવા માંડયું. ફરી અમે બસ સ્ટેન્ડ ઉપર ભેળાં થઈ ગયાં. એ બસની રાહ જોતી ઊભી હતી અને મને જોતાં જ તેના મોં ઉપર હાસ્ય આવી ગયું. તેનું ખોવાયેલું સ્મિત જાણે મોં ઉપર આવી ગયું. તે મારી નજીક આવી. પછી મારી સામે જોતાં કહે, ‘તમારી સાડીની પસંદગી સુંદર હોય છે, નાઈસ.’

મેં પ્રતિભાવરૂપે પ્રસન્નતા વ્યક્ત કરી. ‘મારે તો મારી પસંદગીનો સવાલ જ નથી હોતો. એમની પસંદગી મુજબ બધું લેવાનું હોય છે.’ તેણે કહ્યું. એમની એટલે તેના મિસ્ટરની કહેવા માગે છે તે હું સમજી
શકી હતી.

‘તમારી ચોઈસ પણ સારી છે.’ મેં તેની સાથે વાત લંબાવવા કહ્યું.

‘ઠીક હવે.’ તેણીએ કહ્યું. જ્યાં આપણી ચોઈસ જ ન હોય ત્યાં ચલાવી લેવાનું બધું.’

આ વાતમાં તેનો અસંતોષ જણાઈ આવતો હતો. આ વાત જ એવી હતી કે અમે ઘણાં નજીક આવી ગયાં. કોઈપણ યુવતી બીજી યુવતીની પ્રશંસા કરે યા તેના માનસમાં ચાલતા અસંતોષને વાચા આપે એ ગમે જ. એ રાત્રે તેણીએ મારા દરવાજાની બેલનું બટન દબાવ્યું. તેને જોઈને મને ખુશી થઈ. ‘આવો.’ મેં કહ્યું.

‘એકલી છું. હજી એ આવ્યા નથી. સમય પસાર થતો નથી. કોઈ મેગેઝિન હોય તો-’
‘બેસો પહેલાં. હું પણ એકલી જ છું. મારે પણ સમયનું એવું જ છે. પસાર કેમ કરવો એ પ્રોબ્લેમ.’
‘તમે બી.એ. થયાં છો, નહીં? કઈ કોલેજમાં?’

‘હું અમદાવાદ – નવગુજરાતમાં. મારું પિયર અમદાવાદ છે.’ મેં કહ્યું. ‘તમે પણ બી.એ. થયાં છે? પ્રથમ નામ? મારું નામ રશ્મિ.’
‘સરસ. મારું નામ સ્વાતિ. એમ. એ. થઈ છું. આ પાર્લામાં જ.’ સ્વાતિએ તકિયે અઢેલીને બેસતાં કહ્યું ‘અહીંયા સમય કેમ પસાર કરવો એ પ્રોબ્લેમ છે પણ સારું તમે મળી ગયાં. હવે આપણે મેચ થઈ જઈશું. અમે સી. પી. ટેન્ક રહેતાં હતાં, ચાલીમાં, અહીં એકલા બંધ માહોલમાં રહેવાનું ફાવે નહીં.’

‘અમે પણ અમદાવાદ પોળમાં હતાં. ત્યાં બધે વેપારીઓ આવવાં લાગતાં બજાર જેવું થઈ ગયું હતું અને ફાવતું નહીં.’

‘અમારે પણ આખી ચાલી સ્ટીલબજાર થઈ ગઈ છે. માધવબાગ નજીક એટલે ત્યાં જઈને બેસીએ. અહીં પણ ધીમે ધીમે સેટ થઈ જઈશું.’
‘સર્વિસ કરેલી?’

‘ના. એમ.એ.માં આવી એ વર્ષે જ લાઈન શરૂ થઈ ગયેલી અને ટર્મ્સ પૂરી થતાં તો લગ્ન કરી નાખ્યાં એટલે સર્વિસનો વિચાર પણ આવ્યો નથી.’
‘તમારા મિસ્ટર શું કરે છે?’

‘એ બાંદ્રા કોલેજમાં વિઝીટર્સ તરીકે જાય છે. અમે સાથે કોલેજમાં હતાં.’
‘ત્યારે તમે લવ મેરેજ -’
‘હા, એવું જ.’

