તરોતાઝા

સદા આનંદમાં રહેવું છે?!

આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આત્માનો સહજ સ્વભાવ છે કે તેને સુખ જ ગમે છે, દુ:ખ નહિ. માટે આપણને હંમેશાં આનંદમાં રહેવું જ ગમે છે,છતાં સદા આનંદમાં કેમ રહી શકતા નથી?

-તો, વાત એમ છે કે આપણામાંથી મોટા ભાગનાને સદા આનંદમાં રહેવાની સાચી કળા જ આવડતી નથી. આજે આપણા માનસપટ પર પશ્ચિમી સંસ્કૃતિનો એટલો બધો પ્રભાવ વધી ગયો છે કે, સદા આનંદમાં રહેવાના સાચા રાજમાર્ગને ભૂલીને માત્ર બહારથી આનંદમાં રહેવાના આડંબરો કરીએ છીએ. આવી જીવનશૈલીના કારણે સમાજમાં બે પ્રકારના મનોવલણ વિશેષ જોવામાં આવે છે.

એક પ્રકારના લોકો એવા છે કે, જે અંદરથી ભય, ઈર્ષ્યા, હરીફાઈ, મૂંઝવણ, ટેન્શન અને ડિપ્રેશનમાં રહી બહારથી હું પરમ સુખી અને આનંદમાં જ છું’ તેવા અભિનયમાં જ જીવતા હોય છે. સમાજમાં સારા દેખાવા માટે મોટે ભાગે આપણે ડબલ રોલમાં જ જીવન વિતાવીએ છીએ. આવા ડબલ રોલ જીવનને કારણે આપણા વિચારો અને આપણું વર્તન એકબીજાથી તદ્દન ભિન્ન હોય છે તેથી લાંબા સમય સુધી આવી વિરોધાભાસ અવસ્થામાં જીવતા મગજ ત્રાસી જાય છે. અને તેને કારણે આપણે હંમેશાં સાચા આનંદથી દૂર રહીએ છીએ. વળી, આપણે આવું નાટકીય જીવન જીવવામાં જ વિવેક અને બુદ્ધિનું સાચું ફળ માનીએ છીએ.

બીજા પ્રકારના લોકો એવા છે કે, જેને પોતાના પ્રભાવમાં જ જીવવાની ટેવ હોય છે. આવા માણસો પણ ખૂબ જ ભયમાં જીવતા હોય છે. એમને સતત બે પ્રકારની ચિંતા રહ્યા કરતી હોય છે: (1) એમની પ્રતિષ્ઠા સમાજમાં ઓછી ન થાય અને (2) સહચરો-સહયોગીઓ એમનાથી આગળ નીકળી ન જાય. આવા માણસો પોતે બાંધેલી પોતાની ખોટી સામાજિક પ્રતિષ્ઠામાં જ જીવતા હોય છે. તેથી સમાજના અન્ય લોકો એમના પ્રત્યે શું વિચારતા હશે?

આવી ખોટી ચિંતામાં જ સતત જીવતા હોય છે. પોતાની નાની સમસ્યાઓ અંગે પણ નજીકના મિત્રો સાથે નિખાલસપણે ચર્ચા કરી શકતા નથી, તેથી એમની અંદર ચાલતી મૂંઝવણો મગજને ખૂબ જ બોજ આપે છે. આમ, એ એટલી હદ સુધી ભયમાં જીવતા હોય છે કે, અન્ય કોઈ એમનો આ ભય ઓળખાવે, તોપણ તે તેનો સ્વીકાર કરી શકતા નથી. અને હું આનંદમાં જ જીવું છું’ તેવું માનીને જ જિંદગી પસાર કરી નાખે છે.

આમ ભય, સ્ટે્રસ અને ડિપ્રેશનમાં જીવતા એવા આપણે નિરોગી કેવી રીતે રહી શકીએ? નિરોગી રહેવા માટે આનંદમાં રહેવું ખૂબ જ આવશ્યક છે. આજનું સાયન્સ પણ એ વાતનો પુરાવો આપે છે કે, જે વ્યક્તિ સદા આનંદમાં રહે છે તે જ લાંબા સમય સુધી સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. જ્યારે આપણે આનંદમાં રહીએ છીએ ત્યારે મગજમાંથી એન્ડોરફીન્સ તરીકે ઓળખાતા હોર્મોન્સ છૂટે છે. તે હોર્મોન્સ શરીરની પેરેસીમ્પેથેટીક સિસ્ટમને સક્રિય કરે છે, તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તે આપણા શરીરને નિરોગી રાખે છે માટે સદા આનંદમાં રહેવું એ જ સ્વસ્થ અને સુખમય જીવનનો પાયો છે.

