અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
શૂન્ય: એકડા પાછળનું ને એકડા વગરનું…
એકડા પાછળના શૂન્ય વટમાં હોય છે, પણ એકડા વગરના શૂન્ય ખટકતા હોય છે. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી એ પછી આંકડાની દુનિયા ધડમૂળથી બદલાઈ ગઈ. એકડાની એકલતા દૂર થઈ ગઈ. એકડા સાથે જોડાતા શૂન્ય માણસનું ’વજન’ વધારતા થયા છે. એકડા પાછળનું શૂન્ય આંખનું તેજ વધારે છે તો એકડા વગરનું શૂન્ય આંખને નિસ્તેજ બનાવે છે. પરિસ્થિતિ પ્રમાણે પરચા થાય છે.
તાજેતરમાં કેનેડાની એક પેટ ચૂંટણીમાં ૪૫ વર્ષના ફેલિક્સ – એન્તોન હમેલને શૂન્ય પૃથ્વીના ગોળા કરતા પણ મોટું દેખાયું હોય તો નવાઈ નહીં. મિસ્ટર ફેલિક્સએ ઉમેદવારી નોંધાવી હતી અને મતગણતરી વખતે ખબર પડી કે ભાઈસાહેબને એક પણ વોટ નહોતો મળ્યો. નામની સામે ગોળાકાર શૂન્ય જોઈ ફેલિક્સને દુનિયા ગોળ ગોળ ફરતી લાગી હશે. કેનેડાના રાજકીય ઈતિહાસમાં ચૂંટણી થઈ હોય એ પરિસ્થિતિમાં શૂન્ય વોટની ‘સિદ્ધિ’ મેળવનાર આ પ્રથમ ઉમેદવાર છે.
હવે અહીં સવાલ થઈ શકે કે કોઈ પણ ઉમેદવાર પોતાને તો મત આપે જ ને. જોકે, વાત એમ છે કે જે મતવિસ્તારમાં ફેલિક્સ ભાઈ ચૂંટણી લડ્યા હતા, ત્યાં એ રહેતા નથી. એટલે મતદારોની યાદીમાં એમનું નામ નથી. પરિણામની ઘોષણા પછી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં ફેલિક્સે જણાવ્યું કે ‘ચૂંટણી પરિણામ જોયા પછી હું એક મતનો ઉમેદવાર છું એનો મને ખ્યાલ આવ્યો. મને મત નહીં આપવો એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.’
મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી.
સ્વર્ગમાં પ્લોટનું વેચાણ: બુદ્ધિના દેવાળિયાઓનું રોકાણ
‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ કહેવતનું પ્રતિબિંબ જેવા બાબાઓનોઆતંક માત્ર આપણા દેશમાં જ હોય એવું માણવાની ભૂલ નહીં કરતા. ‘ઠગતી હૈ દુનિયા, ઠગનેવાલા ચાહિયે’નું ઉદાહરણ દરિયાપાર યુએસના પાડોશી દેશ મેક્સિકોમાં ખાસ્સું
ગાજ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર મેક્સિકોમાં એક ચર્ચ ‘સ્વર્ગમાં જમીનનો ટુકડો’ અપાવી દેવાની ઓફર કરી રહ્યું છે અને આંખ, સોરી, દિમાગ પર પટ્ટી બાંધેલા કે બુદ્ધિ ગીરવે મૂકી આવેલા લોકો આશરે ૮૦૦૦ રૂપિયા ચોરસ મીટરના ભાવે ‘સ્વર્ગમાં મારો પણ એક પ્લોટ હોય’ એવી અર્થહીન આશા સાથે લાઈન લગાડી રહ્યા છે.
આ કરતૂતોને પગલે ધુતારાઓએ લાખો ડૉલર ઘરભેગા કરી લીધા હોવાના સમાચાર ધરતી પર ચારેકોર ફેલાઈ ગયા છે. ભગવાને આ પ્લોટ વેચવાનો આદેશ આપ્યો હોવાનો દાવો પાદરીએ કર્યો છે અને અકક્કલના ઓથમીરો પોતાની મૂડીની મદદથી ગાંડપણ ખરીદી રહ્યા છે. ‘નર્કમાં પ્લોટ મળે?’ એવી ટીખળ પણ કરવામાં આવી છે.
