ઉત્સવ

નાર્કો ટેરરિસ્ટ પાબ્લો એસ્કોબાર વિશે સત્ય બહાર લાવે છે એનો પુત્ર!

ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ

“બાપ તેવા બેટા અને વડ તેવા તેટા. સદનસીબે પાબ્લો એસ્કોબારના પુત્ર યુઆન એસ્કોબારના કિસ્સામાં ઉપરની ગુજરાતી કહેવત સદંતર ખોટી પુરવાર થઈ છે. ‘નેટફિલક્સ’ પર અતિ લોકપ્રિય થયેલી “નાર્કોસ વેબસિરીઝ જોનારાઓ તેમ જ નહીં જોનારાઓમાંથી ઘણાએ પાબ્લો એસ્કોબારનું નામ સાંભળ્યું જ હશે. ૮૦ના અંત અને ૯૦ના શરૂઆતના દાયકામાં કોકેઇનના ધંધામાં અબજો ડૉલરની કમાણી કરનાર કોલમ્બિયાના પાબ્લો એસ્કોબારના માથા પર લાખો ડૉલરનું ઇનામ સરકારે જાહેર કર્યું હતું. પાબ્લોએ કોલમ્બિયન સરકાર સામે ખુલ્લું યુદ્ધ છેડી દીધું હતું. “શિકારો તરીકે ઓળખાતા ભાડૂતી હત્યારાઓ મારફતે પાબ્લોએ ૮ જ વર્ષમાં ચાર હજારથી વધુ હત્યાઓ કરાવી હતી. કોલમ્બિયાના ડિફેન્સ મિનિસ્ટરથી માંડીને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર, લશ્કરના કમાન્ડરથી માંડીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશો, છાપાના માલિક-તંત્રીઓથી માંડીને પોલીસ અધિકારીઓ સુધીનાઓની હત્યાઓ કરાવીને પાબ્લો વિશ્ર્વભરમાં કુખ્યાત થઈ ગયો હતો. સુપ્રીમ કોર્ટના સ્ટ્રોંગરૂમમાં સચવાયેલા પોતાના વિરુદ્ધના પુરાવાનો નાશ કરવા માટે પાબ્લોએ સુપ્રીમ કોર્ટ પર હુમલો કરાવ્યો હતો. પાબ્લોના માણસોએ ૨૦થી વધુ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની હત્યા કરીને આખી સુપ્રીમ કોર્ટ સળગાવી નાખી હતી.

પાબ્લો વિશે છથી વધુ પુસ્તકો લખાયા છે. કેટલીક ફિલ્મો પણ બની છે. ‘નાર્કોસ’ વેબસિરીઝમાં બતાવ્યું છે એમ પાબ્લો એના કુટુંબને ખૂબ પ્રેમ કરતો હતો. ૧૯૯૩માં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં પાબ્લોનું મોત થયું ત્યારે એના પુત્ર યુઆનની ઉંમર ૧૫ વર્ષની હતી. અને નાની પુત્રી ૧૦ વર્ષની હતી. પાબ્લોના ઠાર થયા પહેલાં એણે ટેલિફોન પર છેલ્લી વાત યુઆન સાથે કરી હતી. પાબ્લોના મૃત્યુના સમાચાર યુઆનને મળ્યા એટલે કુમળી વયે યુઆને પત્રકારોને ફોન કરીને કહ્યું હતું કે પિતાના મોતનો બદલો હવે તે લેશે. જોકે આ સ્ટેટમેન્ટના અરધો કલાક પછી જ એણે ફરીથી પત્રકારોને ફોન કરીને કહ્યું હતું કે એનો કોઈ ઇરાદો હિંસા કરવાનો નથી. ફક્ત આવેશમાં આવીને એનાથી આમ કહેવાય ગયું હતું.

આજે ચાલીસી વટાવી ચુકેલો યુઆન આર્જેન્ટિનામાં રહે છે. માણસોને મારવાને
બદલે કે ડ્રગના કારોબારમાં પડવાને બદલે તે આર્કિટેક્ચર ડિઝાઇનર તરીકે કામ કરી
રહ્યો છે.

યુઆને જે કેટલીક ટીવી ચેનલોને મુલાકાત આપી છે એ સાંભળીએ તો લાગે કે એનું બૌદ્ધિક સ્તર ખૂબ ઊંચું છે. પિતાથી એકદમ જ વિપરીત એ શાંતિપ્રિય છે. યુઆન માને છે કે નેટફિલ્કસે જે રીતે પાબ્લો એસ્કોબારનું ફિલ્મીકરણ કર્યું છે એ સાવ જ ખોટું છે અને નાર્કોસ જોઇને કેટલાક યુવાનો પાબ્લો એસ્કોબાર બનવા માગે છે. સંપૂર્ણ વેબસિરીઝમાં પાબ્લો એસ્કોબારને પૈસામાં આળોટતો અને બધી સુખ-સગવડ ભોગવતો બતાવવામાં આવ્યો છે. જોકે યુઆનના કહેવા પ્રમાણે આખી વેબસિરીઝમાં સત્યનાં અંશો ખૂબ ઓછા છે.