હવે સવાલ એ છે કે સદા આનંદમાં રહેવું કેવી રીતે?
આજે લોકો લાફિગ કલબ, ડોક્ટરો અને મનોચિકિત્સકો પાસે જઈને આનંદમાં રહેવાના ઉપાયો શોધતા હોય છે; છતાં પણ એ બધા વાસ્તવિક અને કાયમી આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. પરમ હકીકત તો એ છે કે, આનંદ આ દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુમાં છે જ નહિ, સદા આનંદમાં રહેવાનું મૂળ તો સાચી સમજણ જ છે. આત્મજ્ઞાન અને પરમાત્માનું યથાર્થ માહાત્મ્ય જ્ઞાન સ્વીકારી પોતે પોતાને દેહથી અલગ આત્મા માની, અને તે પોતાના આત્મામાં જ પરમેશ્વર સદા બિરાજે છે એવું દૃઢ કરી તે પરમાત્માના આધારે જ જીવવું તે સાચી સમજણનું સ્વપ છે.

જેનાથી ક્યારેય દુ:ખી જ ના થઈએ તેવી સદા આનંદમાં રહેવાની સાચી સમજણ તો એ છે કે, જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં સદા 100% સવળું જ લેવું. સદા સવળું ત્યારે જ લીધું કહેવાય જ્યારે આપણી મુશ્કેલીઓ કે દુ:ખના જવાબદાર અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિને ન ઠરાવતા આપણે પોતે જ તેના જવાબદાર છીએ એમ સ્વીકારી દરેક પરિસ્થિતિમાં હકારાત્મક વિચાર કરી જીવવું, પરંતુ આમ સદૈવ સવળું લઈ જીવવું સહેલું નથી.

100% સવળું લઈ સદા આનંદમાં રહેવા માટે પ. પૂ. સદ્ગુ શ્રીજ્ઞાનજીવનદાસજીસ્વામી (કુંડળધામ)એ જીવનમાં અપનાવવાની ત્રણ ટેબ્લેટ બતાવી છે.

સદા આનંદમાં રહેવાની ત્રણ ટેબ્લેટ આ છે.
1) ભગવાન સર્વકર્તા છે.
આ દુનિયામાં જે કાંઈ થાય છે તેના કર્તા માત્ર એક ભગવાન જ છે. તે પોતે કરે છે, કોઈમાં રહીને કરાવે છે અથવા કરવા દે છે.

2) ભગવાન હિતકર્તા છે.
ભગવાન આ દુનિયાના કર્તા છે એટલું જ નહીં, એ જે કાંઈ કરે છે તે સદૈવ સહુનું હિત થાય તેમ જ કરે છે. એમના કર્તૃત્વમાં ક્યારેય પણ કોઈનું અહિત સમાયેલું નથી.

3) ભગવાન જે કરે છે તે મને માન્ય છે.
આ દુનિયામાં સર્વકર્તા પરમાત્મા દ્વારા જે કાંઈ થાય છે તે મને સ્વીકાર્ય છે. એટલે કે, હું તેમના કર્તૃત્વમાં ક્યારેય પણ વિરોધ નહિ કં અને બધું સ્વીકારીને આનંદમાં રહીશ.

આ ત્રણ ટેબ્લેટ જો જીવનમાં અપનાવીએ તો દુનિયાનું કોઈ પણ પરિબળ આપણને સદા આનંદમાં રહેવામાં ક્યારેય રોકી નહિ શકે. આપણે ખોટા ભય, સ્ટે્રસ અને ડિપ્રેશનથી પર ઊઠીને ભગવાનના આશરે સહેલાયથી જીવી શકીશું અને સદા આનંદમાં રહી શકીશું. સર્વોપરી, પરમસત્તા પરમાત્માના પરિપક્વ આશ્રય વિના સદા આનંદમાં રહી શકાતું નથી.
હા…! આ જ્ઞાન જીવનમાં અમલ કરવું મુશ્કેલ છે, પરંતુ અશક્ય તો નથી જ. સદા આનંદમાં રહેવાનો અંતે સાચો ઉપાય તો આ જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button