યુરોપના ત્રણ દેશ પૂર અને ભૂસ્ખલનના ખપ્પરમાંઃ 7 લોકોનાં મોત
બર્લિનઃ સ્વિટ્ઝર્લેન્ડ, ઉત્તર ઇટલી અને ફ્રાન્સમાં વાવાઝોડાને કારણે વ્યાપક પૂર અને ભૂસ્ખલનના અહેવાલો છે. જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હોવાનું સત્તાધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.
આલ્પ્સની દક્ષિણ બાજુએ ઇટાલિયન બોલતા ટિકિનો કેન્ટોન(રાજ્ય)માં મેગીઆ ખીણના ફોન્ટાના વિસ્તારમાં ભૂસ્ખલન બાદ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. દક્ષિણ અને પશ્ચિમ સ્વિટ્ઝર્લેન્ડમાં શનિવારે રાત્રે તોફાન અને ભારે વરસાદ પડ્યો હતો.
મેગીઆ નદીના કિનારે પડાવની જગ્યાઓ ખાલી કરાવવામાં આવી હતી અને નાના વિસ્લેટો રોડ બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. નજીકની લવિઝારા ખીણમાં એક વ્યક્તિ ગુમ થયો હતો. ઉત્તરમાં રોન નદીએ વેલાઇસ કેન્ટોનના કેટલાક વિસ્તારોમાં કાંઠા ધોઇ નાખ્યા હતા. હાઇવે અને રેલવે લાઇન પર પૂરના પાણી ફરી વળ્યા હતા.
આ પણ વાંચો : Japanએ અર્થ મોનિટરિંગ સેટેલાઈટ લોન્ચ કર્યો, North Korea અને ચીનની ગતિવિધીઓ પર રાખશે બાજ નજર
પોલીસે જણાવ્યું હતું કે રોનની દક્ષિણે ખીણોમાં ભારે વરસાદ પડ્યો હતો. તેમજ ગુમ થયેલા એક વ્યક્તિનો મૃતદેહ સાસ-ગ્રુન્ડના આલ્પાઇન રિસોર્ટની એક હોટેલમાંથી રવિવારે વહેલી સવારે મળી આવ્યો હતો. ઇટાલિયન સરહદ નજીક ઉપલા રોન ખીણમાં બિન્ન વિસ્તારમાં શનિવાર સાંજથી અન્ય એક વ્યક્તિ ગુમ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઇટલીના વિવિધ પ્રદેશોને પણ પૂર, વાવાઝોડા અને ભૂસ્ખલને પ્રભાવિત કર્યા છે. અગ્નિશામકોએ જણાવ્યું હતું કે તેઓએ લગભગ ૮૦ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉત્તરી પીડમોન્ટ ક્ષેત્રમાં ડઝનેક લોકોને બહાર કાઢ્યા હતા. વેલે ડીઓસ્તા ક્ષેત્રમાં ધસમસતા પ્રવાહો, તોફાનો અને ભૂસ્ખલનને કારણે કેટલાક ગામો વિખૂટા પડી ગયા હતા. આ ઉપરાંત, ફ્રાન્સમાં વાતાવરણમાં આવેલા પલટાનો ભોગ સ્થાનિક લોકો બન્યા છે. જરુરિયાતમંદ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
2000ના વર્ષમાં 13 લોકોનાં મોત થયા હતા, જ્યારે યુરોપના વાતાવરણમાં આવેલા અચાનક પલટા માટે ક્લાયમેટ ચેન્જનું પરિબળ જવાબદાર છે. નિરંતર માનવીય પ્રવૃત્તિનું કારણ જવાબદાર છે. અહીં એ જણાવવાનું કે યુરોપિયન ફૂટબોલ ચેમ્પ્યિનશિપમાં પણ અવરોધ ઊભો થયો હતો, જેમાં જર્મની અને ડેનમાર્ક વચ્ચેની મેચ ભારે વરસાદ અને લાઈટિંગને કારણે લગભગ અડધો કલાક સુધી વિક્ષેપ પડ્યો હતો.