પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ મોટા સમયચક્રને કેવી રીતે પામ્યા હશે?
બ્રહ્માંડ દર્શન – ડૉ. જે. જે. રાવલ
પ્રાચીન ભારતમાં ઋષિ-મુનિઓ ૪૩૨૦૦૦૦ (૪૩ લાખ ૨૦ હજાર) વર્ષનું સમયચક્ર અને તેનાથી પણ મોટા ૪૩૨૦૦૦૦૦૦૦ (ચાર અબજ બત્રીસ કરોડ) વર્ષના સમયચક્રને જાણતા હતાં અને તેય પદ્ધતિસર અર્થ સાથે. આ ખૂબ મોટી વાત ગણાય. સીધી રેખામાં ચાલતા સમયને (એક હજાર, બે હજાર, ત્રણ હજાર…, ચક્રોના રૂપમાં અને તેય આટલાં મોટાં ચક્રોનાં રૂપમાં જાણવો તે તેમનો વિજ્ઞાનમાં વિકાસ દર્શાવે છે, નિપૂણતા દર્શાવે છે, વિજ્ઞાનમાં સમયની ગણતરીમાં અને તેય સો-હજાર વર્ષ નહીં પણ લાખો, કરોડો અને અબજો વર્ષોની ગણતરીમાં. આ એ પણ દર્શાવે છે કે ભારતીયોએ આંકડા શોધેલાં અને મોટી મોટી અંકસંખ્યા શોધેલી, તેમને નામો પણ આપેલાં અને તેનો ઉપયોગ પણ કરતાં. આ તેમની પોતાની શોધ હતી, એટલે કે આ ભારતીયોની શોધ હતી. તેમણે શૂન્ય અને અનંતતાને આત્મસાત્ કર્યા હતા. જેઓ શૂન્ય અને અનંતતાને પામી શકે તેમની દાર્શનિકતા અને તત્ત્વજ્ઞાન કેટલા ઊંચા હોય તેની કલ્પના કરવી મુશ્કેલ છે. શૂન્ય અને અનંતના અને અંકસક્યા, બ્રહ્માંડમાં માપન પદ્ધતિ, ત્રિકોણમિતી જો ભારતીયોએ ન શોધી હોત તો વિજ્ઞાન આગળ વધ્યું ન હોત, તેમ બધાં જ વિજ્ઞાનીઓ માને છે. આ ભારત હતું. આ ભારતને ફરીછી ઉજાગર કરવું જોઈએ.
સમયના આ ચક્રો સતપત બ્રાહ્મણમાં દર્શાવેલાં છે. આ બ્રાહ્મણો આજથી ઓછામાં ઓછા સાડા ચાર હજાર વર્ષ પહેલાં લખાયેલાં છે. એ વખતે ચંદ્ર પૂનમને દિવસે પૂર્વ દિશામાં કૃત્તિકા નક્ષત્રમાં ઉદય પામતો હતો. એટલે કે તે ૫૦૦૦ વર્ષ પૂર્વેનો મહાભારતનો સમય હતો ત્યારે વસંતસંપાત કૃત્તિકામાં થતો હતો.
આપણે હવે જોઈએ કે પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ આટલા મોટા સમયચક્રને કેવી રીતે પામ્યા હશે? તેમણે આ મોટા સમયચક્રો અર્થપૂર્ણરીતે કેવી રીતે શોધ્યા હશે? જે આજે પણ આપણને આશ્ર્ચર્ય પમાડે છે અને આધુનિક વિજ્ઞાન જે બ્રહ્માંડની લય વગેરે દર્શાવે છે, તેની સાથે કેટલા સુસંગત છે, એટલે કે અર્વાચીન વિજ્ઞાન તેની સાથે કેટલું સુસંગત છે. હકીકતમાં તે અર્વાચીન વિજ્ઞાનનો પાયો બન્યાં છે. અર્વાચીન વિજ્ઞાન, ભારતીય જ્ઞાન-વિજ્ઞાનને નજર અંદાજ કરે છે તે તેનું અજ્ઞાન છે, અભિમાન છે.