હોંગકોંગમાં મિની ઈન્ડિયા
વિશ્ર્વભરના ટૂરિસ્ટ જગ્યાઓ પર ભારતીયોનો ધસારો અને એમાંય શુદ્ધ શાકાહારી ભોજન જ આરોગતા લોકોનીસંખ્યા એ હદે વધી રહી છે કે અનેક ઠેકાણે હવે ભારતીય ભોજન અને એ પણ શુદ્ધ શાકાહારી સ્વરૂપનું બહુ આસાનીથી મળી જાય છે. તાજેતરમાં ન્યૂયોર્કના કામચલાઉ સ્ટેડિયમમાં ભારત – યુએસ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ ત્યારે પ્રેક્ષકોની સંખ્યામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા એવી જબરદસ્ત હતી કે એ મેચને ‘ભારત – વિરુદ્ધ મિની ભારત’ એવું નામ આપવામાં આવ્યું હતું. ચીનના એડમિનિસ્ટ્રેટિવ રિજનની ઓળખ ધરાવતા હોંગકોંગમાં એક સમયે વેજિટેરિયન ફૂડ ગોતવું એ રણ પ્રદેશમાં લીલોતરી ગોતવા જેવું કપરું કાર્ય હતું. અબ જમાના બદલ ગયા હૈ. શાકાહારી ભારતીય પ્રવાસીઓને ઓછું ન આવે એની કોશિશ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હોંગકોંગની એક ઈમારતના ‘દર્શન’ થાય છે જેમાં પ્રવેશ્યા પછી સહેલાણીઓને સ્વદેશમાં ફરતા હોવાની લાગણી થયા વિના નહીં રહે. બિલ્ડિંગની રેસ્ટોરાંમાં ચણા મસાલા, પાલક પનીર, મસૂર – તુવેરની દાળ, ભીંડાનું ભરેલું શાક, ભજિયાં, આલુ ટીકી સહિત અનેક મોઢામાં પાણી આવી જાય એવી વાનગીઓ મળે છે. જમ્યા પછી બનારસી – કલકત્તા કિમામ માર કે અથવા મસાલા પાન પણ ઉપલબ્ધ છે. બીજી પણ કેટલીક વસ્તુઓ આસાનીથી મળવા લાગી છે. લંડન- ન્યૂયોર્ક જેવા મહાનગરોમાં હવે આની નવાઈ નથી રહી, પણ ચીનનું પ્રભુત્વ ધરાવતા હોંગકોંગમાં ‘છોટા ભારત’ આપણા પ્રવાસ પાવરનું જ્વલંત ઉદાહરણ છે.
એક આઈડિયા, જો કરવા દે ફાયદા!
‘લેમ્બર્ગીની ચલાઈ જાનીયો’ ગીત અને ધનના વરવા પ્રદર્શનની સંગાથમાં લગ્નની આપણે ત્યાં નવાઈ નથી. સમયાંતરે ચીલો ચાતરી જતાં યુગલના ઉદાહરણ આનંદ આપનારા, આશ્ર્ચર્ય જગાવનારા કે આંચકો આપનારા પણ હોય છે. શ્રીમંત પરિવારના સંતાનો લગ્નમાટેનો સમગ્ર ખર્ચ સદ્કાર્ય માટે વાપરવાનો આગ્રહ રાખે છે તો કોઈ એવા શાણા વિદેશીઓ હોય છે જે કહે છે કે લખલૂટ પૈસા લગ્નમાં વાપરવાને બદલે એ પૈસા અમે લક્ઝરિયસ હનીમૂનમાં કેમ ન વાપરીએ? જોકે, યુકેના યુગલનો આઈડિયા તો આ બધા વિચારોને તડકે મૂકી દે એવો છે. એક યુવતીને લગ્નનું આમંત્રણ મળ્યું, જેમાં લખ્યું હતું કે ’અમારા માનવંતા મહેમાનો. અમારાલગ્નના સપરમા દિવસે તમે હાજરી આપશો એવી આશા છે. અમારી એક વિનંતી છે કે તમે કોઈ ભેટ – સોગાદ નહીં લાવતા. પણ હા, જે લોકો અમને ગિફ્ટ આપવા માગતા હોય તેમને એટલી અરજ કે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ પહેલા અમને રોકડા (કેશ ડોનેશન) મોકલી આપે જેનો ઉપયોગ અમે લગ્નની ઉજવણી માટે કરી શકીશું.’
