ટોપ ન્યૂઝનેશનલ

હાથરસમાં હાહાકારઃ ધાર્મિક કાર્યક્રમમાં થયેલી ભાગદોડમાં મૃતકોની સંખ્યા 100ને પાર

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ ખાતેના એક ગામના ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડને કારણે 100થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારની સાથે રાજકીય નેતાઓએ આ બનાવ અંગે પ્રતિક્રિયાઓ આપી હતી.

હાથરસના ગામમાં બનેલી ગોઝારી ઘટનાથી લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે, જ્યારે મૃતકોની સાથે સાથે પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં મોટી મુશ્કેલી પડી હતી. આસપાસના જિલ્લાના ડોક્ટરોને તાકીદે ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા, જ્યારે જરુરી મેડિકલ સ્ટોક પણ પૂરો પાડવામાં આવ્યા છે. આ બનાવના પડઘા સંસદમાં પણ પડ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું.

સવા લાખથી વધુ લોકો થયા એકઠા?
મળતી માહિતી અનુસાર હાથરસ સ્થિત ગામના સત્સંગના કાર્યક્રમમાં લગભગ 1,20,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અચાનક ભાગદોડ થઈ હતી. અચાનક લોકોએ કરેલી દોડાદોડમાં લોકો ચગદાઈ ગયા હતા. આ બનાવમાં મોટી જાનહાનિ થઈ છે, જ્યારે હજુ પણ મૃતકના આંકડા વધી શકે છે. 150થી વધુ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અચાનક ભીડમાં થઈ ગઈ ભાગદોડ
હાથરસના ફુલરાઈ ગામમાં ભોલે બાબાનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક ભીડમાં દોડાદોડી થઈ હતી. અહીંના કાર્યક્રમમાં લગભગ સવા લાખ લોકો પહોંચ્યા હતા. ભયંકર ગરમી સાથે લોકોમાં ભાગદોડને કારણે અમુક લોકો કચડાઈ ગયા હતા, જ્યારે ભીડમાંથી બહાર નીકળવા માટે લોકો જમીન પર પટકાયા હતા. આ બનાવમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કાર્યક્રમમાં સૌથી વધુ ભોગ બની મહિલાઓ
સરકારી હોસ્પિટલમાં ઘાયલ લોકોને ખસેડવામાં આવ્યા પછી પણ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી, જ્યાં સ્ટ્રેચર પણ ઓછા પડ્યા હતા. હોસ્પિટલમાં પણ રિઝર્વ બેડ રાખવાની અપીલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ મૃતકોની ઓળખ માટે લોકોએ દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. હાથરસ સ્થિત એક ગામમાં ભોલે બાબાના સત્સંગના કાર્યક્રમમાં અચાનક ભાગદોડ થઈ હતી, જેમાં 100થી વધુ લોકોનાં મોત થયા છે, જેમાં મહિલાઓ વધારે છે. ઉત્તર પ્રદેશ સરકારે પીડિતોનો તાકીદે મદદ કરવાના આદેશ આપ્યા છે.

કાર્યકરોને મદદ કરવાની રાહુલ ગાંધીની અપીલ
આ બનાવ અંગે સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું કે હાથરસ સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં થયેલી જાનહાનિના સમાચાર દુખદ ગણાવ્યા હતા, જ્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધનના નેતા અને કાર્યકરોને આ ઘટનામાં પીડિત પરિવારોને મદદ કરવાની પણ રાહુલ ગાંધીએ અપીલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button