પ્રાચીન ભારતીય વિજ્ઞાન-તત્ત્વજ્ઞાન ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્રને સમજવા એક પૂરું કેન્દ્ર ખોલવું જોઈએ જે દિગ્ગજ વિજ્ઞાનીઓ સંસ્કૃત તજ્ઞો, ઈતિહાસકારો, પુરાતત્ત્વ વિજ્ઞાનીઓનું હોય તો જ તેને પાર પામી શકાય અને આ કેન્દ્ર કાયમી હોય. ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી આવું કેન્દ્ર ખોલવાની ઈચ્છા રાખે છે. તે માટે માત્ર આર્થિક મદદ જોઈએ છીએ.
આપણે હવે જોઈએ કે પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ કેવી રીતે ખૂબ જ વિશાળ, સમયચક્રને પામી શક્યા, જેને વિશાળ બ્રહ્માંડને અને તેમાં રહેલી વસ્તુઓની જીવનલીલા સમજવા આપણને સમર્થ બનાવ્યાં.
સમયચક્રનો પ્રારંભ આપણા દિવસ અને રાતથી થાય છે, જે સમયચક્ર ૨૪ કલાકનું છે, ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત.
શુકલ પક્ષ ૧૫ દિવસનો અને કૃષ્ણપક્ષ પણ ૧૫ દિવસનો. તે મળીને મહિનો થાય છે. તેને પિતૃઓનો દિવસ કહે છે. તે એક મહિનાનું સમયચક્ર છે. સૂર્ય વસંતસંપાતથી શરદસંપાત સુધી છ મહિના ખગોળીય ઉત્તર ગોળાર્ધ પર વિચરણ કરે છે. તે દેવોનો દિવસ અને પછી છ મહિના શરદસંપાતથી વસંતસંપાત સુધી ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં વિચરે છે તે દેવોની રાત. એટલે કે આપણું એક વર્ષ તે દેવોનો એક દિવસ. ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ પર જઈએ તો ત્યાં છ મહિનાનો દિવસ હોય છે અને પછી છ મહિનાની રાત હોય છે. આ અવાસ્તવિક નથી. દેવોનું એક વર્ષ ૩૬૦ ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણેના દિવસોનું, એટલે કે આપણા ૩૬૦ વર્ષનું થાય. આવા ૧૨૦૦૦ દેવોનાં વર્ષો એટલે કે આપણા ૪૩૨૦૦૦૦ વર્ષો એક મહાયુગ બનાવે છે. આ મહાયુગ ચાર ભાગનો બનેલો છે. ૪ : ૩ : ૨ : ૧ ના પ્રમાણે ઓછો થતો જાય છે. દરેક યુગ મુખ્ય સમય અને ઉષાકાળ અને સંધ્યાકાળ એમ બે બીજા સમયનો બનેલો છે. આ સંધ્યાકાળ અને ઉષાકાળ દરેક મુખ્ય સમયના ૧૦% સમયનો બનેલો છે.
પ્રથમ યુગ ક્રેતા (સતિયુગ) છે, જે દેવોનાં ૪૮૦૦ વર્ષનો બનેલો છે, જેમાં ઉષા અને સંધ્યાકાળના ૪૮૦ દેવોનાં વર્ષો છે. બીજો તેત્રા યુગ જે દેવોનાં ૩૬૦૦ વર્ષનો બનેલો છે જેમાં ઉષાકાળ અને સંધ્યાકાળના દિવસો સમાવિષ્ઠ છે. દ્વાપરયુગ ૨૪૦૦ દેવોનાં વર્ષનો બનેલો છે, જેમાં ઉષાકાળ અને સંધ્યાકાળ સમાવિષ્ટ છે. છેવટે કળિયુગ ૧૨૦૦ દેવોનાં વર્ષોનો બનેલો છે, જેમાં ઉષાકાળ અને સંધ્યાકાળ સમાવિષ્ટ છે. કુલ મળીને દેવોનાં ૧૨૦૦૦ વર્ષ.
