વેપાર

અંદાજપત્રની અટકળો અને મેઘરાજાના આગમનની આશા વચ્ચે બજાર ઝૂલતું રહેશે

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઈ: કેન્દ્રિય અંદાજપત્રની સૌ પ્રતિક્ષા કરી રહ્યાં છે કારણ કે તેના પરથી સરકારના વલણ અને વિદેશી ફંડોની ચાલનો અંદાજ મળી શકશે. આ તરફ મોસમના મિજાજ પર પણ ઘણો આધાર છે. આખલો ચાતકની જેમ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યો છે અને આખા અર્થતંત્રનું ભારણ મેઘરાજ પર છે. વરસાદની અસંતુલિત વ્હેચણી અને ખેંચ ફુગાવો વકરાવશે અને અર્થતંત્રની ગાડીને બ્રેક મારશે એવી આશંકા પણ સેવાઇ રહી છે.

ખાસ કરીને ફુગાવાની ચિંતાને કારણેે વૈશ્ર્વિક બજારના મિશ્ર સંકેતો છતાં ભારતીય બેન્ચમાર્ક શેરઆંકોએ આ સપ્તાહે લગભગ રોજ નવા શિખર સર કરવા સાથે નોંધપાત્ર સુધારો પણ નોંધાવ્યો હતો. બજારોએ પ્રવર્તમાન અપટ્રેન્ડને ચાલુ રાખીને આ અઠવાડિયે બે ટકાથી વધુનો જમ્પ નોંધાવીને બે સપ્તાહના કોન્સોલિડેશનનો તબક્કો પૂરો કર્યો છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મજબૂત ખરીદી અથવા વેચાણ ટ્રિગર્સની ગેરહાજરીને કારણે આ સપ્તાહે બજાર સાઇડ લાઇન ટ્રેડ સાથે અથડાતો રહેવાની ધારણા છે. આ સપ્તાહે મુખ્ય પરિબળોમાં ચોમાસાની પ્રગતિનો મુખ્ય સ્થાને સમાવેશ થાય છે, જે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નજીકના ગાળાની ગંભીર અસર નોંધાવી શકે છે.

આગામી જીએસટી મીટિંગના પરિણામે અમુક ક્ષેત્રોમાં રેટીંગમાં ફેરફાર થઈ શકે છે, જે સંભવિતપણે બજારની દિશાને પ્રભાવિત કરી શકે છે. રોકાણકારો એફઆઇઆઇ અને ડીઆઇઆઇ ફંડ ફ્લો તેમજ ક્રૂડ ઓઈલના ભાવો પર પણ ચાંપતી નજર રાખશે.

વૈશ્ર્વિક મોરચે, યુએસ બેરોજગારીના દાવાઓમાં વધારો અને નબળા હાઉસિંગ ડેટાને કારણે સપ્ટેમ્બરમાં દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વધી છે. આ સપ્તાહ માટે, યુએસ અને ભારતીય મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા અને ફેડરલના અધ્યક્ષના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ અઠવાડિયે ઇકોનોમિક ડેટા પોઈન્ટ્સ રિલીઝ થવાથી માર્કેટમાં થોડી વોલેટિલિટી રહેશે. ઓટો જેવા સેક્ટર લાઇમલાઇટમાંં રહેવાની ધારણા છે, કારણ કે ઓઇએમ તેમના માસિક ઓટો સેલ્સ ડેટા જાહેર કરશે.

બજેટ સંબંધિત અટકળો વચ્ચે સેક્ટર-વિશિષ્ટ હિલચાલ અપેક્ષિત છે. જ્યારે અંતર્ગત સેન્ટિમેન્ટ બુલિશ રહે છે, ત્યારે ઘટાડો તકવાદી ખરીદીને આકર્ષી શકે છે, જે બજારને ટેકો આપી શકે છે, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું. જો કે, પ્રોફિટ બુકિંગ મજબૂત રેલીને મર્યાદિત બનાવી શકે છે, એવી આશંકા પણ નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.

વિશ્ર્વબજારમાં એકંદરે નરમાઇનો ટોન રહ્યો હોવા છતાં ભારતીય શેરબજારે સતત ચોથા દિવસે આગેકૂચ જાળવી રાખતાં ગુરુવારે નવી લાઇફટાઇમ ઊંચી સપાટી નોંધાવી હતી. સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત ૭૯,૦૦૦ની સપાટી અને નિફ્ટીએ ૨૩ સત્રમાં ૨૪,૦૦૦નું શિખર સર કર્યું છે. માર્કેટ કેપ પણ રૂ. ૪૩૮.૪૧ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું.

