જીવનમાં અકલ્પ્ય દુ:ખ આવી પડે ત્યારે શું કરી શકાય?
મોટા ભાગના માણસો નાનીનાની મુશ્કેલી વખતે રોદણાં રડતાં હોય છે. એનાથી વિપરીત રીતે કેટલીક વ્યક્તિઓ મૃત્યુ નિશ્ર્ચિત હોય ત્યારે પણ હસતાં-હસતાં જીવી જતી હોય છે
સુખનો પાસવર્ડ – આશુ પટેલ
એક પરિચિતને થોડા સમય અગાઉ મળવાનું થયું ત્યારે તેમણે તેમની હૈયાવરાળ મારા સમક્ષ ઠાલવી. તે પરિચિતે મને કહ્યું કે “મારા કુટુંબે મને પડતો મૂકી દીધો છે. મારા ભાઈ-બહેનો એક થઈ ગયા છે અને એકલો પાડી દીધો છે. મારા સગાં ભત્રીજાનાં લગ્ન હતાં, પણ મારા મોટા ભાઈએ મને આમંત્રણ મોકલાવ્યું નહીં. મેં સગાંવહાલાંઓ દ્વારા તેમને કહેવડાવ્યું કે તમે મને લગ્નમાં નહીં બોલાવો તો મારું પણ ખરાબ લાગશે અને તમારું પણ ખરાબ લાગશે, પરંતુ એમ છતાં તેમણે મને આમંત્રણ મોકલાવ્યું નહીં અને સમાજમાં મારું ખૂબ જ ખરાબ દેખાયું. મને ડર લાગે છે કે કાલે સવારે મારે મારાં દીકરા-દીકરીનાં લગ્ન કરવાં પડશે એ વખતે મને એ વાત નડશે કે મારાં ભાઈ-બહેનો મારી સાથે નથી બોલતાં, પણ હવે હું મારા ભાઈ-બહેનોને મારા સંતાનોના લગ્નમાં નહીં બોલાવું. અત્યારે મને આત્મહત્યાના વિચારો આવી રહ્યા છે કે મારી સાથે મારા ભાઈ-બહેનોએ આવું કર્યું.
તે પરિચિત વ્યક્તિને તેના ભાઈબહેનો સાથે શું તકલીફ થઈ હશે, તેમનાં સંબંધોમાં શા માટે કડવાશ આવી હશે એ વિશે મને કશી ખબર નહોતી, પરંતુ મેં તેમને કહ્યું કે “ભાઈબહેનો પડતા મૂકી દે તો દુનિયાનો અંત નથી આવી જતો. માત્ર એ વાતને કારણે આત્મહત્યાના વિચારો કરવા એ બહુ ખરાબ કહેવાય.
તે પરિચિત થોડા અકળાઈ “ઉઠ્યા તેમણે કહ્યું કે તમે મારી જગ્યાએ હો તો તમને ખબર પડે કે મારા પર કેવું દુખ આવી પડ્યું છે.