‘સ્વાતિના જવાબથી મને આશ્ર્ચર્ય થયું. ‘એવું જ’ એમ કહ્યું એમાં આનંદ – ઉમળકો ન હતો. ‘રાજન’ નામ છે ને? તમારા મિસ્ટરનું?’
‘હા.’

‘મને હવે તમારામાં રસ પડયો છે. તમે એકબીજાની એટલાં જલદી નજીક આવી ગયાં કે પરીક્ષા પછી તરત લગ્ન -’ મેં કહ્યું. ‘હા, પપ્પા બીજે વાત ચલાવતા હતા. એટલે મેં એક દિવસ કહી જ દીધું મારે તો બસ – મેં કશું વધુ વિચાર્યું નહોતું. પપ્પાએ રાજનને ઘેર બોલાવ્યો. વાતચીત કરી અને સંમતિ આપી દીધી. બસ આટલું જ.’ રાજનને મેં અલપઝલપ દાદર ચડતાં – ઉતરતાં જોયો છે. વિશેષ પરિચય થયો નથી. તેથી મગજમાં કશું બેસતું નથી. સ્વાતિ અને રાજન વચ્ચે શારીરિક રીતે કશું મેચ થતું નથી. સ્વાતિ હાઈટવાળી દેખાવડી છે. રાજન નીચો, શ્યામ, ગોળમટોળ શરીર… રાજનને મેં બોલતાં સાંભળ્યો નથી. તે મોં ઉપર ભાર વેંઢારતો હોય એવું લાગે.

મેં ઊભા થઈ પાણીનો ગ્લાસ સ્વાતિને આપ્યો અને શરબત લેવા ચાલી. તે પણ મારી સાથે કિચનમાં આવી અને કહ્યું, ‘રહેવા દો કંઈ લેવું નથી.’
‘એમ તે હોય. એ બહાને થોડું વધુ બેસાશે.’

આમ અમે એકદમ નજીક આવી ગયાં.

બે દિવસ પછી દાદર ઊતરતાં સ્વાતિ મારી પાસે ઊભી રહી. ‘પિકચર જોવા આવશો?’ ‘ગૃહપ્રવેશ’ની બે ટિકિટ મંગાવું? પિકચરનાં રિવ્યૂ સારા છે. સમય પસાર થશે. મેં પૂછયું.
‘ના.’
‘કેમ?’

સ્વાતિએ કશો જવાબ ન આપ્યો. જાણે કશું છુપાવી રહી હતી.

‘હું તો એકલી જઈશ.’

વળતે દિવસે પિક્ચરમાંથી નીકળીને બસ સ્ટોપ ઉપર આવી તો સ્વાતિ અને રાજન બસની રાહ જોતાં ઊભાં હતાં. ‘હું પિક્ચરમાંથી આવું છું. ક્લાસિક પિક્ચર છે, આવ્યાં હોત તો મજા આવત. હું તો એકલી ઘરમાં બોર થઈ જાઉં એટલે પિક્ચરમાં બેસી જાઉં.’

‘તેઓ આપણા જ બિલ્ડિંગમાં રહે છે. એ ફર્સ્ટ ફ્લોર ઉપર છે. એમણે મને કાલે પિકચર માટે કહ્યું હતું.’ મારા માટે એના મિસ્ટરને એ કહી રહી હતી.

‘મને પૂછયા વગર એ ઘર બહાર જાય જ નહીં, પૂછો જાય?’ રાજને કહ્યું. મને રાજનનું કહેવાનું સમજાયું નહીં, પણ તેના જવાબમાં તુમાખી હોવાનું જરૂર લાગ્યું.

‘પિકચરમાં મારી સાથે આવવાની ના કહી તેથી હું સમજી છું.’ મેં કહ્યું.

બસ આવી. અમે બાજુબાજુમાં ગોઠવાયાં. રાજને મારી ટિકિટ પણ લઈ લીધી. સ્વાતિ કશું બોલતી ન હતી. બિલ્ડિંગમાં દાખલ થતાં હું મારા ફલેટ પાસે દરવાજો ખોલી ઊભી રહી. સ્વાતિ અને રાજન નજીક આવ્યા એટલે મેં કહ્યું, ‘આવો.’