લગ્નની જાહેરાત કરતું એક પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ‘ધામધૂમથી લગ્ન કરવાના છીએ પણ એનો ખર્ચ મહેમાન ભોગવે’ એવા મતલબની રજૂઆત પણ કરવામાં આવી છે. વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. એક આઈડિયા જો કરવા દે ફાયદા જેવો ઘાટ થયો ને!
એક હસે એક રડે… આંખ બે આપસમાં ચડભડે
હરીન્દ્ર દવેની એક હૃદયસ્પર્શી કવિતાની શરૂઆતની પંક્તિઓ છે ‘એક હસે, એક રડે, આંખ બે આપસમાં ચડભડે…’ .જીવનમાં ક્યારેક એવી ક્ષણ છે જ્યારે લાગણી અને બુદ્ધિ વચ્ચે જીવ ફંગોળાય અને એવે સમયે એક આંખ રડે ને એક આંખ હસે જેવી અવસ્થા જન્મે. રાજસ્થાનના ‘ગુલાબી શહેર – પિન્ક સિટી’ તરીકે ઓળખ ધરાવતા જયપુરમાં તાજેતરમાં બનેલી એક ઘટના વખતે આ પરિસ્થિતિનો સાક્ષાત્કાર થયો.
થયું એવું કે શહેરના એક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર સત્તાધીશોએ બુલડોઝર ચલાવતા સ્વાભાવિક રીતે ઘરથી બેઘર થયેલા લોકોના ચહેરા રડમસ થઈ ગયા હતા.
જોકે, થોડી વાર પછી ત્યાં પહોંચી ગયેલા કેટલાક લોકોના મોઢા પર હરખ હતો… ના, ના, આ કંઈ વિઘ્નસંતોષીઓનું ટોળું નહોતું. આ લોકો રદ્દીના વેપારી હતા. ઈમારત તોડકામને કારણે લોખંડ અને ટીન જેવી ધાતુનો સમાન જોઈ ભંગારના વેપારીઓના મોઢામાં પાણી આવી ગયું. બીજો પણ કેટલોક સામાન હતો જે વેચી રોકડી કરી શકાય એમ હતી. જોકે, એ લોકો જે રીતે બધી વસ્તુ ઉપાડી નાસી રહ્યા હતા. કોઈનો ઝૂંટવાઈ ગયેલો કોળિયો, કોઈના પેટને ઠારવાનો હતો. ‘કોઈનું રોણું, કોઈનું જોણું’ જેવી બાબત વ્યથિત કરનારી જરૂર હતી. અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું!
લ્યો કરો વાત!
આંગણામાં બાંધેલી ગાય – ભેંસ ભાગી ન જાય કે કોઈ ચોરટાઓ ભગાવી ન જાય એ માટે એને બાંધી રાખવામાં આવે એ વ્યવસ્થાથી આપણે પરિચિત છીએ, પણ આધુનિક કારને સાંકળે બાંધી રાખવામાં આવે અને એ પણ લંડન જેવા શહેરમાં એ આધુનિક જગતની કમાલ છે. સાંકળનો એક છેડો કાર સાથે અને બીજો છેડો વિશાળ વૃક્ષ સાથે બાંધી રાખવામાં આવ્યો છે. લંડનમાં ચોક્કસ કંપનીની ગાડી ચોરાઈ જવાની વધી રહેલી ઘટનાને કારણે કાર માલિક આવું પગલું ભરી રહ્યા છે. ચોરાઈ ગયેલી કારમાં અદ્યતન ટેકનોલોજી વાપરવામાં આવી છે, પણ એ જ ટેકનોલોજીનો લાભ ચોર કંપની ઉઠાવી રહી છે. ‘તું શેર, તો હું સવા શેર’ કહેવત તો તમે સાંભળી જ હશે.