ઈન્ટરવલ

ડેટ પર ગયો ને લાખ રૂપિયા ગયા

મુંબઇ અને દિલ્હીના બહાર આવેલા ડેટિંગ સ્કેમની વિગતો લગભગ સમાન છે

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

પ્રેમ, સ્નેહ, ઇશ્ક, પ્યાર, લવ… કેવા નાના પણ અદ્ભુત અનુભૂતિ કરાવતા શબ્દો. આ શબ્દોએ અને એમાં રહેલા ભાવોએ ન જાણે કેટલાંયના જીવન
બદલી નાખ્યાં હશે અને પ્રેમ-શાંતિ-સ્મિતથી મઘમઘાવી દીધાં હશે.

કદાચ ઇશ્ર્વરની કે કુદરતની સૌથી
મોંઘેરી સોગાદ એટલે આ દોઢ અક્ષરનો શબ્દ પ્રેમ.

પરંતુ… પરંતુ આ સાયબર ફ્રોડિયા આ લાગણી સાથેય છેતરપિંડી કરતા અચકાતા નથી. મેટ્રોમોનિયલ વેબસાઇટ થકી છેતરપિંડી થવાના કિસ્સા એકદમ હૃદયદ્રાવક હોય છે. લોકોનાં દિલ અને લાગણી સાથે રમવાની એક નવી મોડસ ઓપરેન્ડી બહાર આવે છે.

ઓનલાઇન હજારો મિત્રો અને લાખો ફોલોઅર્સ ધરાવતા માનવી વાસ્તવિક જીવનમાં ખૂબ એકાકીપણું જીરવતા હોય છે. આ આમંત્રણ આપીને બોલાવેલી એકલતામાંથી છૂટવા માટે આસપાસના માનવીઓ ભણી નજર દોડાવવાને બદલે ફરી સોશિયલ મીડિયા કે એપનો જ સહારો શોધે છે.

ઘણાં યુવાન હૈયાં અકારણ કે સકારણ ડેટિંગ એપ ભણી આકર્ષાય, અમુકનું
ઉંમર થવા છતાં કયાંય જામતું ન હોય, કોઇકનું બ્રેકઅપ થઇ ગયું કે અમુક
પતંગિયાં વૃત્તિવાળાને ડેટિંગ એપમાં
ઘણું બધું મળી રહેવાની આશા હોય છે. ટીન્ડર, ઓકેકયુપિડ એટલે મેડિસન,
ક્વેકક્વેક ડેટિંગ એપ અને બમ્બલ,
બ્લુમ અને લવલી સહિતની એપ ઉપલબ્ધ છે.

આ એપનો ધ્યેય ઉપયોગી અને ઉમદા કહી શકાય. બે વયસ્કજનોને એકમેકને ઓળખાવી, મળાવી અને બધી રીતે મેળ
ખાય તો આગળ વધીને જીવનસાથી
બનવાની તક પૂરી પાડવાનો હોય છે,
પરંતુ ઘણા માત્ર ને માત્ર હરવા-ફરવા, મજામસ્તી માટે જ એમાં પડતા હોય છે. અને આવા ઘણા ત્યાં ધુતારા દૂર
રહે ખરા.

અહીંથી સાયબર ક્રિમિનલનો પ્રવેશ થાય છે. જાહેરમાં આવેલા કિસ્સામાં સ્વાભાવિક છે કે કોઇ પોતાનું નામ જાહેર ન કરે, પરંતુ નામમાં શું દાટયું છે એ સ્વીકારીને શું, કેવી રીતે બચવું એ જાણવું અને સમજવું અનિવાર્ય ગણાય.

મુંબઇ અને દિલ્હીના બહાર આવેલા ડેટિંગ સ્કેમની વિગતો લગભગ સમાન છે. નવી દિલ્હીનો સિવિલ સર્વિસમાં જોડાવાનું સપનું જોતો યુવાન ખૂબ તેજસ્વી. આ ભાઇને ડેટિંગ એપ પર એક યુવતીના પ્રોફાઇલમાં રસ પડયો એની ધારણાથી
વધુ રિસ્પોન્સ મળ્યો. યુવતીએ સામે ચાલીને પોતાનો વૉટ્સએપ નંબર આપી દીધો.

યુવાનના બગીચામાં ફૂલ નહીં બગીચા ખીલી ગયા. આરંભના ગુડમોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ ઝડપભેર રોમેન્ટિક બનવા માંડયા. બન્ને પક્ષે મળવાની ઉતાવળ વ્યક્ત થવા માંડી. આજકાલ ડેટ પર જવું એ નવી કે મોટી વાત નથી પણ એવી લાલચથી કોઇક જ બચી શકે છે.

ડેટિંગની ચર્ચા શરૂ થઇ ત્યારે યુવતીએ ચોક્કસ વિસ્તારના અમુક પબ-કાફેમાં મળવાનો આગ્રહ રાખ્યો.

કદાચ આ જગ્યા યુવતીના ઘર કે ઓફિસથી નજીક કહો કે ઓળખીતાઓથી નજર બચાવવા અહીં મળવા માગતી હશે એવી શંકાનો લાભ ભાઇએ તેને આપ્યો. તેણે કાફેનું પૂછયું તો જવાબ મળ્યો કે અમર મેટ્રો સ્ટેશન પાસે મળીએ, ત્યાંથી હું લઇ જઇશ.

યુવાન તો પૂરી તૈયારી, હોંશ અને જોશ સાથે નીકળી પડયો ડેટ પર જવા.

કાફે પર જઇને યુવતીએ પહેલ કરી. તે પોતે ઓર્ડર આપવા માંડી. યુવાને એને
રોકી નહીં. ફર્સ્ટ ડેટ પર એવું કરવાથી કેટલું ખરાબ લાગે? હકીકતમાં મેનુ પર નહોતું કે એવુંય ઘણું ઓર્ડર કરી દેવાયું. અચાનક કોઇક ઇમર્જન્સી આવી પડતાં ગભરાટ સાથે યુવતી સોરી કહેતી ઉતાવળે જતી રહે.

પછી બિલ આવે તો રૂ. ૧.૩ લાખની રકમ જોઇને યુવાનના મોતિયા મરી જાય. પોતાની ધારણા કરતાં અનેકગણું બિલ આવ્યું. એ દલીલ કરે તો કાફેના સ્ટાફ કે બાઉન્સર્સ એને ધમકાવી નાખે. પેમેન્ટ તો કરના હી પડેગા. આ ફ્રોડમાં એકથી વધુ વ્યક્તિની સંડોવણી હોય જ દિલ્હીના કેસમાં કાફેના માલિક અને યુવતીની ધરપકડ થઇ.

જોકે મોટા ભાગના છેતરાયેલાઓ બદનામીના ડરે પોલીસ સુધી પહોંચતા જ નથી.

A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
અવિશ્ર્વાસ, શંકા અને ત્રણ ગણી ચકાસણી કરવી. પછી મામલો પડતો મૂકી દેવો અને એક ડગલુંય આગળ ન વધવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button