ભારતીય ન્યાયસંહિતાની જોગવાઇઓ હેઠળ પહેલો ગુનો ડી.બી. માર્ગ પોલીસમાં દાખલ
મુંબઈ: કાયદામાં વધુ કડક જોગવાઇઓ સાથે ભારતીય ન્યાયસંહિતા (બીએનએસ)નો 1 જુલાઇથી અમલ થતાં તેની જોગવાઇઓ હેઠળ સૌપ્રથમ કેસ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં લોન અપાવવાને બહાને 36 વર્ષના શખસ સાથે ઠગોએ રૂ. 76 હજારની છેતરપિંડી આચરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શહેરભરમાં નવા ફોજદારી કાયદાની જોગવાઇઓ હેઠળ શહેરભરમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 12 કેસ દાખલ કરવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યુંં હતું.
ગિરગામમાં રહેનારા દિલીપ સુબેદાર સિંહે ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિંહને અજાણ્યા શખસોએ 26 જૂનથી સોમવાર વહેલી સવાર દરમિયાન અનેક કૉલ કર્યા હતા અને ફાઇનાન્સ કંપનીમાંથી બોલી રહ્યા હોવાનું જણાવી લોનની ઓફર કરી હતી. વાસ્તવમાં આ કંપનીને તેમની સાથે કોઇ લેવાદેવા નથી. રવિવારે રાતે સિંહને ફરીથી ફોન આવ્યો હતો. લોન માટે તેને વિવિધ બેન્ક ખાતાંમાં પૈસા જમા કરવા જણાવ્યું હતું. સિંહે એ બેન્ક ખાતાંમાં રૂ. 76 હજાર જમા કર્યા હતા. જોકે બાદમાં પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો. નવા કાયદાની કડક અમલબજાવણી માટે પોલીસોને વ્યાપક તાલીમ અપાઇ છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુના સહિત કુલ ત્રણ નવા કાયદાનો અમલ કરાયો છે. (પીટીઆઇ)