યુઆન કહે છે: “મારા પિતાના મૃત્યુ પછી કોલમ્બિયાના બાકીના ડ્રગ્સનો ધંધો કરનારા માફિયા સરદારો મને અને મારી માતા તથા બહેનને મારી નાખવા માગતા હતા. મારી મા સમાધાન માટે બીજા ડ્રગ્સ માફિયાઓ પાસે ગઈ ત્યારે એમણે અમારી તમામ મિલ્કતો તેમજ પૈસા માગી લીધા હતા. અમે અમારું સર્વસ્વ એમને આપીને પણ સલામત નહોતા. હીટલિસ્ટમાંથી મારી મા અને બહેનના નામ નીકળી ગયા હતા, પરંતુ મારા માથા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, કારણ એટલું જ હતું કે મે ઉશ્કેરાટમાં અને બાળકબુદ્ધિને કારણે બધાને મારી નાખવાની ધમકી આપી હતી. નેટફિલ્કસની વેબસિરીઝમાં બતાવવામાં આવ્યું છે એમાં ઘણા બધા ગપ્પા છે, પરંતુ હું અહીં કેટલાક ખુલાસા કરવા માગું છુ. મારા પિતાને મૃત્યુ પહેલા પગમાં અને ખભામાં ગોળી વાગી હતી, પછી એમણે પોતે જ જમણા કાનમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. જોકે કોઈપણ કારણથી સરકારે અને પોલીસે એવી જાહેરાત કરી હતી કે એમણે જ મારા પિતાને ઠાર માર્યા હતા. મારા પિતા મને હંમેશાં કહેતા કે કોઈપણ વખત મરવું હોય તો ઝડપથી મોત આવે એ માટે જમણા કાનમાં ગોળી મારી દેવી. મૃત્યુ પહેલાં મારા પિતા શરણે થવા માગતા હતા અને સેટેલાઇટ ફોનથી અમારી સાથે સંપર્કમાં રહેતા હતા. એમના છેલ્લા દિવસોમાં તેઓ ખૂબ જ નકારાત્મક થઈ ગયા હતા. તેઓ હંમેશાં કહેતા કે ફોનનો ઉપયોગ એમના માટે મોતનું કારણ બનશે. આમ છતાં બેદરકાર થઈને તેઓ વારંવાર સેટેલાઇટ ફોનથી અમારી સાથે વાત કરતાં હું એમને ફોન નહીં કરવા કહેતો હતો છતાં તેઓ માનતા નહોતા. સિરીઝમાં બતાવવામાં આવ્યું છે એમ જ્યારે અમે જર્મની સ્થાયી થવા ભાગ્યા હતા, ત્યારે મારા દાદી મારી સાથે નહોતાં. અમારા ખરાબ સમયમાં મારા દાદી ક્યારેય અમારી પડખે ઊભાં રહ્યાં નહોતાં.

“પિતાના મૃત્યુ પછી અમારે દેશ છોડીને ભાગી જવું પડે એમ જ હતું. વેટિકન, અમેરિકા, રેડક્રોસ તેમ જ યુરોપના ઘણા દેશોમાં અમે શરણાગતિ માટે પ્રયત્નો કર્યા, પરંતુ કોઈએ અમને મદદ કરી નહીં. છેવટે અમે નામ બદલી નાખ્યા. મેં મારું નામ સેબેસ્ટિયન મેરોક્વીન રાખ્યું હતું. જે હજી પણ ચાલુ છે. છેવટે અમને મોઝમ્બિકાએ શરણ આપ્યું પણ એને માટે પણ અમારે મોટી રકમ ચૂકવવી પડી. મોઝમ્બિકામાં ખોરાકની તંગીને કારણે ત્યાંથી અમે એક્વાડોર ભાગ્યા અને ત્યાર પછી છેવટે આર્જેન્ટિમાં સ્થાયી થયા.

કોલમ્બિયા છોડ્યા પછી યુઆન ફક્ત એક વખત ફરીથી પોતાના દેશ ગયો હતો. પાબ્લોએ જેટલા નિર્દોષોની હત્યા કરી હતી એમના કુટુંબીઓને મળીને યુઆને સૌની દિલથી માફી માગી હતી. આ ઉપરાંત એણે “ધ સીન્સ ઓફ માય ફાધર નામની ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી. યુઆનનું કહેવું છે કે એમના પિતાના મોટા ભાગના પૈસા ભ્રષ્ટ અધિકારીઓને લાંચ આપવામાં તેમજ હિંસા આચરવામાં પૂરા થઈ ગયા હતા. યુઆન એક જ વ્યક્તિ હતો કે જે પાબ્લો એસ્કોબારને એમની હિંસા અને બોમ્બ ધડાકા બંધ કરવા એમને મોઢા પર કહી શકતો હતો. યુઆન કહે છે કે “મારા પિતા મને એક તરફ કંઈ રીતે સારી વ્યક્તિ બની શકાય એ વિશે સલાહ આપતા અને બીજી તરફ પોતે જ હત્યાઓ કરાવતા રહેતા હતા. એમનું વ્યક્તિત્વ વિરોધાભાષી હતું. તેઓ સામ્યવાદી ગેરીલાઓને પણ પૈસા આપતા અને જમણેરી વિચારધારાવાળા રાજકીય પક્ષોને પણ મદદ કરતા. મારી સલાહ દરેક યુવાનોને એ છે કે કદી મારા પિતા જેવા બનવાની કોશિશ કરતા નહીં.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત