આમચી મુંબઈ

હિજાબ બાદ હવે મુંબઈની કોલેજમાં ટીશર્ટ પર પણ પ્રતિબંધ

મુંબઈના ચેમ્બરમાં એન જી આચાર્ય અને ડીકે મરાઠી કૉલેજમા હિજાબ બાદ હવે જીન્સ ટીશર્ટ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ જીન્સ અને ટીશર્ટ પહેરીને કોલેજ કેમ્પસમાં આવી શકશે નહીં. કોલેજે વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. અગાઉ જ્યારે કોલેજ પ્રશાસને હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે કોલેજની વિદ્યાર્થીનીઓએ આ નિર્ણય સામે મુંબઈ હાઇકોર્ટમાં અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી.

કોલેજના વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર કોલેજમાં ફાટેલા જીન્સ, ટીશર્ટ, ખુલ્લા કપડા અને જર્સી પહેરીને આવી શકાશે નહીં. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર લેલેના હસ્તાક્ષરમાં બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં યોગ્ય પોશાક પહેરવો જોઈએ. તેઓ હાફ અથવા ફુલ શર્ટ અને ટ્રાઉઝર પહેરી શકે છે.

કોલેજ એડમિનિસ્ટ્રેશન દ્વારા જારી કરવામાં આવેલા ડ્રેસ કોડ મુજબ ગર્લ સ્ટુડન્ટ કોઈપણ ભારતીય અથવા પશ્ચિમી પોશાક પહેરી શકે છે. વિદ્યાર્થીઓએ ધર્મ અથવા સાંસ્કૃતિક અસમાનતાને દર્શાવતો કોઈ પોશાક પહેરવો જોઈએ નહીં. આ ઉપરાંત ગર્લ સ્ટુડન્ટે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કોમન રૂમમાં તેમના નકાબ, હિજાબ, બુરખા, કેપ કે બિલ્લા વગેરે ઉતારવાના રહેશે અને ત્યારબાદ જ તેઓ કોલેજ કેમ્પસમાં ફરી શકશે.

આ મામલે કૉલેજના વિદ્યાર્થીઓનું શું કહેવું છે
કૉલેજના આવા ફતવા અંગે વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોલેજે હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો અને આ વર્ષે હવે કૉલેજે જીન્સ અને ટીશર્ટ પર પ્રતિબંધ મુક્યો છે. જીન્સ અને ટીશર્ટ ફક્ત કોલેજ જતા યુવાનો જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ ધર્મ કે લિંગને ધ્યાનમાં લીધા વિના પહેરે છે. કોલેજ આવા અવ્યવહારુ ડ્રેસ કોડ લાવીને વિદ્યાર્થીઓ પર કેવા પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કરી રહી છે તે સમજમાં આવતું નથી.


આ મામલે કૉલેજે કરી સ્પષ્ટતા
આ મામલે સ્પષ્ટતા કરતા કોલેજ વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને કોર્પોરેટ જગત માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ ડિસન્ટ કપડાં પહેરે. અમે કોઈ યુનિફોર્મ લાવ્યા નથી, પરંતુ તેમને શિષ્ટ કપડાં. પહેરવાનું કહ્યું છે જ્યારે તેઓ કોર્પોરેટ વર્લ્ડમાં નોકરી કરશે ત્યારે તેઓએ આવા ડિસન્ટ કપડાં જ પહેરવા પડશે. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર લેલેએ એમ પણ જણાવ્યું હતું કે એડમિશન સમયે જ વિદ્યાર્થીઓને ડ્રેસ કોડ વિશે જાણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ કોલેજમાં ભાગ્યે જ 120 કે 130 દિવસ હાજરી આપવાની હોય છે, તો તેમણે ડ્રેસ કોડ અંગે ચિંતા કરવાની જરૂર જ ના હોવી જોઈએ. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા અભદ્ર વર્તનના અનેક કિસ્સાઓને કારણે જ કોલેજ વહીવટી તંત્રને નવો ડ્રેસ કોડ લાવવો પડ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button