Franceમાં સંસદીય ચૂંટણી માટે મતદાનઃ કટ્ટર દક્ષિણપંથી પક્ષની જીતની સંભાવના
પેરિસઃ ફ્રાન્સમાં સંસદીય ચૂંટણી (French parliamentary election)ના પ્રથમ રાઉન્ડ માટે આજે મતદાન શરૂ થયું હતું. એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નાઝી યુગ પછી પહેલી વાર સત્તાની બાગડોર રાષ્ટ્રવાદી અને કટ્ટર દક્ષિણપંથી તાકાતના હાથમાં આવી શકે છે.
બે તબક્કામાં યોજાનારી સંસદીય ચૂંટણી 7 જુલાઈએ યોજાશે. ચૂંટણીના પરિણામોની યુરોપિયન નાણાકીય બજારો, યુક્રેન માટે પશ્ચિમી સમર્થન અને વૈશ્વિક લશ્કરી દળો અને પરમાણુ શસ્ત્રાગારોના ફ્રાન્સના સંચાલન પર નોંધપાત્ર અસર થવાની સંભાવના છે.
ઘણા ફ્રેન્ચ મતદારો ફુગાવા અને આર્થિક ચિંતાઓથી ચિંતિત છે અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વથી પણ નારાજ છે. મરીન લે પેનની ઈમિગ્રેશન વિરોધી ‘નેશનલ રેલી’ પાર્ટીએ ચૂંટણીમાં આ અસંતોષનો લાભ ઉઠાવ્યો છે અને ખાસ કરીને ‘ટિકટોક’ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તેનો પ્રચાર કર્યો છે. ચૂંટણી પહેલાના તમામ ઓપિનિયન પોલમાં ‘નેશનલ રેલી’ની જીતની આગાહી કરવામાં આવી છે.
નવા ડાબેરી ગઠબંધન ‘ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ’ પણ બિઝનેસ સમર્થક મેક્રોન અને તેમના કેન્દ્રવાદી ગઠબંધન ‘ટુગેધર ફોર ધ રિપબ્લિક’ માટે પડકાર ઊભો કરી રહ્યું છે. ફ્રાન્સમાં સંસદીય ચૂંટણી માટે આજે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું અને ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણો રાત્રે આઠ વાગ્યે આવવાની શક્યતા છે.
આ વર્ષના જૂનની શરૂઆતમાં યુરોપિયન સંસદની ચૂંટણીમાં ‘નેશનલ રેલી’ સામે મળેલી કારમી હાર બાદ મેક્રોને ફ્રાન્સમાં મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરી હતી. ‘નેશનલ રેલી’ જાતિવાદ અને યહુદી વિરોધી ભાવના સાથે જૂનો સંબંધ છે અને તેને ફ્રાન્સના મુસ્લિમોની વિરોધી માનવામાં આવે છે. ચૂંટણી પરિણામની આગાહી મુજબ ‘નેશનલ રેલી’ સંસદીય ચૂંટણી જીતે તેવી શક્યતા છે.