રાહુલ દ્રવિડે રોહિત શર્માને કયા ફોન-કૉલ માટે થેન્ક્સ કહ્યું?
![Rahul Dravid thanked Rohit Sharma for which phone call?](/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-16.59.52_f96dc388-780x470.jpg)
બ્રિજટાઉન: રાહુલ દ્રવિડ ભારતનો બૅટિંગ-લેજન્ડ છે, પણ એકમાત્ર આ લેજન્ડરી ભારતીય ક્રિકેટર છે જેણે અગાઉ ખેલાડી તરીકે વર્લ્ડ કપની ટ્રોફીનો વિજય માણ્યો નહોતો. જોકે હવે હેડ-કોચ તરીકે તેને એ સુવર્ણ અવસર મળ્યો અને અનેરા ગૌરવનો હિસ્સેદાર પણ બન્યો.
દ્રવિડે ગયા વર્ષે નવેમ્બરમાં ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેની હાર પછી ટીમ ઇન્ડિયાને વધુ કોચિંગ ન આપવાનું અને ઇન્ટરનૅશનલ કોચિંગમાંથી નિવૃત્તિ લઈ લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ એક વળાંક એવો આવી ગયો જેમાં તેણે ભારતીય ટીમનો હેડ-કોચ બનવાનું ચાલુ રાખ્યું અને એવું અફલાતૂન કોચિંગ આપ્યું કે ભારતીય ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની ગઈ.
19મી નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપમાં ભારત રનર-અપ બન્યું એ સાથે તેણે બે વર્ષના કોચિંગને ગુડબાય કરી દીધી હતી, પણ થોડા દિવસ બાદ તેને રોહિત શર્માનો ફોન-કૉલ મળ્યો હતો જેમાં રોહિતે તેને ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બની રહેવાની વિનંતી કરી હતી.
ખુદ દ્રવિડે એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટને મુલાકાતમાં રોહિતના એ કૉલનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘રો, નવેમ્બરમાં મને પેલો કૉલ કરીને ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું ચાલુ રાખવાનું મને કહેવા બદલ થૅન્ક યુ.’
દ્રવિડે આ વાત બીસીસીઆઇ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કરી છે. એમાં દ્રવિડે વધુમાં કહ્યું, ‘ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડી સાથે કામ કરવાનો મને અવસર મળ્યો અને તેમની સાથે કામ કરવામાં મને ખૂબ મજા પણ આવી. રોહિતનો ખાસ આભાર માનું છું. આપણે ઘણી વાતે ચર્ચા કરી અને એકમેક સાથે સહમત પણ થયા. ક્યારેક આપણે એકબીજાની વાત પર સંમત નહોતા, પણ ફરી કહું છું કે થૅન્ક યુ સો વેરી મચ.’
દ્રવિડના કોચિંગમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતવાની પહેલાં 2023ના જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની રનર-અપની અને નવેમ્બરમાં વન-ડેના રનર-અપની ટ્રોફી મેળવી હતી.
આ પન વાચો : T20માંથી નિવૃત્તિ લીધા બાદ હવે શું કરશે રોહિત., વિરાટ
દ્રવિડના અનુગામી તરીકે હેડ-કોચ તરીકે ત્રણ નામ ચર્ચામાં છે જેમાં ગૌતમ ગંભીરનું નામ અગ્રેસર છે. ડબ્લ્યૂ.વી. રામનનું અને એક વિદેશી અરજીકર્તાનો પણ ઇન્ટરવ્યૂ લેવાઈ ચૂક્યો છે. જોકે આ અઠવાડિયે ઝિમ્બાબ્વેમાં ભારતની જે પાંચ મૅચની ટી-20 સિરીઝ રમાવાની છે એમાં ભારતીય ટીમના કોચ તરીકે વીવીએસ લક્ષ્મણ હરારે ગયો છે.