‘ના અત્યારે નહીં.’ અને તેમણે તો જવા પગ ઉપાડયા. સ્વાતિએ દાદર ચડતા મારી તરફ નજર કરી અને હોઠ ઉપર સ્મિત ફરકાવ્યું.

પછી સ્વાતિ થોડા દિવસ દેખાઈ નહીં. મને થયું કે કદાચ પિયર સી. પી. ટેન્ક ગઈ હશે. ચાર-પાંચ દિવસ પછી મેગેઝિન પાછું આપવા આવી ત્યારે મેં કહ્યું, ‘બેસો તો ખરાં. કેમ દૂર ભાગો છો?’
‘ના, એવું નથી. ઉતાવળમાં છું. રાજનનો આવવાનો ટાઈમ થયો છે, રસોઈ કરવી છે.’ અને તે બારણામાંથી જ પાછી ફરી ગઈ.

મને થયું કે એ મારાથી દૂર જઈ રહી છે. કદાચ રાજને મના ફરમાવી હોય.

એક-બે દિવસ પછી સ્વાતિ મારે ત્યાં બેઠી હતી. દરવાજો ખુલ્લો હતો. અમે વાતોએ વળગ્યાં હતાં. દાદર ચડતાં જ રાજનની નજર મારા દરવાજા તરફ ગઈ. આજે તે કંઈક વહેલો આવ્યો હતો. સ્વાતિને જોઈને કહ્યું: ‘કેમ, અહીં બેઠી છે?’ મારે ત્યાં આવવું બેસવું જાણે ખરાબ હોય એવો એનો ટોન હતો. સ્વાતિ એકદમ ઊભી થઈ ગઈ. તેનું મોં પણ રોષથી લાલ થઈ ગયું. રાજનની આ રીત મને ગમી નહીં. આ એજ્યુકેટેડ માણસ આટલો રફ?

સામેના ફ્લેટમાં રહેતી સરુપ કોલેજ ગઈ નથી. તેનો પતિ ઍર ઈન્ડિયાનો ઓફિસર છે. મંદ સુરિલા અવાજે કેસેટ વાગ્યા કરતી હોય એમ સરુપનો અવાજ ગૂંજ્યા કરે છે. બે નંબરમાં રહેતા સિંધી દંપતી. સવારે બાબાને સ્કૂલે મૂકવા પુરુષ જાય છે. તે મોટો વેપારી છે. અહીં સ્વાતિ? ઓહ! એક દિવસ આ સંવાદ સાંભળ્યો.

‘હું તને સર્વિસની રજા આપતો નથી. હું પુરુષ છું અને કમાઉં છું, પછી શું જરૂર છે? સ્ત્રીઓએ સર્વિસ કરવી જ ન જોઈએ.’

‘પણ હું જ સર્વિસ કરવા માગતી નથી. શા માટે કરું? મેં કહ્યું છે ક્યારેય?’

‘સ્ત્રીઓ ઘરની બહાર જાય એ જ મને પસંદ નથી.’ રાજને કહ્યું. સ્વાતિ મારી સામે જોઈ રહી હતી. પ્રશ્ર્નસૂચક દૃષ્ટિથી આ વિવાદ શાથી ઊભો થયો તે મને સમજાયું નહીં. મને એટલું તો સમજાયું કે તે સ્વાતિને મારી સામે ઉતારી પાડવા માગે છે.

સ્વાતિએ મને કહ્યું હતું. કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધામાં મને પ્રથમ ઈનામ મળ્યું હતું. વિષય હતો: ‘નારી સ્વાતંત્ર્ય.’ બે પરીક્ષકમાં એક રાજન પણ હતો. હું હંમેશાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતી હતી.

‘રાજન ત્યારે મારા શબ્દે શબ્દે તાળીઓ પાડતો હતો. મને મીટિંગ બાદ ‘બ્રેવો, ગુડ… નાઈસ.’ કહી બિરદાવતો હતો.

