રૂપિયો નબળો પડતાં સોનામાં 39નો સુધારો, ચાંદીમાં 198નો ઘટાડો
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં ફુગાવાના ડેટા અપેક્ષાનુસાર સાધારણ ઘટાડાતરફી રહ્યા હોવાના અહેવાલ છતાં અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડમાં વધારો થતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે લંડન ખાતે સત્રના આરંભે રેટકટના આશાવાદે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.
જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો પડતાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્વ બજારથી વિપરીત સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 39નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 198 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 198 ઘટીને રૂ. 87,802ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં નરમાઈનું વલણ રહ્યું હતું.
તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવા છતાં આજે ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો પડતાં આયાત પડતર વધવાને કારણે ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 39નો સુધારો આવ્યો હતો અને સત્રના અંતે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 71,586 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 71,626ના મથાળે બંધ રહ્યા હતા.
ગત એપ્રિલ મહિનામાં અમેરિકામાં મે મહિનાના ફુગાવામાં 2.7 ટકાની વૃદ્ધિ થયા બાદ જૂન મહિનામાં 2.6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે બજારની અપેક્ષાનુસાર રહેતાં ફેડરલ રિઝર્વ આ વર્ષમાં સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાએ ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો, પરંતુ અમેરિકી ટે્રઝરની યિલ્ડ વધી આવતાં સોનામાં પીછેહઠ જોવા મળી હોવાનું આઈજી માર્કેટનાં સ્ટે્રટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે જો ડૉલર ઈન્ડેક્સ અને ટે્રઝરની યિલ્ડમાં મજબૂત વલણ રહે તો સોનાના ભાવ માટે આૈંસદીઠ 2280 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને 2200 ડૉલર સુધી પહોંચે તેમ જણાય છે.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 2327.50 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ 0.1 ટકા ઘટીને 2337.80 ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ આૈંસદીઠ 29.19 ડૉલર આસપાસ ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા.
આવતીકાલે ફેડરલ રિઝર્વનાં પ્રમુખ જૅરૉમ પૉવૅલનું વક્તવ્ય છે અને ત્યાર બાદ બુધવારે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની ગત જૂન મહિનાની નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સ પર સ્થિર થઈ છે, જેમાં ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાત અંગે કોઈ નિર્દેશ આપે છે કે નહીં તેનાં પર રોકાણકારોની નજર સ્થિર થઈ છે.
હાલમાં કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી ધીમી પડી છે, પરંતુ આગામી થોડા સમયગાળામાં ઊભરતા અર્થતંત્રોની સોનામાં લેવાલી નીકળતાં સોનાના ભાવને ટેકો મળતો રહેશે, એમ એએનઝેડ નાં વિશ્લેષકે એક નોટ્સમાં જણાવ્યું હતું.