મેદાન પર રોનાલ્ડો રડ્યો અને સ્ટૅન્ડમાં બેઠેલાં તેના મમ્મી પણ રડી પડ્યાં…: જાણો કેમ આવું થયું
ફ્રૅન્કફર્ટ: ઇન્ટરનૅશનલ ફૂટબૉલ મૅચ ચાલતી હોય, પોર્ટુગલની ટીમ મેદાન પર હોય અને એનો કૅપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) પર સૌની નજર હોય અને એમાં કંઈક અણધાર્યું, અજુગતું ન બને તો જ નવાઈ લાગે. જર્મનીમાં ચાલતી યુરો-2024ની (Euro-2024) મૅચમાં સોમવારે એવું જ બન્યું. 57મા નંબરની સ્લોવેનિયાની ટીમ સામેની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં કટોકટીના સમયે રોનાલ્ડોથી પેનલ્ટી કિકમાં ગોલ ન થઈ શક્યો એટલે તે ખૂબ રડી પડ્યો હતો, બે હાથ જોડીને પોર્ટુગલ-તરફી 10,000 પ્રેક્ષકોની માફી માગવા લાગ્યો હતો, પ્રેક્ષકોએ તેને માફ પણ કરી દીધો હતો અને મુખ્ય મૅચ 0-0થી ડ્રૉમાં રહ્યા બાદ છેવટે પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલનો વિજય પણ થયો હતો, પરંતુ આ મૅચ અમુક ક્ષણો માટે હંમેશાં યાદ રખાશે. હવે પાંચમી જુલાઈએ પોર્ટુનલ અને ફ્રાન્સ વચ્ચે ક્વૉર્ટર ફાઇનલ રમાશે.
મુખ્ય મૅચમાં 90 મિનિટ પછીના લાંબા એક્સ્ટ્રા-ટાઇમમાં (કુલ 115મી મિનિટ દરમ્યાન) રોનાલ્ડો પેનલ્ટી-કિકમાં નિર્ણાયક ગોલ કરવામાં નિષ્ફળ રહેતાં જ ખુદ તે પોતાના પર ગુસ્સે થતાં અને પસ્તાવો થતાં ખૂબ રડી પડ્યો હતો, ત્યાં વીઆઇપી સ્ટૅન્ડમાં બેઠેલાં તેના મમ્મી પણ રડી રહેલા જોવા મળ્યા હતા. રોનાલ્ડો ઉદાસ હાલતમાં સ્ટૅન્ડમાં તેના મમ્મી સામે જોતો ઊભો હતો ત્યારે સાથી ખેલાડીઓએ તેને શાંત પાડ્યો હતો. રોનાલ્ડોથી આ ગોલ થયો હોત તો પોર્ટુગલ ત્યારે જ 1-0થી જીતી ગયું હતું. સ્લોવેનિયાના ગોલકીપર યૅન ઑબ્લૅકે ડાબી તરફ ડાઇવ મારીને રોનાલ્ડોની કિકમાં ગોલપોસ્ટના તળિયે કોર્નર તરફ આવેલો બૉલ અટકાવી લીધો હતો.
જોકે થોડી વાર બાદ પેનલ્ટી શૂટઆઉટ રાખવામાં આવ્યું હતું જેમાં રોનાલ્ડોએ એ જ સ્થાન પરથી પોર્ટુગલ માટે પહેલો ગોલ કરીને થોડી વાર પહેલાંની નિષ્ફળતાને ભુલાવવાની કોશિશ કરી હતી. પોર્ટુગલ 1-0થી આગળ થયું હતું.
આ પન વાચો : યુરો ફૂટબૉલ સ્પર્ધાના મેદાનો ફરતે સલામતી વધારાઈ, કારણકે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો…
સ્લોવેનિયાની ઉપરાઉપરી ત્રણ કિક નિષ્ફળ ગઈ હતી અને પોર્ટુગલે રોનાલ્ડો તેમ જ બ્રૂનો ફર્નાન્ડિઝ તથા બર્નાર્ન્ડો સિલ્વાની સફળ કિકની મદદથી 3-0થી વિજય મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો અને સ્લોવેનિયાની ટીમ જોરદાર લડત આપીને સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
રોનાલ્ડો 115મી મિનિટમાં પેનલ્ટી કિકમાં ગોલ ન થતાં રડી પડ્યો હતો, પણ પેનલ્ટી શૂટઆઉટમાં પોતાના ગોલની મદદથી પોર્ટુગલને 3-0થી વિજય અપાવવામાં સફળ થયો એટલે મૅચ પછી તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તેણે મૅચ બાદ કહ્યું, ‘ક્યારેક પેનલ્ટીમાં ગોલ કરવો કઠિન થઈ જાય છે. આખી કરીઅરમાં મેં 200થી પણ વધુ પેનલ્ટી કિકમાં ગોલ કર્યા છે, પરંતુ મેં કહ્યું એમ ક્યારેક ગરબડ થઈ જતી હોય છે.
39 વર્ષના રોનાલ્ડોની આ છેલ્લી યુરો ચૅમ્પિયનશિપ છે.
સોમવારે અન્ય એક પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ફ્રાન્સે બેલ્જિયમને 1-થી હરાવીને ક્વૉર્ટરમાં પ્રવેશ મેળવી લીધો હતો.
પાંચમી જુલાઈએ પોર્ટુગલ-ફ્રાન્સ ઉપરાંત સ્પેન-જર્મની વચ્ચે પણ ક્વૉર્ટર રમાશે. બીજા દિવસે ઇંગ્લૅન્ડ અને સ્વિટ્ઝરલૅન્ડ વચ્ચે ટક્કર થશે.