તે મિત્રની વાતો સાંભળીને મને તેમના પર દયા આવી ગઈ. આપણે નાની-નાની વાતોને બહુ મોટી બનાવી દેતા હોઈએ છીએ. વર્ષો અગાઉ મેં એક આઈએએસ ઓફિસર વિશે આ કોલમમાં જ લખ્યું હતું. તેના કુટુંબે કારમો સંઘર્ષ કરવો પડ્યો હતો. ગરીબીને કારણે તેના પિતાએ નાછૂટકે પોતાની પત્ની અને દીકરી (એટેલે કે તે આઈએએસ યુવાનની માતા અને બહેનને) મોસાળમાં મોકલી દેવાં પડ્યાં હતાં. એ પછી તે બાપ-દીકરો તેમના નાનકડા ખેતરમાં એક નાનકડું કાચું મકાન બનાવીને એમાં રહેતા હતા અને જાતે રસોઈ બનાવીને ખાતા હતા. તેમણે શૌચક્રિયા માટે પણ ખેતરોમાં જવું પડતું હતું. તે આઈએએસ ઓફિસરે કહ્યું હતું કે “ઘણી વાર મને એવા શબ્દો સાંભળવા મળે છે કે તમારે તો ઘણા દુ:ખ સહન કરવા પડ્યા છે. ત્યારે હું કહું છું કે મારે દુ:ખ સહન નથી કરવા પડ્યા. હા, મેં સંઘર્ષ કર્યો છે. તેમણે બહુ સરસ વાત કરી હતી કે સંઘર્ષ કરવો પડે એ જુદી વાત છે અને દુ:ખ આવી પડવા એ જુદી વાત છે. આપણી કોઈ વ્યક્તિનું અસાધ્ય રોગથી કે અન્ય કોઈ કારણે અકાળે મૃત્યુ થાય તો એ દુ:ખ છે, પરંતુ આપણા પર આર્થિક તકલીફો આવે કે આપણી પાસે ખાવા માટે પૈસા ન હોય તો એના માટે દોડવું પડે એ સંઘર્ષ છે.
મોટા ભાગના માણસોને સંઘર્ષ કરવો પડે તો પણ તેઓ વિચલિત થઈ જતાં હોય છે એની સામે એવી કેટલીક વ્યક્તિઓ એવી જોવા મળતી હોય છે કે જેમના પર દુ:ખ આવી પડે ત્યારે પણ તેના ચહેરા પર સ્મિત ફરકતું રહે છે.
હમણાં મને અચાનક મારા પાડોશી મિત્ર મનોજ પંચાલનાં મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. કારણ કે જીવનના અંત સુધી મનોજભાઈ હૃદયપૂર્વક ‘જીવતા’ રહ્યા હતા. તેઓ નિયમિત રીતે ફેસબુક પર સક્રિય રહેતા હતા. તેમનાં મૃત્યુના થોડા દિવસો અગાઉ સુધી વોટ્સએપ પર પણ તેઓ મારા સંપર્કમાં હતા. મારા વિશે ગુજરાતના એક અખબારમાં ન્યુઝ આવ્યા તો તેમણે ઉત્સાહભેર એ અખબારની ડિજિટલ એડિશનમાંથી એ ન્યુઝનું પાનું કાઢીને મને મોકલ્યું હતું અને એક ઉમળકાભર્યો મેસેજ મોકલ્યો હતો. એ પછી વળી મારી કોઈ પોસ્ટના સંદર્ભમાં તેમણે મને મેસેજ કર્યો હતો અને ઉમળકાભેર મારી સાથે વોટ્સએપ પર ચેટ કરી હતી.
તેમને કોઈ બીમારી હતી એ વિશે મને થોડો ખ્યાલ હતો, પરંતુ તેમણે ક્યારેય એ વિષે વાત કરી નહોતી. તેમનું મૃત્યુ થયું એ સમાચાર મળ્યા ત્યારે મને ખબર પડી કે તેમને કેન્સર હતું અને એ પણ લાસ્ટ સ્ટેજમાં! અને છતાં પણ તેઓ ક્યારેક સોસાયટીમાં મળી જાય ત્યારે તેમના ચહેરા પર સ્મિત જોવા મળતું. જ્ન્માષ્ટમીના તહેવારની ઉજવણીમાં પણ તેમણે બધાની સાથે ઉમળકાભેર ભાગ લીધો હતો.
હું તો હમણાં વિદેશ પ્રવાસે હતો અને પછી સતત ગુજરાતના પ્રવાસે હતો એટલે મને એક સાથે ઘણી વાતોની ખબર પડી. પરંતુ મને તેમના કુટુંબ માટે પણ માન થયું. થોડા સમય અગાઉ અચાનક તેમની તબિયત લથડી હતી ત્યારે તેમના યુવાન પુત્ર-પુત્રીએ બહુ મક્કમ રહીને સ્વસ્થતા જાળવીને તેમને હોસ્પિટલમાં પહોંચાડયા હતા.
