આમચી મુંબઈમહારાષ્ટ્ર

MLC Election: મહાવિકાસ આઘાડીના પક્ષોની થશે જીતઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ ટીચર્સ અને ગ્રેજ્યુએટ્સ બેઠકની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે વિધાન પરિષદની ચૂંટણીના બીજા તબક્કાનો સમય છે અને આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (MVA)ના ત્રણેય ઉમેદવાર જીત હાંસલ કરશે, તેવો વિશ્વાસ ઉદ્ધવ ઠાકરેએ વ્યક્ત કર્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો મહાવિકાસ આઘાડીને જીતના વિશ્વાસ ન હોત તો ચૂંટણીમાં ત્રીજો ઉમેદવાર ઊભો ન કર્યો હતો. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીના ત્રણેય ઉમેદવારો વિજયી થશે. ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી(રાષ્ટ્રવાદી કોંગ્રેસ) અને કોંગ્રેસ આ ત્રણ મુખ્ય પક્ષ છે.

વિધાન પરિષદની 11 બેઠકો માટે 12 જુલાઇના રોજ ચૂંટણી યોજવામાં આવશે. 27 જુલાઇના રોજ વિધાન પરિષદના 11 સભ્યોની છ વર્ષની મુદત પૂરી થઇ રહી હોવાના કારણે આ ચૂંટણી યોજવામાં આવી રહી છે. ચૂંટણીની તૈયારીઓ માટે યોજાયેલી મહાવિકાસ આઘાડીના નેતાઓની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ઉદ્ધવે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી પ્રજ્ઞા સાતવ(કોંગ્રેસ), જયંત પાટીલ(પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી) અને મિલીંદ નાર્વેકર(ઉદ્ધવ ઠાકરેની શિવસેના) આ ત્રણ ઉમેદવારોને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે.

આ પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીના પરિણામ જાહેર: મુંબઈ અને કોંકણમાં કોણ જીત્યું?

ઉલ્લેખનીય છે કે હાલ મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે જેમાંથી 274 બેઠકો પર વિધાનસભ્યો છે જ્યારે 14 બેઠકો ખાલી છે. જીતનારા ઉમેદવાર માટેનો ક્વોટા હાલ 23 છે. ઉદ્ધવ ઠાકરેને જ્યારે પૂછવામાં આવ્યું કે સંખ્યાબળના હિસાબે તમે ફક્ત બે જ ઉમેદવારને જીતાડી શકો તેમ છો તો તેના જવાબમાં ઉદ્ધવે જણાવ્યું હતું કે જો અમને જીતવાનો વિશ્વાસ ન હોત તો અમે ત્રીજો ઉમેદવાર ઊભો ન કર્યો હોત.

ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદ માટે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપી દ્વારા રાજેશ વિટેકર અને શિવાજીરાવ ગરજેને ઉમેદવારી આપવામાં આવી છે. જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના દ્વારા ભૂતપૂર્વ સાંસદ કૃપાલ અને ભાવના ગવળીને ઉમેદવારી સોંપાઇ છે. બીજી બાજુ ભાજપે પંકજા મુંડે, અમિત ગોર્ખે, સદાભાઉ ખોત, યોગેશ તિલેકર અને પરિણય ફુકેને ઉમેદવારી આપી છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ પાંચમી જુલાઇ છે.

જો વિધાનસભામાં તાકાતની વાત કરીએ તો મહાયુતિમાં અજિત પવારની એનસીપી પાસે 41 વિધાનસભ્યો, એકનાથ શિંદેની શિવેસના પાસે 40 વિધાનસભ્યો, ભાજપ પાસે 103 અને કોંગ્રેસ પાસે 37 વિધાનસસભ્યો છે. મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ પાસે 37 વિધાનસભ્યો, ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે 13 અને શરદ પવારની એનસીપી પાસે 15 વિધાનસભ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button