‘પણ તેં આવડી મોટી ભૂલ કેમ કરી? એની તાળીઓના નાદમાં?’

‘શું – શાની?’

‘મૅરેજની. તને એનામાં ત્યારે એવું શું લાગ્યું હતું?’

એ સહમી ઊઠી, તેના મોં ઉપર ઉદાસી છવાઈ ગઈ. લાગતું હતું કે જાણે રડી પડશે.

થોડીવારે સ્વસ્થ થતાં કહે: ‘દીદી, પહેલાં એ આવો નહોતો. તેની વાતો…! હાય, હું તેની વાતો સાંભળતા ધરાતી નહીં. મને મળવા એ કલાક – કલાક બસની લાઈનમાં ઊભો રહેતો. હું કંઈ કહું, વિચારું તે પહેલાં તે સમજી જતો. પૈસાનો કદી હિસાબ ગણતો નહીં, પણ હવે… ફિઝુલ ખર્ચ નહીં, ફરવા જવાનું નહીં, પિકચરમાં જવાનું નહીં, વાતો બંધ – સાહેબને ડિસ્ટર્બ થાય છે, મેગેઝિન લેવાનાં નહીં.’
પછી સ્વાતિ કહે છે ‘બધા પુરુષો આવા હોય છે?’

મારી પાસે આનો કશો જવાબ નથી. હું તેને પ્રથમ ઈનામ વક્તૃત્વ સ્પર્ધામાં મળ્યું હતું, એ “નારી સ્વાતંત્ર્ય વિષય ઉપરના તેના વિચારો જાણવા આતુર છું. પણ… શો અર્થ છે તેનો? વિચારો હોવા અને વિચારો પ્રમાણે જીવવું એ બે વચ્ચેની ભેદરેખા ઘણી પહોળી છે. આ તેની ખોવાયેલી શી રહેતી આંખોમા હું વાંચી શકું છું. તેના ઉલ્ઝાયેલા રહેતા ચહેરા ઉપર હું આ જોઈ શકું છું.

કોલેજમાં વિદ્યાર્થીઓ સમક્ષ માસ્ટર રાજન કલાકો સુધી લેક્ચર આપે છે. કોઈ પણ ફંકશન્સમાં આગળના વક્તાને વિચારોને મરોડીને, હું અહીં સુધારો મૂકવા માગું છું… યા હું એથી પણ આગળ જઈને કહું છું… એ કહેશે જ. બીજાને ઉતારી પાડવાની, તેની વાત કાપી નાખવાની આદત. સ્વાતિની મમ્મી કહે છે: ‘છોકરીને મેં ના પાડી હતી. અમારું ફૅમિલી બિઝનેસમેનોનું. અમને સર્વિસમેન સાથે ફાવે જ નહીં. પણ ત્યારે કોઈ છોકરી કોઈનું સાંભળવા રહે છે?’

એ દિવસે હું ઉપર જઈ ચડી. આજનું ન્યૂઝ પેપર લેવા જ તો! બેલ દબાવી, દરવાજો ઘણીવારે ખૂલ્યો. રાજન સામે જ ઊભો હતો. તેના મોં ઉપર રોષ અને ધૂંધવાટ હતો. ઘરમાં કંઈક ઝઘડો બન્ને વચ્ચે ચાલે છે તે હું સમજી ગઈ. રશ્મિ નીચે બેઠી હતી તો રાજન બહાર જવા માટે બૂટ પહેરતો હતો. મેં છાપું લઈ ચાલવા માંડ્યું. દરવાજો બંધ થયો. ‘તને કહી દીધું, સોફા ઉપર બેસવાનું નહીં, નીચે બેસતાં શું વાંધો આવે છે? અમારા ઘરમાં સ્ત્રીઓ પુરુષો જોડે બેસી શકે જ નહીં.’

હું દરવાજા પાસે ઊભી રહી, અંદર ચાલતા સંવાદો સંભળાતા હતા. એ સાંજે મને સમાચાર મળ્યાં કે સ્વાતિ ચાલી ગઈ છે. તેના મમ્મી સાથે તેના પિયર. કંઈ પણ બોલ્યા વગર અને કંઈ પણ લીધા વગર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button