જેમ દિવસમાં ઉષાકાળ અને સંધ્યાકાળ હોય છે, તેમ યુગમાં પણ ઉષાકાળ અને સંધ્યાકાળ હોય છે, તે દરેક યુગના કુલ ભાગના દશ ટકા હોય છે. ઉષાકાળ ત્યારે હોય છે જ્યારે સૂર્ય ૧૮ અંશ ક્ષિતિજની નીચે હોય છે અને સંધ્યકાળ ત્યાં સુધી હોય છે જ્યાં સુધી સૂર્ય ક્ષિતિજની નીચે ૧૮ અંશ ન જાય. આ ૧૮ અંશ, ૧૮૦્ર ના ૧૦ ટકા છે. આમ યુગ બરાબર દિવસ જેવો જ કે માત્ર સ્કેલ બદલાય છે.
પૂરા દિવસની સેક્ધડ ૮૬૪૦૦ છે. માટે દિવસની સેક્ધડ ૪૩૨૦૦ છે અને રાતની સેક્ધડ પણ ૪૩૨૦૦ છે. તે કુલ વર્ષના આંકડાની ૧૦૦ ગણી ઓછી છે, પણ તે કુલ વર્ષના આંકડા સાથે સંબંધિત છે.
ઉપરોક્ત યુગના આંકડા (ગાળો) માણસની જેમ જેમ નીતિ-રીતિ, પ્રામાણિકતા ઘટતી જાય છે, તેમ તેમ ઓછા થતાં જાય છે.
કળિયુગમાં માનવીની નીતિમત્તા, પ્રામાણિકતા તળિયે બેસી જાય છે. માટે તે માત્ર ૧૨૦૦ દેવોના વર્ષો જેટલો જ લાંબો હોય છે, એટલે કે માનવીનાં ૪૩૨૦૦૦ વર્ષ લાંબો હોય છે. કળિયુગમાં માનવી બગડે છે, પણ તેનો બગડેલા રહેવાનો સમય બીજા યુગો કરતાં ઘણો ઓછો હોય છે, જે કળિયુગ અને માનવીના કલ્યાણમાં છે. કૃષ્ણ ભગવાન નિર્વાણ પામ્યા પછી કળિયુગનો પ્રારંભ થયો છે અને તેના માત્ર ૫૨૦૦ વર્ષ જ ગયાં છે. કળિયુગનાં હજુ ૪,૨૬૮૦૦ વર્ષ બાકી છે. જો પહેલા ૫૨૦૦ વર્ષમાં જ માનવી આટલો અધમ થઈ ગયો છે તો હવેના ૪૨૬૮૦૦ વર્ષમાં માનવીની અધમતા કેટલી બધી નીચે ઊતરી જશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓએ આ ૪૩,૨૦,૦૦૦નો આંકડો શા માટે શોધ્યો હશે? પ્રાચીન ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે દર આટલાં વર્ષે બધા જ ગ્રહો અને આપણો ચંદ્ર યુતિમાં આવે છે. થોડા વિજ્ઞાનીઓ આ મન્વંતરોને ભૌગોલિક-ભૂ-ભૌતિકશાસ્ત્ર જોડે છે.
વિખ્યાત ખગોળ વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી પીયરી સાયમન-ડી-લાટલાસ (૧૮૦૦) કહે છે કે ભારતીય યુગોની આ ગણતરી તરંગમાત્ર નથી. પ્રાચીન ભારતીય ખગોળવિદો એટલા મહાન હતા કે તેમની ૪૩૨૦૦૦૦નો વર્ષે થતી બધા ગ્રહોની અને ચંદ્રની યુતિ એક વાસ્તવિકતા હોવી જોઈએ.
પુરાણોમાં જે કથાઓ છે તે ખોટી નથી. તેમને સમજવી બહુ જરૂરી છે.