1993નાં મુંબઈ રમખાણોનો આરોપી 31 વર્ષ બાદ શિવડીથી ઝડપાયો
મુંબઈ: 1993નાં મુંબઈ રમખાણોમાં સંડોવાયેલા અને છેલ્લાં 31 વર્ષથી ફરાર આરોપીની આરએકે (રફી અહમદ કિડવાઇ) માર્ગ પોલીસે સોમવારે ધરપકડ કરી હતી.
આરએકે માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ શનિવારે શિવડી વિસ્તારમાંથી આરોપી સૈયદ નાદિરશાહ અબ્બાસ ખાન (65)ને ઝડપી પાડ્યો હતો.
ડિસેમ્બર, 1993માં બાબરી મસ્જિદના ધ્વંશ બાદ મુંબઈમાં ફાટી નીકળેલાં રમખાણો દરમિયાન ગેરકાયદે એકઠા થવા અને હત્યાના પ્રયાસના કેસમાં ખાનનું નામ આરોપી તરીકે હતું.
પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ તે ક્યારેય કોર્ટમાં હાજર રહ્યો નહોતો. આથી કોર્ટે તેને વોન્ટેડ આરોપી જાહેર કર્યો હતો અને તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.
પોલીસ ઘણી વાર આરોપી ખાનના શિવડીના નિવાસસ્થાને જઇ આવી હતી, પણ તે મળી આવતો નહોતો. પોલીસે આરોપીના સંબંધીઓના મોબાઇલ ફોનના રેકોર્ડ તપાસતાં આરોપીના ઠેકાણા વિશે માહિતી મળી હતી.
દરમિયાન આરોપી ખાન શનિવારે તેના નિવાસસ્થાને આવવાનો હોવાની માહિતી મળતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું અને તેને ઝડપી પાડ્યો હતો.