પોલીસ અધિકારીએ 13 વર્ષના કિશોર પર કર્યો ગોળીબાર અને…
ન્યૂ યોર્કઃ અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. અમેરિકાના ન્યૂ યોર્કમાં એક પોલીસ અધિકારીએ ૧૩ વર્ષના કિશોર પર ગોળીબાર કર્યાનો મામલો સામે આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે પોલીસથી બચવા માટે કિશોરે તેમને હેન્ડગન જેવું કંઇક બતાવ્યું હતું. મેનહટનથી લગભગ ૨૪૦ માઇલ (૪૦૦ કિલોમીટર) દૂર યુટિકા પોલીસના અધિકારીએ લૂંટની તપાસ દરમિયાન રાત્રે ૧૦ વાગ્યે બે કિશોરને અટકાવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે ૧૩ વર્ષના બે કિશોરોનો દેખાવ લૂંટના શકમંદો સાથે મેળ ખાતો હતો, તેમાંથી એક રસ્તા પર ચાલી રહ્યો હતો અને બીજો ભાગી ગયો અને પહેલાએ પોલીસ પર હેન્ડગન તાકી દીધી. ત્યાર બાદ પોલીસે હેન્ડગનને અસલી માનીને બાળકની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. પોલીસે કહ્યું કે અધિકારીઓનું માનવું હતું કે તે હેન્ડગન છે, પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તે ખાલી મેગેઝિન સાથેની ગ્લોક ૧૭ જનરલ ૫ હેન્ડગનની પ્રતિકૃતિ હતી.
પોલીસ અને બાળક વચ્ચે ઝપાઝપી દરમિયાન એક અધિકારીએ ગોળી ચલાવી જે કિશોરની છાતીમાં વાગી હતી. જોકે અધિકારીઓ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના વીડિયોમાં રેકોર્ડ થઇ ગઇ હતી. ગોળી ચલાવનાર અધિકારીની ઓળખ એજન્સીના છ વર્ષના અનુભવી પેટ્રિક હુસ્કની તરીકે થઇ હતી.