સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટેસ્ટ-વિજયની હૅટ-ટ્રિક: રેકૉર્ડ-બ્રેક મૅચ આસાનીથી જીતી લીધી

ચેન્નઈ: ક્રિકેટમાં ભારત અને સાઉથ આફ્રિકા આમનેસામને આવવાની જાણે મોસમ ચાલે છે. શનિવારે મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માના સુકાનમાં ટીમ ઇન્ડિયાએ એઇડન માર્કરમની ટીમને ફાઇનલમાં સાત રનથી હરાવીને બીજી વાર આ ટાઇટલ જીતી લીધું ત્યાર બાદ સોમવારે ચેન્નઈમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમે લૉરા વૉલ્વાર્ટની સાઉથ આફ્રિકન ટીમને એકમાત્ર ટેસ્ટમાં ચોથા અને છેલ્લા દિવસે 10 વિકેટે હરાવી દીધી હતી. છેલ્લા આઠ મહિનામાં ભારતીય વિમેન્સ ટીમ ત્રણ ટેસ્ટ રમી અને ત્રણેય ટેસ્ટમાં વિજય મેળવ્યો. ભારતીય વિમેન્સ ટીમ માટે આ હૅટ-ટ્રિક મોટી સિદ્ધિ સમાન છે.

ડિસેમ્બર, 2023માં ભારતે નવી મુંબઈમાં ઇંગ્લૅન્ડને 347 રનથી અને એ જ મહિનામાં વાનખેડેમાં ઑસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવ્યું હતું. હવે ભારતે સાઉથ આફ્રિકાને 10 વિકેટે પરાજિત કર્યું છે.

આ પણ વાંચો: મહિલા ટેસ્ટમાં હાઈએસ્ટ ટીમ-ટોટલ હવે ભારતના નામે, જાણો કેટલું અને કોનો વિક્રમ તૂટ્યો…

સાઉથ આફ્રિકાની મહિલા ટીમે ફૉલો-ઑન બાદ બીજા દાવમાં ભારતીય ટીમને જોરદાર લડત આપી હતી જેને કારણે ભારતને એક દાવથી વિજય નહોતો મળી શક્યો.

પહેલા દાવમાં ભારતે છ વિકેટે 603 રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો ત્યાર પછી સાઉથ આફ્રિકાની ટીમ 266 રન બનાવી શક્તા ભારતને 337 રનની લીડ મળી હતી. ભારતીય ઑફ-સ્પિનર સ્નેહ રાણાએ આઠ વિકેટ લઈને નવો રેકૉર્ડ રચ્યો હતો. ફૉલો-ઑન પછીના બીજા દાવમાં પ્રવાસી ટીમને 337 રનની અંદર જ ઑલઆઉટ કરીને એક ઇનિંગ્સથી જીતવા ભારતીય બોલર્સે કોઈ કસર બાકી નહોતી રાખી, પરંતુ ખુદ કૅપ્ટન વૉલ્વાર્ટ (122 રન) અને સુન લુસ (109 રન)ની તેમ જ નેડિન ડિક્લાર્ક (209 મિનિટમાં 185 બૉલમાં 61 રન)ની ધૈર્યપૂર્વકની હાફ સેન્ચુરીને કારણે ભારતનો વિજય લંબાયો હતો.
દીપ્તિ શર્મા, સ્નેહ રાણા અને રાજેશ્ર્વરી ગાયકવાડે બે-બે વિકેટ તેમ જ પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત અને શેફાલી વર્માએ એક-એક વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકાની ટીમ 373 રને ઑલઆઉટ થતાં ભારતને માત્ર 37 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને ઓપનર્સ શેફાલી વર્મા (24 અણનમ) તથા શુભા સતીશ (13 અણનમ)ની જોડીએ 9.2 ઓવરમાં વિજયી-ટાર્ગેટ મેળવી લીધો હતો.

આ પણ વાંચો: શેફાલી વર્માનો વર્લ્ડ રેકૉર્ડ, મિતાલી-સ્મૃતિ ન કરી શક્યા એ કામ 20 વર્ષની ઓપનરે પાંચમી જ ટેસ્ટમાં કરી દેખાડ્યુ !

પહેલા દાવમાં ભારતે અનેક મોટા વિક્રમો કર્યા હતા. શેફાલી વર્મા 194 બૉલમાં 200 રન પૂરા કરનાર વિશ્ર્વની ફાસ્ટેસ્ટ ટેસ્ટ ડબલ સેન્ચુરિયન બની હતી. ભારત મહિલા ટેસ્ટ-ક્રિકેટના એક દાવમાં 600 રન બનાવનાર પ્રથમ દેશ પણ બન્યો હતો તેમ જ શેફાલી અને સ્મૃતિ મંધાના વચ્ચેની 292 રનની ઓપનિંગ પાર્ટનરશિપ પણ વિક્રમજનક હતી.

આખી મૅચમાં કુલ 10 વિકેટ લેનાર સ્પિનર સ્નેહ રાણાને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. તેણે બીજા દાવમાં આઠ વિકેટ લીધી હતી અને એ સાથે ટેસ્ટના એક દાવમાં આઠ વિકેટ લેનાર નીતુ ડેવિડ પછીની બીજી ભારતીય બોલર બની હતી. નીતુ 1995માં ઇંગ્લૅન્ડ સામે એક દાવમાં આઠ વિકેટ લીધી હતી. નીતુ હાલમાં ભારતીય મહિલા ક્રિકેટર્સ માટેની ચીફ સિલેક્ટર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button