આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે લાડકી બહેન યોજના માટે વય મર્યાદા વધારીને 65 વર્ષ કરી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે એવી જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટેની નાણાકીય સહાય યોજના મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનાની વય મર્યાદા વધારીને 65 વર્ષ કરવામાં આવી છે.
વિધાનસભામાં એક ચર્ચા દરમિયાન બોલતા મુખ્યપ્રધાને એવી પણ માહિતી આપી હતી કે જે મહિલાઓના પરિવારો પાસે સરકારી જમીન હોય તેમને સહાય ન મળી શકે એવી શરત દૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન’ યોજના માટે આદેશ જારી

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા રાજ્યના બજેટમાં જાહેર કરાયેલ આ યોજના હેઠળ 21-60 વય જૂથની પરિણીત, છૂટાછેડા લીધેલી અને નિરાધાર મહિલાઓને 1,500 રૂપિયાની માસિક સહાય મળશે.

શિંદેએ જણાવ્યું હતું કે લાભાર્થીઓની વય મર્યાદા અગાઉની 60ને બદલે 65 વર્ષ કરવામાં આવી છે, જ્યારે મહિલાઓ માટે પાત્રતા માપદંડમાં જેમના પરિવારો કૃષિલાયક જમીન ધરાવતી હોય તેમને રદ કરવામાં આવી છે.

શિંદેએ વિપક્ષ પર સરકાર વિરુદ્ધ ખોટા નિવેદનો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તમે લોકોને હંમેશા મૂર્ખ બનાવી શકતા નથી.

આ પણ વાંચો: ‘લાડકી બહેન’ યોજનાના લાભાર્થીઓનો કેન્દ્રો પર ધસારો, દલાલો દ્વારા ખુલ્લી લૂંટ

તેમણે લાભાર્થી મહિલાઓને આ યોજના માટે નોંધણી કરાવવા અધિકારીઓને લાંચ ન આપવાની અપીલ કરી હતી.
જો કોઈ તમારી પાસે પૈસા માંગે, તો તેની ફરિયાદ કરો અને સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરી નાખવામાં આવશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

લાડકી બહેન યોજનાની નોંધણી માટેની કટ-ઓફ તારીખ લંબાવો: ચવ્હાણ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મંગળવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકારની ‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના’ માટે નામોની નોંધણી માટેની કટ-ઓફ તારીખ 15 જુલાઈ રાખવામાં આવી છે તેને લંબાવવામાં આવે.
ચવ્હાણે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે રાજ્યના ઘણા ભાગોમાં અંધાધુંધી જેવી સ્થિતિ છે કારણ કે મહિલાઓ નોંધણી કેન્દ્રો પર ભીડ કરી રહી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એવી પણ માગણી કરી હતી કે અપરિણીત મહિલાઓ અને 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પાત્રતાના માપદંડમાંથી બાકાત ન રાખવા જોઈએ. પ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે આ યોજનાને સુવ્યવસ્થિત કરવા માટે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરવામાં આવશે જેથી મહિલાઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

અન્ય ઘણા વિધાનસભ્યોએ પાર્ટી લાઇનને અવગણીને પાત્રતા માટેના નિયમો અને શરતોને ઘટાડવાની માગણી કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે શુક્રવારે રાજ્યના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના માટેના સરકારી આદેશમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનાના લાભાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ અને લાભાર્થી મહિલા પાસે તેના નામે બેંક ખાતું હોવું જોઈએ, આધાર/રેશન કાર્ડ અને નિવાસસ્થાન હોવું જોઈએ.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button