કુટુંબના મોભીને અસાધ્ય રોગ થાય એ દુ:ખ છે, પરંતુ એમ છતાં સ્વસ્થ રહીને તેમની સારવાર કરવી એ અઘરું કામ છે. અને પોતાને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને દવાઓ કારગત ન નીવડતી હોય એવી સ્થિતિમાં હસતા રહેવું એ બહુ મોટી વાત છે.
મનોજભાઈનાં મૃત્યુ વિશે ખબર પડી એટલે મને આંચકો લાગ્યો અને એ સમાચાર પચાવતા સમય લાગ્યો, પરંતુ તેમના માટે માન પણ થયું કે કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હોવા છતાંય તેમણે જીવવાનું છોડ્યું નહોતું કે ક્યારેય એ વિષે તેમને રોદણાં રડતાં જોયા નહોતા.
આવું જ ‘મુંબઈ સમાચાર’માં વરિષ્ઠ પત્રકાર તરીકે ફરજ બજાવી ચૂકેલા વિદ્વાન વડીલ મિત્ર ડોક્ટર કિશોર દવેના કિસ્સામાં પણ બન્યું હતું. એક વાર અમે વહેલી સવારે અચાનક રસ્તા પર મળી ગયા અને ઘણી બધી વાતો કરી. ધોરાજીમાં રહેતા અમારા એક કોમન ફ્રેન્ડને યાદ કર્યા અને તેમને કોલ પણ કર્યો. તેમના ચહેરા પર હંમેશાં જોવા મળતું ચિરપરિચિત હાસ્ય ફરકતું હતું.
કિશોરભાઈ સાથે એ ઉમળકાભરી મુલાકાતના બે મહિના જેટલા સમય બાદ એક દિવસ અચાનક તેમનાં મૃત્યુ વિષે સમાચાર મળ્યા એટલે મને આંચકો લાગ્યો હતો. ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે સાથે કિશોરભાઈ વિષે વાત થઈ ત્યારે તેમણે મને કહ્યું કે કિશોરભાઈને કેન્સર છે એવું નિદાન થયું હતું, પણ તેમણે એ વાત સ્વીકારી લીધી હતી અને બહુ ઓછી વ્યક્તિઓને એ વિષે ખબર હતી.
દોસ્તો, જીવનની જેટલી ક્ષણો બાકી છે એટલી ક્ષણો હું દિલથી જીવીશ એ સ્પિરિટ સાથે શો મસ્ટ ગો ઓન’ શબ્દોને યથાર્થ સાબિત કરીને જીવતા રહેવું એ બહુ મોટી વાત છે.
સંસારમાં અસાધ્ય રોગ અને મૃત્યુથી મોટું કોઈ દુ:ખ નથી. અને એવી સ્થિતિમાં પણ કેટલીય વ્યક્તિઓ હસી શકતી હોય છે. એની સામે કુટુંબના સભ્યોના કડવા શબ્દોથી કે અપ્રિય પગલાં જેવી વાતને કારણે કોઈ વ્યક્તિ આત્મહત્યાના વિચારો કરવા લાગે અથવા તો ખરેખર જીવન ટૂંકાવી લે એવી ઘટનાઓ પણ સમયાંતરે બનતી રહે છે.
મોટા ભાગના માણસો નાનીનાની મુશ્કેલી વખતે રોદણાં રડતાં હોય છે. એનાથી વિપરીત રીતે કેટલીક વ્યક્તિઓ મૃત્યુ નિશ્ર્ચિત હોય ત્યારે પણ હસતાં-હસતાં જીવી જતી હોય છે. સામાન્ય તકલીફો આવે ત્યારે ભાંગી પડતા માણસોએ આવી વ્યક્તિઓની વાતો યાદ કરવી જોઈએ.