આમચી મુંબઈ

પાંચ હજાર હાઉસિંગ પ્રોજેક્ટ પર તવાઈ

મહારેરાની ડેવલપરોને નોટિસ, રજિસ્ટે્રશન રદ થવાની સંભાવના

મુંબઈ: આ વર્ષે જાન્યુઆરીમાં નોંધવામાં આવેલા 388 પ્રોજેક્ટના રજિસ્ટે્રશન સ્થગિત કર્યા પછી ડિસેમ્બર 2022 સુધી રજિસ્ટે્રશન કાળ બાહ્ય થઈ ગયેલા પાંચ હજારથી વધુ હાઉસિંગ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર ગૃહ નિર્માણ નિયામક પ્રાધિકરણ (મહારેરા) દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. જો ડેવલપર તરફથી આ નોટિસનો સંતોષજનક ઉત્તર નહીં મળે અથવા મુદત વધારવામાં નહીં આવે એ પ્રોજેક્ટનું રજિસ્ટે્રશન કાં તો સ્થગિત કરવામાં આવશે અથવા રદ કરવામાં આવશે.
ડેવલપરો શિસ્ત જાળવી કામ કરે અને ખરીદદારોના હિત જળવાય એ માટે મહારેરાએ છેલ્લા કેટલાક મહિનામાં અનેક ઉપાયો કર્યા છે. કાળ બાહ્ય થઈ ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટ બાબતે મહારેરાએ અત્યાર સુધી આકરું વલણ નહોતું અપનાવ્યું. જોકે, સંબંધિત ડેવલપરો ગંભીર ન હોવાથી હવે મહારેરાએ રેરા કાયદાની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 7500થી વધુ પ્રોજેક્ટ કાળ બાહ્ય થઈ અધ્ધર લટકી રહ્યા છે. 2022 ડિસેમ્બર સુધીમાં આ પ્રોજેક્ટની સંખ્યા પાંચ હજારથી વધુ હતી. આ પ્રોજેક્ટના ડેવલપરોએ મુદત વધારવા માટે અરજી કરી નથી. કાળ બાહ્ય થયેલા સૌથી વધુ પ્રોજેક્ટ મુંબઈ મહાનગર પરિસરમાં છે અને એની પછીના ક્રમે પુણે, નાગપુર, નાશિક શહેરોનો નંબર લાગે છે. રાજ્યના કાળ બાહ્ય થયેલા ગૃહ નિર્માણ પ્રોજેક્ટની કિમત એક લાખ 13 હજાર કરોડની આસપાસ છે. એમાંથી આશરે ચાર લાખ ઘરનું નિર્માણ થવાની ગણતરી મુકવામાં આવી છે અને એમાંથી એક લાખ 63 હજાર ઘરનું વેચાણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટો પર અત્યાર સુધીમાં 68 હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ ચુક્યા છે. રખડી પડેલા કે કાળ બાહ્ય થયેલા પ્રોજેક્ટ ફરી ધમધમતા કરવા મહારેરાએ ભૂતપૂર્વ અતિરિક્ત પાલિકા આયુક્ત સંજય દેશમુખના નેતૃત્વ હેઠળ વિશેષ ગ્રૂપની સ્થાપના કરી છે.

એજન્ટ્સ પર નિયંત્રણો અને પોર્ટલ્સને છૂટ
મુંબઈ: રિયલ એસ્ટેટ એજન્ટ્સને પ્રશિક્ષણ અને પ્રમાણપત્રની શરતો લાગુ કરી અને ફ્લેટ્સ વેચતા અને ભાડે આપતા ઑનલાઇન પોર્ટલ્સ પર એવાં કોઈ શરતો કે બંધનો લાગુ કરાયાં નથી, એ બાબતે મહારેરા સામે ચણભણાટ શરૂ થયો છે. એક રાજ્યમાં એક વ્યવસાય કરતા બે ઘટકો માટેના નિયમોમાં અસમાનતા સામે લોકોએ પ્રશ્ન ઊભો કર્યો છે.
મહારેરાના વર્ષ 2023ની 10 જાન્યુઆરીના નિર્ણય પ્રમાણે રિયલ એસ્ટેટ એજન્ટ્સ માટે નવા રજિસ્ટે્રશન અને લાઈસન્સ રિન્યૂઅલ માટે પ્રશિક્ષણ બાદ પ્રમાણપત્રનું બંધન લાગુ કર્યું હતું. નવું રજિસ્ટે્રશન કરાવનારા માટે 1 મે પૂર્વે અને કાર્યરત એજન્ટો માટે 1 સપ્ટેમ્બરની મુદત હતી. એ મુદત લંબાવવામાં આવી છે. હવે લાઇસન્સ ધરાવતા એજન્ટ્સ તેમ જ ડેવલપર્સના સંબંધિત કર્મચારીઓ માટે એ પ્રમાણપત્ર વર્ષ 2014ની 1 જાન્યુઆરી પહેલાં વેબસાઇટ પર અપલોડ કરાવવું અનિવાર્ય છે. એમ ન કરવામાં આવે તો મહારેરા તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એસ્ટેટ એજન્ટ્સની કામગીરી ગ્રાહકો સાથે સીધો સંબંધ ધરાવતી હોવાથી વ્યવહારમાં પારદર્શકતા લાવવા માટે અમુક નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાનું મહારેરાના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. બીજી બાજુ કહેવાય છે કે ગ્રાહકોએ કયા પોર્ટલ્સ પસંદ કરવા અને તેના દ્વારા વ્યવહાર કરવો એ તેમની સમજ અને જવાબદારીનો વિષય બને છે, એવી દલીલ પણ કરવામાં આવે છે. એજન્ટોને રેરા કાયદાની મહત્ત્વની જોગવાઈઓ ઉપરાંત ડેવલપર-પ્રોજેક્ટની વિશ્વસનીય પ્રાથમિક માહિતી હોવી જરૂરી મનાય છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button