નેશનલ

નોકરી માટે મુંબઈ-ચેન્નઈ જનારા ૧૧ બાંગ્લાદેશી પકડાયા

અગરતલાઃ અહીંના રેલવે સ્ટેશન પરથી કોઇ પણ માન્ય મુસાફરી દસ્તાવેજ વિના દેશમાં પ્રવેશવા બદલ ૧૧ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, જે કામકાજ અર્થે મુંબઈ-ચેન્નઈ જવાના હોવાનું જાણવા મળ્યું હતું.

કેટલાક બાંગ્લાદેશી નાગરિકો વિશે મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલવે પોલીસે સાંજે તેઓની શોધખોળ શરૂ કરી હતી. બાતમી મળી હતી કે બાંગ્લાદેશી નાગરિકો ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને અગરતલા રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાં ચડશે.

ચાર્જ ઓફિસર તપસ દાસના જણાવ્યા અનુસાર અમે અગરતલા રેલવે સ્ટેશન પરથી પાંચ મહિલા અને છ પુરુષ મળીને કુલ ૧૧ લોકોની અટકાયત કરી હતી અને પૂછપરછ માટે તેમને અગરતલા જીઆરપી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

દાસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવા માટે કોઇ માન્ય પ્રવાસ દસ્તાવેજ રજૂ કરી શક્યા નથી. ૧૧ બાંગ્લાદેશી નાગરિકોની ભારતીય જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમને વધુ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat માં નકલી દસ્તાવેજના આધારે ભારતીય બનીને રહેતા બાંગ્લાદેશીની ધરપકડ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ૧૧ બાંગ્લાદેશી નાગરિકો આજીવિકા કમાવવા માટે ચેન્નઇ, મુંબઇ અને કોલકાતા જવાની યોજના બનાવી રહ્યા હતા. અમે માનવ તસ્કરીના પ્રયાસોની શક્યતાને નકારી શકતા નથી. અમે આ કેસની તપાસ શરૂ કરી છે એમ તેમણે કહ્યું હતું. નોંધનીય છે કે અગાઉ ૨૭ જૂને બે બાંગ્લાદેશી નાગરિકોની અગરતલા રેલવે સ્ટેશન પરથી ગેરકાયદે રીતે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button