જોકે, સપ્તાહના અંતિમ સત્રમાં, બેન્ચમાર્ક ઇન્ડેક્સ અસ્થિરતા વચ્ચે નીચા સ્તરે બંધ થયા હતા. બંધ સમયે, સેન્સેક્સ ૨૧૦.૪૫ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકા ઘટીને ૭૯,૦૩૨.૭૩ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૩૩.૯૦ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા ઘટીને ૨૪,૦૧૦.૬૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

ટેક્નિકલ અનાલિસ્ટ માને છે કે, વ્યાપક બજારના ઇન્ડેકસમાં એકત્રીકરણનો તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, રોકાણકારોએ સાવચેતીપૂર્વક સ્ટોક પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઘટાડે લેવાલીની તકો શોધવી જોઇએ.

બજારના સહભાગીઓ જૂન માટેના માસિક ઓટો સેલ્સ ડેટા પર પણ નજર રાખશે, જે પહેલી જુલાઈના રોજ જાહેર થશે. જૂન માટે મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ૧ જુલાઈના રોજ, જૂન મહિના માટેનો એચએસબીસી સર્વિસિસ અને કમ્પોઝિટ પીએમઆઇ ઇન્ડેક્સ ત્રીજી જુલાઈના રોજ જાહેર થશે. પાંચમી જુલાઈના રોજ ૨૮ જૂને પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણ અનામતનો ટેડા જાહેર થશે.

આ ઉપરાંત ફંડરલ મિનિટ્સ, યુએસ જોબ્સ ડેટા અને ફેડરલના ચેરમેનની સ્પીચ પર બજારની નજર રહેશે. ફેડરલની મિનિટ પણ ત્રીજી જુલાઈના રોજ જાહેર થશે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલનું મંગળવાર, જુલાઈ ૨, ૨૦૨૪ના રોજનું આગામી ભાષણ બજારોને પ્રભાવિત કરશે તેવી ધારણા છે.

આગામી સપ્તાહે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની પ્રવૃત્તિ પર પણ નજર રાખવામાં આવશે, જોકે એફઆઇઆઇ આઉટફ્લોની ભરપાઈ પાછલા સપ્તાહની તુલનામાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) દ્વારા સતત, મજબૂત ખરીદી દ્વારા કરવામાં આવી છે, રોકડ સેગમેન્ટમાં એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી રૂ. ૧૪,૭૦૪ કરોડની રહી હતી, જ્યારે ડીઆઈઆઈએ પ્રારંભિક ડેટા અનુસાર રૂ. ૨૦,૭૯૬ કરોડના શેરની ખરીદી કરી હતી.ચોખ્ખી લેવાલી નોંધાવી હતી. કેન્દ્રિય અંદાજપત્ર અને જેપી મોર્ગનના બોન્ડ ઇન્ડેક્સમાં ભારતના સમાવેશ પહેલા, વિદેશી ફંડોએ જૂનમાં આશરે રૂ. ૨૬,૫૬૫ કરોડના મૂલ્યના ભારતીય શેરો ખરીદ્યા હતા, જે ચૂંટણી પછી સતત સુધારાની અપેક્ષાઓથી પ્રેરિત હતા. વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે, જીડીપી વૃદ્ધિની આગાહી અને ભારતીય કંપનીઓની મજબૂત કમાણીના કારણે એફઆઇઆઇનું આ નવેસરનું આકર્ષણ જોવા મળ્યું છે.

અમેરિકન બોન્ડ યીલ્ડમાં કોઈ તીવ્ર વધારો ન થાય તો વિદેશી ફંડોની લેવાલી ટકી શકે છે. અત્યાર સુધીના વર્ષમાં, વિદેશી ફંડોએ રૂ. ૧,૨૯,૦૪૬ કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તે જ સમયે રૂ. ૨૩૬,૩૨૫ કરોડના શેર ખરીદ્યા છે.

પ્રાથમિક બજાર વધુ એક અસાધારણ સપ્તાહ માટે સજ્જ થઇ રહ્યું છે કારણ કે ત્રણ કંપનીઓ રૂ. ૨,૭૦૦ કરોડથી વધુ એકત્ર કરવા માટે તેમના પ્રારંભિક જાહેર ભરણાં (આઇપીઓ) મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ અઠવાડિયે, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયર મેઈનબોર્ડ પર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. વધુમાં, એમબી લેબ પાસે તેનો એસએમઇ આઇપીઓ લાવશેે. આ ત્રણ જાહેર ઓફરો ઉપરાંત, બજાર એલાઈડ બ્લેન્ડર્સ અને વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ સહિત ૧૧ જેટલાં લિસ્ટિંગ જોશે, જે બંનેને તેમના તાજેતરના આઇપીઓમાં રોકાણકારોનો મજબૂત ટેકો મળ્યો છે.

ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે, પાછલા ચાર સત્રોમાં સતત તેજીની ચાલ દર્શાવ્યા બાદ, નિફ્ટી શુક્રવારે નવી ઊંચાઈથી નજીવા પ્રોફિટ બુકિંગમાં સરકી ગયો હતો. દૈનિક ચાર્ટ પર સ્મોલા અપર શેડો સાથે એક સ્મોલ નેગેટિવ કેન્ડલની રચના જોવા મળી છે. આ રચના એવી સંકેત આપે છે કે બજારને આગળ વધવામાં અવરોધ નડવાની સંભાવના છે. જો બજાર ૨૩૮૦૦ની નીચે જશે તો વધુ નબળાઈ જોવા મળી શકે છે. જો કે, ૨૪૨૦૦થી ઉપર જશે તો મંદીવાળા પર તેજીવાળાને હાવી થઇ જવાની તક મળશે.

તેમના અનુસાર નિફ્ટીની નજીકના ગાળાના અપટ્રેન્ડની સ્થિતિ અકબંધ છે. ઝડપથી આગળ વધવાથી નિફ્ટી હાલમાં ૨૪,૦૦૦-૨૪,૧૦૦ના સ્તરના પ્રતિકારમાં અવરોધનો સામનો કરી રહ્યો છે. અહીંથી કોઈપણ ઘટાડો એ ખરીદીની તક બની શકે છે. તાત્કાલિક સપોર્ટ ૨૩,૮૦૦ના સ્તરે છે. શેરબજારની તેજી મંદી પર એફઆઇઆઇના વલણની ખાસ અસર થતી હોય છે. વિદેશી ફંડોએ પાંચ મુખ્ય ક્ષેત્રોમાંથી રૂ. એક લાખ કરોડનું રોકાણ પાછું ખેચ્યું છે અને આગળના વલણનો આધાર સરકાર આગામી અંદાજપત્રમાં કેવા પગલાં જાહેર કરે છે, તેના પર રહેલો છે.

વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (એફઆઈઆઈ)એ પાંચ મોટા ક્ષેત્રો બાંધકામ, આઈટી, નાણાંકીય, ઓઈલ અને ગેસ તથા એફએમસીજીમાંથી રૂ.પિયા એક લાખ કરોડથી વધુનું પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું છે.

સૌથી વધુ વેચાણ નાણાંકીય ક્ષેત્રના શેરોનું રહ્યું છે. ૧૫ જૂન સુધીમાં વિદેશી રોકાણકારોએ નાણાંકીય ક્ષેત્રના રૂ.પિયા ૫૩૪૩૫ કરોડ, ઓઈલ એન્ડ ગેસના રૂ.પિયા ૧૩૯૫૮ કરોડ, આઈટી રૂ.પિયા ૧૩૨૧૩ કરોડ, એફએમસીજીના રૂ.પિયા ૧૨૯૧૧ કરોડ તથા બાંધકામ ક્ષેત્રની કંપનીના રૂ.પિયા ૯૦૪૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.

જો કે કેપિટલ ગુડસ, ક્ધઝયૂમર સર્વિસીસ, ટેલિકોમ સહિતના કેટલાક ક્ષેત્રો એફઆઈઆઈના પસંદગીના ક્ષેત્રો રહેલા છે. મૂલ્યાંકનની ચિંતાને લઈને એફઆઈઆઈનું આ શેરોમાં વેચાણ આવી રહ્યું છે. વેચાણને કારણે એફઆઈઆઈના એકંદર શેરહોલિ્ંડગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવી સરકાર દ્વારા રજુ થનારું બજેટ, અમેરિકામાં વ્યાજ દરની સ્થિતિ તથા અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જેવા મુદ્દા વર્તમાન કેલેન્ડર વર્ષના પાછલા છ મહિનામાં એફઆઈઆઈની કામગીરીની દિશા નક્કી કરનારા બની રહેશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. ભારતમાં બજેટ બાદ સરકારની નીતિઓ વધુ સ્પષ્ટ થવા સાથે વિદેશી રોકાણકારોના ફલોસમાં વધારો થવા સંભવ છે. ભારતના અર્થતંત્ર તથા કંપનીઓના અર્નિગ્સ બાબતે એફઆઈઆઈ વિશ્વાસ ધરાવે છે, પરંતુ ઊંચા મૂલ્યાંકનોએ તેમને ચૂંટણી પછીની રેલીમાં ખરીદીથી દૂર રાખ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button